
નેશનલ હાઇવે પર માર્ગ અકસ્માતમાં યુવકોને કાળ ભરખી ગયો.
લીમખેડાના પ્રતાપપુરા ગામે ગેસ ટેન્કર ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર 2 યુવકોના ઘટના સ્થળે મોત…
દાહોદ તા. 07
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે અમદાવાદ ઈન્દોર નેશનલ હાઇવે પર ગેસ ટેન્કર ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર બંન્ને યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેઓનું ઘટના સ્થળે મોત થયું હતું.જોકે અકસ્માત બાદ ગેસ ટેન્કર રોડની સાઈડમાં ઉતરી ગયો હતો અને બંને બાઈક ચાલકો ગેસ ટેન્કરના નીચે આવી જતા કાળનો કોળિયો બન્યા હતા. ઘટના બાદ સ્થાનિક પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે અમદાવાદ ઇન્દોર હાઇવે પર Gj-12-BV-3454 નંબરના ગેસના ટેન્કર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક પર સવાર બે યુવાનોને અડફેટે લેતા બંને યુવકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા, અકસ્માત સર્જી ટેન્કર મૂકી ટેન્કર ચાલક થયો ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં લીમખેડા પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો 108 એમ્બ્યુલન્સ મારફતે લીમખેડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામા આવ્યા છે, દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટી ટીમ પણ આવી જતા ગેસના ટેન્કરને ક્રેન મારફતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. હાલ બનાવ સંદર્ભે લીમખેડા પોલીસ અકસ્માત સંદર્ભ વધુ તપાસ હાથ ધરી હાથ ધરી છે.