
બાબુ સોલંકી :- સુખસર
*વિકાસ સપ્તાહ ઉજવણી- દાહોદ*
*ફતેપુરા તાલુકાના માધવા ખાતે ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને વિકાસ સપ્તાહ કાર્યક્રમ યોજાયો*
*રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે સહાય કીટ વિતરણ કરાઈ*
સુખસર,તા.9
. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા ૨૪ વર્ષમાં ગુજરાતના યુવાઓને સશક્ત બનાવવા અને તેમની બુદ્ધિ પ્રતિભા અને ક્ષમતાઓને તક મળે તેવા વાતાવરણનું નિર્માણ કરવા અનેકવિધ પ્રયાસો કર્યા છે. વડાપ્રધાનશ્રીના સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતમાં તારીખ ૦૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતગર્ત ફતેપુરા તાલુકાના માધવા ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી સાથે લાભાર્થીઓને સહાય કીટ વિતરણ કરવામાં આવી હતી. સાથે જ ગુજરાત સરકારના ૨૪ વર્ષના વિકાસ ગાથા રજૂ કરવામાં આવી હતી જેને સૌએ નિહાળી હતી. સાથે જ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત મહેમાનો હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ વિકાસ સપ્તાહના પ્રસંગે ફતેપુરા ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારાએ કહ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે પ્રગતિના માર્ગે ચાલી રહ્યો છે. ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાનું તેમનું વિઝન છે એટલે દેશના દરેક નાગરિકનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર થાય તે માટે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વિકાસ રથ અને કાર્યક્રમમો દ્વારા આંતરિયાળ ગામડાના છેવાડાના માનવીઓ સુધી તમામ યોજનાઓ પહોંચે અને લોકો તેનો લાભ મેળવે તે તેનું ઉદ્દેશ્ય છે.
સાથે જ તેમણે કહ્યું હતું કે, ખેતી કરતા મારા ખેડૂતમિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ સ્વરૂપે વાર્ષિક ૬,૦૦૦ હજારની સહાય, દરેક લોકોને આયુષમાન કાર્ડ હેઠળ ૧૦ લાખ સુધીનો સહાય, પ્રધાનમંત્રી આવાસ યોજના , પીવાના પાણી માટે કૂવા, બોરની વ્યવસ્થા તેમજ દરેક ગામડે ગામડે અને ફળિયે ફળિયે રોડ રસ્તાની સુવિધાઓ આપવામાં આવી છે. લોકોના આરોગ્ય માટે પી.એચ.સી, સી.એચ.સી બનાવામાં આવી છે.સાથે બાળકોના શિક્ષણ માટે અધતન ઇન્ફાસ્ટક્ચર ધરાવતી શાળાઓ બનાવાઈ છે. સરકારની વિવિધ યોજના કોઈપણ પ્રકારના ભેદભાવ રાખ્યા વગર આપવામાં આવી રહી છે.
આ પ્રસંગે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીશ્રીએ સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે, પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા, સ્વચ્છ ભારત મિશન, આયુષ્યમાન કાર્ડ, સહિતની વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપીને ગ્રામજનોને આ યોજનાઓનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. સાથે જ વર્મિકમ્પોસ્ટ ખાતર, અળસિયા દ્વારા તૈયાર કરાતા ખાતર વિશે માહિતી આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, નાયબ મામલતદારશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી પંચાયત, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, પશુપાલન વિભાગમાંથી પશુ ચિકિત્સકશ્રી, પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આઈ.સી.ડી. એસ ની બહેનો,વિવિધ વિભાગના કર્મચારીઓ,ગામના આગેવાનો વડીલો, સરપંચશ્રીઓ, લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.