
દક્ષેશ શાહ :- ઝાલોદ
ખેડૂતો પાસે લાંચની માંગણી, સરકારી કર્મચારી એસીબીના છટકામાં..
ઝાલોદમાં વન વિભાગના બે કર્મચારી રૂ. 11,000ની લાંચ લેતા ઝડપાયા:
પશુ ચરાવવા બદલ પશુપાલકો પાસેથી દંડના નામે લાંચ માંગી હતી..
દાહોદ તા.26
ઝાલોદ તાલુકાના દાતગઢ ગામે વન વિભાગના બે કર્મચારીઓ રૂ. 11,000ની લાંચ લેતા દાહોદ એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા છે. પશ્ચિમ ઝાલોદ બીટમાં ફરજ બજાવતા બીટગાર્ડ સુરેશસિંહ દિલીપસિંહ બારડ અને રોજમદાર સુનીલ રવજી પારગીએ પશુપાલકો પાસેથી આ લાંચ માંગી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, કેટલાક પશુપાલકો જંગલ ખાતાની જમીનમાં પોતાના પશુઓ ચરાવવા ગયા હતા. આ સમયે ઉપરોક્ત બંને કર્મચારીઓએ તેમને રોકી, જંગલ જમીનમાં પશુ ચરાવવા બદલ ગેરકાયદેસર દંડની માંગણી કરી હતી. શરૂઆતમાં વ્યક્તિ દીઠ રૂ. 2,000ના દંડની માંગણી કરાઈ હતી, જે લાંબી રકઝક બાદ વ્યક્તિ દીઠ રૂ. 1,000 એમ કુલ રૂ. 11,000 પર નક્કી થઈ હતી.પશુપાલકોએ આ લાંચની રકમ આપવાને બદલે દાહોદ એસીબી પોલીસનો સંપર્ક કર્યો હતો. એસીબીના ટ્રેપિંગ અધિકારી કે.વી. ડીંડોરે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ઝાલોદના ચાકલીયાથી લીમડી જતા રોડ પર દાતગઢ ગામે એક ગલ્લા પર લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.
આ છટકા દરમિયાન સુરેશસિંહ બારડ અને સુનીલ પારગી રૂ. 11,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. દાહોદ એસીબી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.