લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪
રાજ્ય ચૂંટણી પંચની નવતર પહેલ ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી પી. ભારતીએ કર્યો ફેસબુક દ્વારા લાઈવ સંવાદ
યુવા મતદારો સાથે સીધો સંવાદ સાધી મતદાન માટે પ્રેરણા પુરી પાડતું ચૂંટણી તંત્ર
દાહોદ તા. ૨૨
ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે અને લોકો મતદાન થકી પોતાના જનપ્રતિનિધિ ચૂંટતા હોય છે. આમ ચૂંટણીમાં દરેક નાગરિકોને મત ખૂબ જ કિંમતી અને પવિત્ર છે. હાલ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે, ત્યારે દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડેના નેતૃત્વમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મતદાન જાગૃતિના પ્રયાસો ચાલી રહ્યા છે. જે લોકસભાની ચૂંટણીમાં પહેલી વાર મતદાન કરનારાઓમાં જાગૃતિ લાવવા ચૂંટણી તંત્ર દ્વારા જાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જે અન્વયે દાહોદ જિલ્લાના સીંગવડ નર્સિંગ કોલેજ સહિતની જિલ્લાભરની કોલેજોમાં ફેસબુક સોસિયલ મીડિયા મારફત જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી પી. ભારતીએ ચૂંટણીના યુવાનો સાથે લાઈવ સંવાદ કર્યો હતો. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી પી. ભારતી દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની કોલેજોમાં તેમણે ફેસબુક લાઈવ પ્રોગ્રામ મારફતે કોલેજના વિદ્યાર્થીઓ સાથે ફેસબુકથી લાઈવ સંવાદ કરીને તેમને મતાધિકારની પ્રક્રિયામાં જોડાવા પ્રેરિત કર્યા હતા. સીંગવડ નર્સિંગ કોલેજ ખાતે મામલતદાર શ્રી જી.કે. શાહ દ્વારા તાલુકામાં મતદારોને પેમ્ફલેટ વિતરણ કરીને વધુને વધુ મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ સાથે બેનર, પોસ્ટર થકી પણ “ચૂંટણીનું પર્વ, દેશનું ગર્વ” હોવાના સંદેશ સાથે લોકોને લોકશાહની આ પ્રક્રિયામાં સહભાગી થવા અપીલ કરાઈ છે.
લોકસભા તેમજ વિધાનસભાની ચૂંટણી સમયે મતદારોને પદ્ધતિસર રીતે શિક્ષિત કરવા તથા ચૂંટણીમાં સહભાગીતા વધારવા માટે ચૂંટણી પંચ દ્વારા સ્વીપ એટલે કે સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન પ્રોગ્રામ હાથ ધરવામાં આવે છે. હાલ લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે, ત્યારે દાહોદ જિલ્લામાં જિલ્લા ચુંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓને પણ વેગ આપવામાં આવી રહ્યો છે.
આ તકે વિદ્યાર્થીઓને મતદાન અવશ્ય કરવા પ્રોત્સાહન આપ્યું હતું. કોલજીયનોએ પોતે મતદાન કરશે, તેવી ખાત્રી આપી હતી તેમજ અન્ય લોકોને પણ મતદાન માટે પ્રેરિત કરશે, તેવો ઉત્સાહ દર્શાવ્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.