હરિદ્વાર – વલસાડ ટ્રેનમાં ઉતર્યા બાદ શંકાસ્પદ હિલચાલથી પોલીસે રોકયો અંકલેશ્વર સ્ટેશને ઉતરેલા દાહોદના વેપારીની બેગમાંથી 27 લાખ મળ્યાં..

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

હરિદ્વાર – વલસાડ ટ્રેનમાં ઉતર્યા બાદ શંકાસ્પદ હિલચાલથી પોલીસે રોકયો

અંકલેશ્વર સ્ટેશને ઉતરેલા દાહોદના વેપારીની બેગમાંથી 27 લાખ મળ્યાં..

દાહોદ તા.27

અંકલેશ્વર રેલવે સ્ટેશન પર આવેલી હરિદ્રાર વલસાડ એકસપ્રેસમાંથી ઉતરેલાં ઇસમ પાસેથી 27 લાખ રોકડા મળતાં તંત્રમાં દોડધામ મચી હતી. પ્રાથમિક પૂછપરછમાં રોકડ રકમ સાથે ઝડપાયેલાં ઇસમે પોતે દાહોદમાં પાન-સોપારીનો વેપારી હોવાની અને અંકલેશ્વરના વેપારીને પૈસા આપવા આવ્યો હોવાની કેફિયત રજૂ કરી છે પણ તંત્રે તેની અટકાયત કરી છે.

ગુજરાતમાં 7મી મેના રોજ થનારી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરાઇ ગયાં બાદ હવે નાણાકીય હેરાફેરી પર તંત્રની ચાંપતી નજર છે. મતદારોને પ્રલોભન આપવા માટે નાણાની રેલમછેલ રોકવા માટે સ્ટેટિક સર્વેલન્સ ટીમોને કાર્યરત કરી દેવાઈ છે. શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગો તથા રેલવે સ્ટેશનો પર ચેકીંગ વધારી દેવામાં આવ્યું છે. ગુરૂવારે બપોરના સમયે અંક્લેશ્વર રેલવે સ્ટેશનના જીઆઇડીસી તરફ ગેટ પાસે એન્જીન પાસેથી પસાર થતાં એક વ્યકિતની હિલચાલ શંકાસ્પદ લાગતાં રેલવે પોલીસે તેને રોકયો હતો અને તેની બેગની તલાશી લીધી હતી. બેગમાંથી 500 રૂા.ની ચલણી નોટના બંડલો મળતાં પોલીસ જવાનો ચોંકી ઉઠયાં હતાં અને ચૂંટણી વિભાગને જાણ કરી હતી. તેની પૂછપરછ કરતાં તેણે ઓળખ દાહોદની ઝૂલેલાલ સોસાયટીમાં રહેતાં યોગેશ ટેકચંદ પ્રિતમાણી તરીકે આપી હતી. તે પાન-સોપારીનો વેપારી હોવાથી અંકલેશ્વરના વેપારીને 27 લાખ રૂા. આપવાના હોવાથી અંકલેશ્વર આવ્યો હોવાની કેફિયત રજૂ કરી હતી. જો કે રેલવે પોલીસે તેની પાસે રૂપિયાના સચોટ પુરવા માંગતાં નહીં મળતાં શંકાના આધારે 41(1)ડી હેઠળ કાર્યવાહી કરી હતી.

*મુખ્યમાર્ગો પર પોલીસની ઘોંચ વધતાં ટ્રેનમાં નાણાકીય હેરાફેરી.*

લોકસભાની ચૂંટણીને અનુલક્ષી સ્ટેટિક સર્વેલન્સ ટીમની સાથે પોલીસ પણ વાહનચેકિંગ કરી રહી છે. ગુરૂવારે સવારે વડોદરાના તરસાલી પાસે એક કારમાંથી 13 લાખની રોકડ મળી આવી હતી. આ ઘટનાના કલાકો બાદ અંકલેશ્વર સ્ટેશન પરથી દાહોદનો વેપારી યોગેશ પ્રિતમાણી 27 લાખની રોકડ સાથે પોલીસના હાથ લાગ્યો હતો.ભરૂચ રેલવે પોલીસે વેપારીની પૂછપરછ કરી રહી છે પણ તે 27 લાખ રૂપિયા તેના જ હોવાનું રટણ કરી રહયો છે. ચૂંટણીને અનુલક્ષી સઘન વાહનચેકિંગના કારણે લોકો હવે લાખો રૂપિયાની માતબર રકમ લઈને ટ્રેનમાં ફેરાફેરી કરી રહ્યાં છે. દાહોદનો વેપારી 27 લાખ પોતાના હોવાની કબૂલાત કરી રહ્યો છે ત્યારે આ રૂપિયા કયાંથી લાવ્યા કોને પહોંચાડવાના હતાં તેની તપાસ બાદ જ વધુ ખુલાસા થશે

*ઇન્કમટેકસને જાણ કરાઈ.*

ચૂંટણીનું જાહેરનામુ બહાર પડતાંની સાથે કોઇ પણ વ્યકતિ પોતાની પાસે 50 હજારથી વધુની રોકડ રકમ રાખી શકશે નહિ અને રાખશે તો તેના પુરાવા આપવા પડશે તેવી સૂચના આપી હતી. દાહોદના વેપારી પાસેથી મળેલાં 27 લાખ રૂા. અંકલેશ્વરમાં કોને આપવાના હતાં તેની તપાસ શરૂ કરાઇ છે. ટેકસ ચોરીનો પણ મામલો લાગતો હોવાથી ઈન્કમટેકસ વિભાગને જાણ કરાઈ छे.

Share This Article