આછવણી ગામમાં વર્ષોથી ગેરકાયદેસર રીતે શોપિંગ કોમ્પ્લેક્સ,ઇંટના ભઠ્ઠા અને સાબુની ફેક્ટરી ચલાવવા જમીન આપનાર ચૌધરી પરિવારને વાંસદા પ્રાંત અધિકારી દ્વારા નોટિસ ફટકારી ખુલાસો માંગતા ફફડાટ.

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

આછવણી ગામમાં વર્ષોથી ગેરકાયદેસર રીતે શોપિંગ કોમ્પ્લેક્સ,ઇંટના ભઠ્ઠા અને સાબુની ફેક્ટરી ચલાવવા જમીન આપનાર ચૌધરી પરિવારને વાંસદા પ્રાંત અધિકારી દ્વારા નોટિસ ફટકારી ખુલાસો માંગતા ફફડાટ.

નવસારી તા. ૯

રૂમલા ગામના જાગૃત નાગરિક અને નવસારી જિલ્લા મહાર સમાજ પ્રમુખ અને ન્યાય સમિતિ અધ્યક્ષ વિજય બાબુભાઇ ઉચ્ચકટાર દ્વારા ખેરગામ તાલુકાના આછવણી ગામના હટી ફળિયામાં રહેતા અને પાણીખડક ચોકડીની આસપાસમાં જમીનનો મોટો જથ્થો જેમાં વર્ષોથી ઈંટના ભઠ્ઠા,શોપિંગ કોમ્પ્લેક્સ અને સાબુની ફેક્ટરી ચલાવવા માટે સંપૂર્ણ ગેરકાયદેસર રીતે ચલાવવા આપનાર રાહુલ ચૌધરી અને તેના પરિવારજનો વિરુદ્ધ કડક કાર્યવાહી ખેરગામ મામલતદારને ફરિયાદ કરી હતી.આ બાબતે ખેરગામ મામલતદાર દ્વારા સ્થળ તપાસ કરાવતા તમામ દુકાનોના બાંધકામો અને સાબુની ફેક્ટરી અને ઇંટના ભઠ્ઠાઓ કોઈપણ જાતના સક્ષમ અધિકારીઓ કે તંત્રની મંજૂરી વગર સંપૂર્ણ ગેરકાયદેસર હોવાની હકીકત સામે આવતા ખેરગામ મામલતદાર દ્વારા વાંસદા પ્રાંતને પત્ર લખી નિયમોનુસાર યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા ભલામણ કરેલ હતી.તેમ છતાં લાંબા સમયસુધી કોઈ કાર્યવાહી નહીં થતાં વિજય ઉચ્ચકટારે આરટીઆઈ કરી કરેલી કાર્યવાહીની વિગતો માંગતા પ્રાંત અધિકારી દ્વારા પક્ષકરોને નોટિસ કાઢી કેસ નં C73AA//17/2025 ની સુનવણી ચાલુ કરતા દાદાગીરિપૂર્વક ગેરકાયદેસર બાંધકામ કરી કાયદાની ઐસીતૈસી કરનાર રાહુલ ચૌધરી અને તેના પરિવારજનોમાં ફફડાટનો માહોલ વ્યાપી ઉઠ્યો છે.આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં વિજય ઉચ્ચકટારે જણાવ્યું હતું કે ચૌધરી પરિવાર રાજકીય વગ ધરાવતો આવેલ હોવાથી તેઓની જમીનમાં લગભગ 25-26 વર્ષોથી ગેરકાયદેસર રીતે ગોળનું કોલુ અને ત્યારબાદ 2015-16 થી સાબુની ફેક્ટરી તેમજ આજરીતે શોપિંગ કોમ્પ્લેક્સ અને ઇંટના ભઠ્ઠા પણ સંપૂર્ણ ગેરકાયદેસર રીતે ચલાવતા આવેલ.મને ઘણા ગ્રામજનો મળ્યા જેઓએ નામ નહીં આપવાની શરતે જણાવેલ છે કે ચૌધરી પરિવાર પૈસાદાર અને વગદાર હોવાથી ગામના લોકો પર પણ રોફ જમાવતા ફરતા હોય છે અને તેઓ અત્યારે પણ ખુલ્લેઆમ કહેતા ફરી રહ્યા છે કે બધા અમારા ખિસ્સામાં છે અને કોઈ અમારું કંઈ તોડી લે એમ નથી.અને સૌથી દુઃખદ બાબત એ છે આ તમામ બાબતોમાં આછવણી ગામના સરપંચ અને તલાટી જાણે કલેકટરથી ઉપર હોય તેમ કોઈ કાર્યવાહી નહીં કરીને ગેરકાયદેસર કામો કરવાનો પરવાનો આપીને આવા અનેક ઈસમોને પ્રોત્સાહન આપી રહ્યા છે.હવે જોવાનું એ રહ્યું કે ડરનો માહોલ બનાવી ગેરકાયદેસર રીતે અનેક દુકાનો,ઈંટના ભઠ્ઠા,સાબુની ફેક્ટરી ચલાવનાર ઈસમો સામે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રદાદાનું બુલડોઝર ફરી વળશે કે તેમજ આવા લોકોને પ્રોત્સાહન આપનાર આછવણી ગામના સરપંચ અને તલાટી વિરુદ્ધ પણ નવસારી જિલ્લા પંચાયત કોઈ કાર્યવાહી કરશે કે કેમ?

Share This Article