*ફતેપુરા તાલુકાના બાવાની હાથોડ ખાતે લાખોના ખર્ચે તૈયાર થઈ રહેલ ભૂગર્ભ ટાંકાની તકલાદી કામગીરીમાં કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલી ભગત?*
*ભૂગર્ભ ટાંકાની કરવામા આવી રહેલ કામગીરીમાં નિયમો મુજબ લોખંડ,ઈટ તથા અન્ય મટીરીયલ નહીં વાપરી પ્રજાના નાણાં વેડફવા થતી કામગીરીથી ગ્રામજનોમાં આક્રોશની લાગણી*
*હલકી ગુણવત્તાનું મટીરીયલ્સ વાપરી કરવામાં આવી રહેલ ભૂગર્ભ ટાંકાની કામગીરી સરપંચ દ્વારા તાત્કાલિક બંધ કરાવાઇ!*.
સુખસર,તા.4
ફતેપુરા તાલુકામાં પીવાના પાણીની સમસ્યા હલ કરવા વર્ષોથી સરકાર દ્વારા પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ દ્વારા પ્રજાના કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે.તેમ છતાં તાલુકાના તમામ ગામડાઓમાં પાણીની સમસ્યા હાલ થઈ શકી નથી.જોકે મોટાભાગના ગામડાઓમાં પાણી પુરવઠાની યોજના દ્વારા ભૂગર્ભ ટાંકા બનાવવામાં આવ્યા છે.જેમાં મોટાભાગના ટાંકા ઓમાં વર્ષો પછી પણ ટીપું પાણી આવ્યું નથી.જ્યારે હાલ કેટલાક ગામડાઓમાં લાખોના ખર્ચે ભૂગર્ભ ટાંકા બનાવવામાં આવી રહ્યા છે.જે હલકી ગુણવત્તાનું મટીરીયલ્સ વાપરી તકલાદી કામગીરી પૂર્ણ કરી લાખો રૂપિયાની ગેરરીતી આચરવાની કામગીરી ચાલી રહી હોવાનું ફતેપુરા તાલુકાના બાવાની હાથોડ ખાતે જોવા મળી રહ્યું છે.
જાણવા મળેલ વિગતો મુજબ હાલ બલૈયા પંથકના ગામડાઓને પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે બાવાની હથોડ ખાતે ભૂગર્ભ ટાંકો બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે.જોકે આ ટાંકામાં ઇંટો,રેતી, લોખંડ તથા અન્ય મટીરીયલ હલકી ગુણવત્તાનું વાપરવામાં આવતું હોવાની બૂમો ઊઠવા પામેલ હતી.ત્યારે સરપંચ દ્વારા સ્થળ ઉપર જઈ તપાસ કરતા હલકી ગુણવત્તાનું મટીરીયલ્સ જોવા મળતા સરપંચ દ્વારા તાત્કાલિક કામગીરી બંધ કરાવી હોવાનું જાણવા મળે છે.જોકે આ ભૂગર્ભટાકાની થઈ રહેલ કામગીરી ના કોન્ટ્રાક્ટરને આ સંપ બનાવવા માટે કેટલી રકમ ફાળવવામાં આવી હોવાનું તેમજ તેમાં કંઈ ક્વોલિટીનું લોખંડ વાપરવાનું તેમજ અન્ય મટીરીયલ્સ કઈ ક્વોલિટીનું હોવું જોઈએ તેની કોઈ જાણ નથી.તેમ જ તેના કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગીરી કોના દ્વારા કરાવાઈ રહી હોવાનું પણ જાણ ન હોવાનું કોન્ટ્રાક્ટર દ્વારા અમારા પ્રતિનિધિને જણાવ્યું હતું.જોકે હાલ ફતેપુરા તાલુકામાં જ્યાં જ્યાં ભૂગર્ભટાકા ઓની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે તે તમામ જગ્યાએ ઉચ્ચ સ્તરેથી તપાસ કરવામાં આવે તેવી પણ તાલુકા ની જનતાની માંગ ઉઠવા પામેલ છે.
અહીંયા ઉલ્લેખનીય છે કે, ફતેપુરા તાલુકાના અનેક ગામડા ઓમાં ભૂગર્ભ ટાંકા સંપ બનાવવામાં આવ્યા છે.જેના વર્ષો વીત્યા બાદ પણ આજ દિન સુધી આ ભૂગર્ભ ટાંકા ઓમાં આજ દિન સુધી ટીપું પાણી પહોંચ્યું નથી.અને આ ટાંકાઓમાં ક્યાંથી અને ક્યારે પાણી આવશે તેનાથી તંત્ર પણ અજાણ હોય ત્યારે આવા ટાંકા માત્ર પ્રજાના ટેક્સના નાણાં વેડફવાના હેતુથી જ બનાવવામાં આવ્યા હોય તેમ જણાય છે.અને પ્રતીતિ થાય છે કે અગાઉ બનાવેલા ટાંકા ઓમાં હાલ સુધી પાણી પહોંચ્યું નથી અને કોઈએ અવાજ પણ ઉઠાવ્યો નથી.ત્યારે હાલમાં જે ટાંકા બનાવવી રહ્યા છે તેમાં પણ માત્ર દેખાવ ખાતર હલકી ગુણવત્તાના મટીરીયલ્સથી ટાંકા ઉભા કરી દેવામાં આવે તો કોન્ટ્રાક્ટર અને વહીવટી તંત્ર ને કોણ પૂછનાર છે?તેવી નીતિથી ભૂગર્ભ ટાંકાની કામગીરી કરવામાં આવી રહી હોય તેવું જણાવી રહ્યું છે.અને આવી રીતે થતી કામગીરીમાં કોન્ટ્રાક્ટર અને લાગતા- વળગતા વહીવટી તંત્રના વિકાસ સિવાય કોઈનો વિકાસ શક્ય નથી.
*અમોએ ભૂગર્ભ ટાંકાની તાત્કાલિક કામગીરી બંધ કરાવી છે: સરપંચ*
બાવાની હથોડ ખાતે બનાવવામાં આવી રહેલ ભૂગર્ભ ટાંકો બનાવવા બાબતે અમો ગ્રામ પંચાયતને તંત્ર દ્વારા કોઇ જાણ કરવામાં આવેલ નથી. તેમજ આ ભૂગર્ભ ટાંકાની તકલાદી કામગીરી થતી હોવાની ગ્રામજનોની ફરિયાદ ઉઠતા અમોએ સ્થળ ઉપર રૂબરૂ જઈ તપાસ કરતા ઈટો થર્ડ ક્વોલિટીની તેમજ માટી વાળી રેતી તેમજ હલકી ગુણવત્તાનું લોખંડ જોવા મળતા અમોએ આ કામગીરી તાત્કાલિક બંધ કરાવી દીધી છે.
*(ભરતભાઈ ડીંડોર,બલૈયા ગ્રામ ગ્રુપ પંચાયત સરપંચ)*