
રાજેશ વસાવે :- દાહોદ
કલેક્ટરશ્રીના જાહેરનામાની વચ્ચે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેપારીઓ દ્વારા ધૂમ વેચાણ.
દાહોદમાં સાયકલ પર ઘરનો સામાન લેવા નીકળેલા 11 વર્ષીય બાળક પ્રતિબંધિત ચાઈનીઝ દોરાથી ઈજાગ્રસ્ત..
વેપારીઓ અને ગ્રાહકો લોકોના જીવની ચિંતા કરી પ્રતિબિંબ દોરાને જાકારો આપે તે અનિવાર્ય…
દાહોદ તા.05
દાહોદ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં સાયકલ ઉપર ઘરનું સામાન લેવા નીકળેલા ગરીબ ઘરના 11 વર્ષીય બાળકના ગળામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નો માંજો આવી જતા આ બાળકના ગળાના ભાગે ઈજાઓ પહોંચી હતી.જોકે સદનસીબે આ બાળકનું જીવ બચી જતા રામ રાખે તેને કોણ ચાખે એ ઉક્તિ સાર્થક થઈ હતી..
મકરસંક્રાંતિ એટલે ઉતરાયણ પર્વનો તહેવાર હવે નજીકમાં છે.ત્યારે ઠેર-ઠેર દોરો સુતવાવાળાની દુકાનો લાગી જતા દાહોદમાં ઉતરાણનો તહેવાર દિવસો પહેલાથી ઉજવવાનો હોય તેઓ માહોલ જોવાય રહ્યો છે.પરંતુ આ તહેવારો દરમિયાન રસ્તે ચાલતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને પતંગનો દોરો મુસીબતનું કારણ બની જાય છે. પ્રતિબંધિત ચાઈનીઝ દોરો તો ઘણી વખત જીવલેણ સાબિત થાય છે.ભૂતકાળમાં પણ ચાઈનીઝ દોરાથી મોત નીપજ્યા હોવાના બનાવો બન્યા છે ત્યારે તાજેતરમાં દાહોદ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા અને શ્રમિક પરિવારનો પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો 11 વર્ષીય સાહીલ કમલેશ ગણાવા ત્રણ દિવસ અગાઉ ઘરેથી સાયકલ લઇ શાકભાજી તેમજ અન્ય સામાન લેવા ઠક્કર ફળીયા ખાતે જઈ રહ્યો હતો તે સમયે રસ્તામાં બસ સ્ટેશન નજીક પ્રતિબંધિત ચાઈનીઝ દોરો તેના ગળામાં લપેટાઈ જતા આ બાળકના ગળાના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ દરમિયાન આસપાસના લોકોએ આ બાળકના ગળામાંથી દોરી કાઢી નજીકના દવાખાને સારવાર અર્થે લઈ ગયા હતા.જ્યાં તબિબ દ્વારા આ બાળકને પાટાપિંડી કરી ઘરે મોકલી દીધો હતો.આ બનાવમાં સદભાગ્યે પ્રતિબંધિત ચાઈનીઝ દોરાથી બાળકનો જીવ બચી જવા પામ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આમ તો દર વર્ષે જિલ્લા સમાહર્તા દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરા અને તુકલ માટે જાહેરનામા બહાર પાડવામાં આવે છે.પરંતુ તેમ છતાંય દાહોદ શહેર ઉપરાંત તાલુકા મથકો પર પ્રતીબંધિત ચાઈનીઝ દોરાનો ખૂબ જ ધામધૂમથી વેપાર થાય છે. પોલીસ તેમના સંબંધિત વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે છે.પરંતુ માત્ર ખાનાપૂર્તિ માટે કાર્યવાહી કરવા કરાતી હોય તેમ એકલદોકલ કેસ બને છે પરંતુ વાસ્તવિકતામાં દાહોદ શહેર ઉપરાંત અન્ય તાલુકા મથકો પર ઠેર ઠેર વેપારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે સંતાડીને પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનો વેપાર કરવામાં આવે છે.પતંગ રસીયાઓ પણ પોતાનો માંજો મજબૂત હોય અને બધાની પતંગ કાપવા માટેનો દંભ બતાવવા અથવા પોતાને બધા કરતા ચડિયાતો સાબિત કરવાની છેલછા મો માંગે કિંમત પર પ્રતિબધિત ચાઈનીઝ દોરાની ગર્વ ભેર ખરીદી કરતા હોય છે. પરંતુ વાસ્તવિકતામાં તેઓ ભૂલી જાય છે કે મોં માંગ્યા ધામ પર પ્રતિબંધિત ચાઈનીઝ દોરો તેઓ ખરીદી રહ્યા છે. તે કોઈનું મોતનું કારણ પણ બની શકે છે. આમ તો વહીવટી તંત્ર પ્રતિબંધિત ચાઈનીઝ દોરાના વેચાણ કરનાર વેપારીઓ સામે કાર્યવાહી કરતી હોય છે. તેમાં કોઈ બે મત નથી પરંતુ લોકોની સુરક્ષા અને સલામતી માટે પતંગ રશિયાઓ અને વેપારીઓ પણ જાગૃત બની જીવલેણ ગણાતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ અને ખરીદી ન કરે તો દાહોદ જિલ્લામાં પતંગોત્સવ ખુબ જ સારી રીતે ઉજવી શકાય તેમ છે.જોકે આ મામલે વહીવટી તંત્ર દ્વારા ખરેખર સાચા અર્થમાં પ્રતિબંધિત દોરાનું વેચાણ કરનાર અને ખરીદી કરનાર ઇસમો સામે કડક રીતે કાર્યવાહી હાથ ધરે તો પણ કેટલાય લોકો આવા જીવલેણ દોરાથી બચી શકે તેમ છે.