રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા ગ્રામીણ લોકોનો કચેરી આગળ રાત્રીરોકાણ..
દાહોદમાં EKYC અપડેટ મામલે ગ્રામજનો કચેરી આગળ રાતથી ચપલઓ તેમજ પથ્થરો ગોઠવી નંબરો લગાવવા મજબૂર..
દાહોદ તા.૧૯
દાહોદ જિલ્લામાં નોટ બંધી દરમિયાન લોકોએ બેંક આગળ નોટો બદલવા રાતથી જ ચપ્પલ અને પથ્થરો ગોઠવીને લાઈનોમાં લાગી બેંક આગળ જ રાત્રી રોકાણના દ્રશ્યો સર્જાયા હતા. તેવા જ દ્રશ્યો હવે આધારકાર્ડ અપટેડ કરાવવા માટે પણ જોવા મળી રહ્યા છે. સરકારે પબ્લિક ડિસ્ટ્રિબ્યૂશન સિસ્ટમ (PDS) અંતર્ગત રેશન લેનાર લાભાર્થીઓ માટે રેશન કાર્ડને આધાર સાથે લિંક કરાવવાનું ફરજિયાત બનાવ્યુ છે. જો આધાર કાર્ડ અપડેટ નહીં હોય તો રાશનકાર્ડનું કેવાયસી થઇ નથી શકતુ અને રાશન કાર્ડ કેવાયસી નહીં થવાના કિસ્સામાં સરકારી અનાજ મળતુ બંધ થવાની દહેશત લોકોમાં છે. કેટલીક શાળાઓ પણ રાશન કાર્ડ કેવાયસી માગી રહી છે. જેના પગલે દાહોદ જિલ્લામાં ગ્રામ્ય પ્રજાને સરકારી અનાજ નહીં મળવાની બાબતે ખળભળાટ મચાવી મુક્યા છે અને એટલે જ જેમનું રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી તેઓ હાલમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે લાઈનોમાં લાગેલા જોવા મળી રહ્યા છે. દાહોદ શહેરમાં તાલુકા પંચાયત કચેરી આગળ રાતથી લોકો ધાબળા લઇને આવી જાય છે અને અહીં જ રાત્રી રોકાણ કરી રહ્યા છે. અધુરામાં પુરુ ગ્રામ્ય વિસ્તારના લોકો કામ ધંધો અને પરિવાર છોડીને રાત્રે જેટલા વહેલા આવે તેટલા વહેલા લાઇનમાં ઉભા રહ્યાના પ્રતિક રૂપે પથ્થર અને ચપ્પલો પણ ગોઠવી દે છે. કચેરી ખુલ્યા સાથે જ પોતાનો નંબર આવી જાય તે માટે આમ કરવામાં આવી રહ્યુ છે. દાહોદ શહેરમાં હાલમાં પાંચ સ્થળે આધાર કાર્ડ અપડેટ કરવાની કામગીરી ચાલી રહી છે અને તે તમામ સેન્ટરો ઉપર ભારે ભીડ હોવાથી ત્યાં સેન્ટરની કેપેસીટી મુજબના ટોકન આપીને કામગીરી કરવામાં આવી રહી છે. તાલુકા પંચાયતમાં દિવસમાં 310 ટોકન અપાઇ રહ્યા છે જ્યારે મામલતદાર કચેરીમાં દિવસના 40 ટોકન અપાય છે.
*જાગૃકતાના અભાવે કાર્ડ અપડેટ હોય તેવા લોકો પણ હેરાન થાય છે.*
પોતાનું આધાર કાર્ડ અપડેટ હોવા છતાં ઘણા લોકોને તેની જાણ નથી. આધાર અપડેટ કરાવવા માટેનો ગાડરિયો પ્રવાહ ચાલી રહ્યો હોવાથી તમામ લોકો દાહોદ ખાતે આવી રહ્યા છે. કલાકો રાહ જોઇને ટોકન લીધા બાદ તેમનો આધાર કાર્ડ અપડેટ હોવાનું સામે આવતું હોવાનું કર્મચારીઓએ જણાવ્યુ હતું.
*આધારકાર્ડ સેન્ટરો પર ટોકન લેવા માટે ગ્રામજનોની ભીડના દ્રષ્યો.*
દાહોદમાં અત્યારે પાંચ સ્થળે આધાર કાર્ડની કામગીરી ચાલી રહી છે. આ તમામ સેન્ટર ઉપર ભીડ ટાળવા માટે તેમની ક્ષમતા પ્રમાણે ટોકન આપી દીધા બાદ આખો દિવસ કામગીરી કરાય છે. આધાર કાર્ડની કામગીરી કરાવવા માટે ટોકન લેવા માટે દરેક સેન્ટર ઉપર ભીડ જોવા મળે છે. ટોકન નહીં મળતાં દૂરથી ભાડુ ખર્ચીને આવેલા લોકો વિલે મોઢે પરત જઇને બીજા દિવસે ફરીથી પ્રયાસ કરે છે. ટોકન મળી જાય તે માટે રાતથી જ કતારમાં ગોઠવાઇ જાય છે.