
બાબુ સોલંકી :- સુખસર
*સુખસર તાલુકાના મુખ્ય મથક સુખસર ખાતે પાંચ વર્ષ અગાઉ શરૂ કરવામાં આવેલ નવીન પોલીસ ક્વાર્ટરની કામગીરી ટલ્લે !*
*સુખસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સ્ટાફ માટે 16 જેટલા નવીન ક્વાર્ટરની પાંચ વર્ષ અગાઉ કામગીરી શરૂ કરવામાં આવેલ છે*
*સુખસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મોટાભાગનો સ્ટાફ ભાડાના મકાનોમાં રહે છે અથવા તો અપ ડાઉન કરતા મુશ્કેલી ભોગવી રહ્યા છે*
સુખસર,તા.,7
ફતેપુરા તાલુકા માંથી વિભાજન થઈ નવીન સુખસર તાલુકો જાહેર કરવામાં આવ્યો છે.સુખસર ખાતે ગત પાંચ વર્ષ અગાઉ પોલીસ સ્ટાફના રહેઠાણ માટે 16 જેટલા નવીન ક્વાર્ટરોની કામગીરી શરૂ કરવામાં આવેલ હતી.અને ચણતર પ્લાસ્ટરની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવેલ ત્યારબાદ બારી,દરવાજા,જાળી સહિત ટાઇલ્સની જ્યાં શરૂઆત કરવામાં આવે તેવા જ સમયે આ ક્વાર્ટરોની કામગીરી સ્થગિત કરી દેવામાં આવતા આ ક્વાર્ટરો છેલ્લા પાંચેક વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ સુખસર તાલુકાના મુખ્ય મથક સુખસર ખાતે પોલીસ સ્ટેશન સ્ટાફમાં 42 પોલીસ મહેકમ છે.જ્યારે પોલીસ કર્મચારીઓ ના રહેણાંક માટે અગાઉ 16 જેટલા પોલીસ ક્વાર્ટરનું બાંધકામ કરવામાં આવેલ છે.અને તેમાં પોલીસ સ્ટાફ રહે છે.જ્યારે પોલીસ ક્વાર્ટરની પૂર્તતા કરવા માટે ગત પાંચ વર્ષ અગાઉ અન્ય નવીન 16 જેટલા પોલીસ ક્વાર્ટરની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી.અને નવીન પોલીસ ક્વાર્ટરની યુદ્ધના ધોરણે કામગીરી થઈ હતી.અને બાંધકામ પૂર્ણ થયા બાદ પ્લાસ્ટરની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી.
જ્યારે બારી,દરવાજા અને જાળીની કામગીરીની જ્યાં શરૂઆત થાય તેવા જ સમયે વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરને આ ક્વાર્ટર બાંધકામ માટે વિવાદ ઊભો થતાં આ કવાર્ટરની કામગીરી છેલ્લા પાંચ વર્ષથી ટલ્લે ચડાવાઈ રહી છે.જેથી હાલ આ ક્વાર્ટરોમાં મધપૂડા અને વૃક્ષો ઊગી નીકળતા ખંડીયેરની સ્થિતિમાં ફેરવાતા જઈ રહ્યા છે.જોકે બિન સત્તાવાર સૂત્રો દ્વારા આ ક્વાર્ટર બાંધકામ કરતા કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યો હોય કામગીરી સ્થગિત થયેલ હોવાની ચર્ચા સાંભળવા મળે છે.પરંતુ બાંધકામ કરતાં આ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં આવતા કામગીરી બંધ કરવામાં આવી હોય અને કોન્ટ્રાક્ટરના વાંકે અથવા તો કોઈ પણ કારણોસર આ કામગીરી સ્થગિત થઈ હોય અને સરકારી કામગીરીનો નિર્ણય લેવા સરકારને પાંચ-પાંચ વર્ષની રાહ જોવી પડે તે યોગ્ય નથી!
અહીંયા જણાવવું જરૂરી છે કે, અગાઉ બાંધકામ કરેલ 16 ક્વાર્ટરમાં પોલીસ સ્ટાફ રહે છે.જ્યારે અન્ય પોલીસ સ્ટાફ ભાડાના મકાનોમાં રહે છે અથવા તો અનેક પોલીસ કર્મચારીઓ ક્વાર્ટર ના અભાવે અપડાઉન કરે છે.ત્યારે પોલીસ ક્વાર્ટરથી વંચિત પોલીસ સ્ટાફ માટે નવીન ક્વાર્ટરની બાંધવાની શરૂઆત થતાં પોલીસ સ્ટાફમાં ખુશી જોવા મળતી હતી.પરંતુ શરૂઆત બાદ પૂર્ણતાને આરે આવેલા પોલીસ ક્વાર્ટરોની કામગીરી સ્થગિત થતાં નારાજગી જોવા મળી હતી. જ્યારે હાલ જે પોલીસ સ્ટાફ ભાડાના મકાનોમાં રહે છે અથવા તો અપડાઉન કરે છે તેઓ આ પોલીસ ક્વાર્ટરની કામગીરી વહેલી તકે શરૂ થાય અને સ્ટાફને લાભ મળે તેની રાહ જોઈ રહ્યા છે.
સુખસર પોલીસ સ્ટેશનમાં એક પી.આઇ તથા પી.એસ.આઇ ફરજ બજાવી રહ્યા છે ત્યારે માત્ર એક પી.એસ.આઇ ક્વાર્ટર આવેલ છે.જેથી પોલીસ અધિકારીઓને પણ ફરજના સ્થળે સમયસર હાજર રહેવા મુશ્કેલી પડતી હોય તે સ્વાભાવિક છે.ત્યારે તાલુકા કક્ષાનો દરજ્જો મેળવી ચૂકેલા સુખસર પોલીસ સ્ટેશન સ્ટાફને સ્થાનિક જગ્યાએ રહેઠાણ માટે પોલીસ ક્વાર્ટરની સુવિધા ઉપલબ્ધ થાય તેને ધ્યાને રાખી પોલીસ ક્વાર્ટરની સ્થગિત કરવામાં આવેલ કામગીરી વહેલી તકે શરૂ કરી પોલીસ કર્મચારીઓને સુવિધા આપવામાં આવે તે જરૂરી જણાય છે.