મનરેગા કૌભાંડ ઇફેક્ટ: દસ્તાવેજોની હેરફેર રોકવા બારીયાની મનરેગા કચેરીમાં સીસીટીવી કેમેરા લગાવાયા, ધાનપુરમાં ભગવાન ભરોસે.. દેવગઢબારિયા ધાનપુર તાલુકા પંચાયતમાં મનરેગા કચેરીને બહારથી તાળુ મારી દેવાયું..

Editor Dahod Live
2 Min Read

મનરેગા કૌભાંડ ઇફેક્ટ: દસ્તાવેજોની હેરફેર રોકવા બારીયાની મનરેગા કચેરીમાં સીસીટીવી કેમેરા લગાવાયા, ધાનપુરમાં ભગવાન ભરોસે..

દેવગઢબારિયા ધાનપુર તાલુકા પંચાયતમાં મનરેગા કચેરીને બહારથી તાળુ મારી દેવાયું..

દાહોદ તા.01

દાહોદના દે.બારિયા-ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં ત્રણ ગામોમાં રસ્તાના અધૂરા કામો તેમજ બિનપાત્રતા ધરાવતી એજન્સીઓને 71 કરોડ રૂપિયાની ગેરરીતિના પ્રકરણમાં દસ્તાવેજો જોડે ચેડા ન થાય તેમજ સુરક્ષા માટે તંત્ર મોડું મોડું જાગ્યું છે. જેમાં આ કથિત કૌભાંડ સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજોની હેરફેર કે નાશ ન થાય તે હેતુથી દેવગઢ બારિયા તાલુકા પંચાયતની મનરેગા શાખામાં સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે.અને કચેરી બહારથી તાળું મારી દેવાયું છે.તેવી જ રીતે ધાનપુર તાલુકા પંચાયતની મનરેગા કચેરી પણ બહારથી તાળુ મારી દેવામાં આવ્યુ છે.

પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારિયા તાલુકા પંચાયત ખાતેની મનરેગા શાખામાં કૌભાંડના મહત્વપૂર્ણ રેકર્ડની સુરક્ષા અને દેખરેખ માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.જેમાં હવે મનરેગા શાખાની અંદર સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે.અને દસ્તાવેજો જ્યાં રાખવામાં આવ્યા છે તે રૂમની લાઇટો પણ ચાલુ રાખવામાં આવી રહી છે.કોઈપણ અનધિકૃત વ્યક્તિની અવરજવર કે ડોક્યુમેન્ટ સાથે ચેડા ન થાય તે સુનિશ્ચિત કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.આ કચેરીને હાલ પૂરતુ બહારથી તાળુ મારી દેવામાં આવ્યુ છે. ધાનપુર તાલુકા પંચાયતમાં પણ મનરેગા કચેરી બહારથી બંધ હાલતમાં જોવા મળી રહી છે.અહીં સીસી ટીવી કેમેરા ગોઠવાયા હોવાનું જાણવા મળ્યુ નથી. ઉલ્લેખનીય છે કે, આ કૌભાંડમાં દેવગઢ બારિયા અને ધાનપુરના ત્રણ ગામોમાં અધૂરા રસ્તાના કામો કાગળ પર બતાવીને અધિકૃત ન હોય તેવી 35 એજન્સીઓને ₹71 કરોડનું ચુકવણું કરી દેવામાં આવ્યાનો ઘટસ્ફોટ થયો હતો. હાલ કૌભાંડ સંબંધિત દસ્તાવેજોની સુરક્ષા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. ત્યારે આ સમગ્ર પ્રકરણની તપાસ કઈ દિશામાં આગળ વધશે અને કેટલા મોટા માથાઓના નામ ખૂલશે તે જોવું રહ્યું.

 આગોતરા જામીનની 9 મેના રોજ સુનાવણી

દેવગઢ બારિયા અને ધાનપુરમાં થયેલા મનરેગા કૌભાંડમાં મંત્રી બચુભાઇ ખાબડના પૂત્રો કીરણ અને બળવંતે દાહોદની સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. ત્યારે આ અરજીની સુનાવણી 9 મૈના રોજ રાખવામાં આવી છે. 9મી તારીખે કોર્ટ શું ફેંસલો આપે છે તેની ઉપર સૌની મીટ મંડાયેલી છે.

Share This Article