ટ્રાન્સપોર્ટેશનમાં કમિશન પેટે લાંચ માગતા આચાર્ય ભરાયા.. ધાનપુરની શાળામાં વિદ્યાર્થીઓને શાળાએ લાવવા લઈ જનાર વાહન માલિક પાસે આચાર્યે 14 હજાર માગ્યાં, ACBએ રંગેહાથ ઝડપી લીધો..

Editor Dahod Live
2 Min Read

ટ્રાન્સપોર્ટેશનમાં કમિશન પેટે લાંચ માગતા આચાર્ય ભરાયા..

ધાનપુરની શાળામાં વિદ્યાર્થીઓને શાળાએ લાવવા લઈ જનાર વાહન માલિક પાસે આચાર્યે 14 હજાર માગ્યાં, ACBએ રંગેહાથ ઝડપી લીધો..

દાહોદ તા.04

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપોદરા ગામની મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય ગોપાલ વસ્તા ચમારને દાહોદ એન્ટી કરપ્શન બ્યુરોએ રુપીયા 14000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

 

દાહોદ જિલ્લો અંતરિયાળ વિસ્તાર ધરાવતો જિલ્લો છે ત્યારે જિલ્લામાં શિક્ષણનું સ્તર સુધરે તે માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 3 કિલોમીટરથી વધુના અંતરથી શાળાએ વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા શરૂ કરી છે. જોકે, આ સુવિધામાં જ મોટો ભ્રષ્ટાચાર ચાલતો હોવાની અવારનવાર ફરિયાદો ઉઠી હતી.

 

સરકારની મહત્વકાંક્ષી યોજનામાં જ શિક્ષણ વિભાગના આચાર્ય ભ્રષ્ટાચાર આચરી રહ્યા હતા. એસીબીના શકંજામા ઝડપાયેલા આરોપી આચાર્યે શાળાના વિદ્યાર્થીઓને લાવવા-મૂકવા માટે ભાડે રાખેલા ફોરવ્હીલ વાહનના માલિક પાસેથી કમિશનના નામે ₹14,000ની લાંચની માગણી કરી હતી. વાહન માલિકના ખાતામાં 28,590નું ભાડું જમા થયા બાદ આરોપીએ સતત લાંચની માગણી કરી હતી.

 

ફરિયાદીએ લાંચ આપવાની ના પાડતા દાહોદ એસીબી કચેરીએ ફરિયાદ નોંધાવી હતી. દાહોદ એસીબીના પોલીસ ઈન્સ્પેક્ટર કે.વી.ડીડોરે 2 સરકારી પંચોની હાજરીમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. આજે શાળાની ઓફિસમાં આચાર્યએ ફરિયાદી અને પંચની હાજરીમાં લાંચની રકમ સ્વીકારતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.આરોપી મૂળ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નંદનગર સોસાયટીના રહેવાસી છે અને હાલમાં પીપોદરાના નિશાળ ફળિયામાં રહે છે. હાલ એસીબીએ આરોપી પાસેથી લાંચની સંપૂર્ણ રકમ રૂ.14,000 રિકવર કરી છે. લાંચીયા આચાર્યની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી છે. લાંચિયા આચાર્યની એસીબીએ ધરપકડ કરતા સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

Share This Article