
કાપડી વિસ્તાર છાવણીમાં ફેરવાયો:દેવગઢ બારીયા નગર પાલિકાની ચૂંટણી લોહીયાળ બની, એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો,3થી વધુને ઇજાગ્રસ્ત..
દાહોદ તા.18
દેવગઢ બારીયામાં પરિણામ જાહેર થતા ચૂંટણી લોહીયાળ બની છે.જેમા કાપડી વિસ્તારમા એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા અરાજકતાનો માહોલ સર્જાયો હતો. ઓચિંતો થયેલા પથ્થરમારામાં 3થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. જે બાદ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
દાહોદ જિલ્લાની ઝાલોદ અને દેવગઢ બારીઆ નગરપાલિકાની ચૂંટણીના પરીણામો જાહેર થયા છે, ત્યારે દેવગઢ બારીયા નગર પાલિકાની ચૂંટણી લોહીયાળ બની છે. ચૂંટણી પરિણામ જાહેર થતા કાપડી વિસ્તારમાં કેટલાક શખ્સોએ પથ્થરમારો કર્યો હતો.જેને પગલે એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. આ પથ્થરમારામાં 3થી વધુ લોકોને ઈજાઓ થતા અરાજકતા નો માહોલ સર્જાયો હતો. ઘટનાના પગલે કાપડી વિસ્તારમાં પોલીસના ધડા ઉતરતા કાપડી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. હાલ ઇજાગ્રસ્તો દેવગઢબારિયા સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે પોલીસે ઘટના સંદર્ભે તપાસનો દોર લંબાવ્યો છે.