બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકામાં પ્રજા તથા તંત્રને ગેરમાર્ગે દોરતા વિવિધ લખાણો સાથે ફરતા ટુ-ફોર વ્હીલર વાહનોની તટસ્થ તપાસ કરવા માંગ*
*કેટલાક વાહન ચાલકો પોતાને નાહવા નીચોવવાનો સંબંધ ન હોવા છતાં ટુ-ફોર વ્હીલર વાહન ઉપર પ્રેસ,પ્રેસિડેન્ટ,પોલીસ જેવા લખાણો સાથે ખુલ્લેઆમ હવે ફરી રહ્યા છે!*
*ગેરકાયદેસર વિવિધ લખાણો સાથે વાહનો સાથે ફરતા ઇસમોની ઉચ્ચ કક્ષાએથી તપાસ કરી પાટીયા ઉતરાવી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ*
સુખસર,તા.30
ફતેપુરા તાલુકામાં કેટલાક લોકોને જે તે બાબતે જે તે ક્ષેત્રની આવડતમાં ઉણપ હોવા છતાં કાંઈક હોવાનું ડોળ કરી પ્રજા તથા તંત્ર સામે રોફ જમાવવાના ઈરાદાથી પોતાના ટુ ફોર વ્હીલર વાહનોની નંબર પ્લેટ તથા વાહન ઉપર વિવિધ લખાણોના પાટિયા સાથે ફરી રહ્યા હોવાનું નજરે જોતા જણાઈ આવે છે.અને પોતાના વાહન ઉપર ખોટી રીતે લટકાવેલ કે ચોંટાડેલ લખાણ પ્રમાણે પોતે કાંઈક હોવાનો ભ્રમ ઉભો કરતા અનેક તત્વો બિન રોકટોક ફરી રહ્યા છે.ત્યારે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો અનેક લોકો સામે ગુન્હા દાખલ થઈ શકે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
નિયમ મુજબ કોઈપણ વાહનની નંબર પ્લેટ ઉપર નંબર સિવાય કોઈપણ જાતનું લખાણ હોવું જોઈએ નહીં.તથા જે-તે વાહનો નંબર દૂરથી સ્પષ્ટપણે વાંચી શકાય તેવો હોવો જોઈએ.તેમ છતાં કેટલાક વાહનો ઉપર વાહનોની નંબર પ્લેટ ઉપર અવનવા લખાણો,ફોટા વિગેરે જોવા મળે છે.જ્યારે અમુક વાહનો ઉપર અવાચ્ય અડધા અથવા તો કોરી નંબર પ્લેટો સાથે અનેક વાહનો પોલીસ તથા આર.ટી.ઓ થી નીડર બની બિન રોકટોક દોડી રહ્યા છે.અને આ બાબતે તંત્ર દ્વારા સબ ચલતા હૈ નીતિ અપનાવાઇ રહી છે!?
ફતેપુરા તાલુકામાં દોડતા કેટલાક ટુ-ફોર વ્હીલર વાહન ચાલકો પોતાના વાહનો ઉપર વિવિધ લખાણો સાથે ખોટી ઓળખ પેદા કરવાના ઇરાદાથી બિન રોકટોક અવર-જવર કરતા હોવાનું નજરે જોવા મળી રહ્યું છે. જેમાં ખાસ કરીને પોતાના ટુ-ફોર વ્હીલર વાહન ઉપર પ્રેસ,પ્રેસિડેન્ટ, પોલીસ,ચેરમેન,અધ્યક્ષ જેવા વિવિધ લખાણોના પાટીયા પોતાની ગાડી ઉપર લટકાવી કે ચોંટાડી ફરી રહ્યા છે.જે પૈકી મોટાભાગના લોકો પ્રજા તથા તંત્રને ગેરમાર્ગે દોરી પોતાનો ખોટો વટ ઉભો કરી રહ્યા હોવાના અનેક દાખલા જોવા મળે છે.જોકે મોટાભાગના વાહનો ઉપર વિવિધ લખાણો સાથે ફરતા વાહન ચાલકોને પોતાની ગાડી ઉપર ખોટી ઓળખ ઉભી કરવાના ઇરાદાથી લગાવેલ લખાણ સાથે સ્નાન સુતકનો સંબંધ ન હોવા છતાં આવા લખાણો સાથે બીન રોકટોક ફરી રહ્યા છે.ત્યારે આવા વાહન ચાલકોના ભૂતકાળ તથા વર્તમાન સમયની કામગીરીની તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો અનેક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી શકે તેમ છે.