રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં નકલી NA પ્રકરણ સામે આવ્યા બાદ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં બદલીનો દોર, સાત મામલતારોને બઢતી, 46 મામલતદારો,કારકૂન અને તલાટીઓ બદલાયા..
દાહોદ તા. ૨૬
દાહોદ જિલ્લામાં જિલ્લા પંચાયત અને મામલતદાર કચેરીમાં નકલી એનએ કચેરીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ આખા જિલ્લાના મહેસુલી વિભાગમાં હંગામી બઢતી સાથે કારકુન અને તલાટીઓની બદલીનો ગંજીફો ચીપાયો છે.સાત નાયબ મામલતદારોને હંગામી બઢતી અપાઇ હતી જ્યારે 46 નાયબ મામલતદાર, કારકુન અને તલાટીઓની બદલી કરવામાં આવી હતી. આ બદલીઓથી ક્યાંક ખુશી તો ક્યાંક છુપી નારાજગી જોવા મળી હતી. કલેક્ટર દ્વારા વહિવટી કારણોસર આ બદલીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ હતું.
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લાાં ચૂંટણી સબંધિત મહેકમની હંગામી જગ્યાઓ મંજુર કરવામાં આવી છે. ત્યારે હંગામી નાયબ મામતદારની બઢતી માટેની ખાતાકિય પસંદગી સમિતિની બેઠકમાં હાલમાં દેવગઢ બારિયા, દાહોદ,ઝાલોદ, સંજેલીની મામલતદાર કચેરી અને દાહોદ કલેક્ટર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં સાત લોકોને નાયબ મામલતદાર તરીકેની તદ્દન હંગામી ધોરણે ચૂંટણીની કામગીરી માટે બઢતી આપીને તેમની બદલી કરવામાં આવી હતી. આ સાથે દાહોદ કલેક્ટર કચેરીમાં વિવિધ શાખાના વિવિધ ટેબલ સંભાળતા 19, ગરબાડા મામલતદાર કચેરીના 3, દેવગઢ બારિયા મામલતદાર કચેરીના 3, ધાનપુર મામલતદાર કચેરીના 1, દાહોદ મામલતદાર કચેરીના 4,ઝાલોદ મામલતદાર કચેરીના 3, ફતેપુરા મામલતદારકચેરીના 1, સિંગવડ મામલતદાર કચેરીના 1, સંજેલી મામલતદાર કચેરીના 1 નાયબ મામલતદાર આંતરિક બદલી કરવામાં આવી હતી. આ સાથે દાહોદ, ઝાલોદ, સંજેલી, દે.બારિયા અને ધાનપુરમાં મામલતદાર કચેરીઓમાં ફરજ બજાવતા છ કારકુન અને 4 મહેસુલી તલાટીની બદલી પણ કરવામાં આવી હતી.