વિદેશી દારૂની હેરફેરમાં સામેલ બુટલેગરો સામે પોલીસ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ.
દે.બારિયા પોલીસે બે સ્થળેથી 63 હજાર ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો:મહિલા બુટલેગર સહિત ત્રણ સામે ગુનો દાખલ..
દેવગઢ બારિયા તા.28
દેવગઢ બારિયા તાલુકાના સીમળઘાસી તેમજ ઝાબ મળી બે સ્થળેથી પોલીસે દરોડો પાડી 63,000 ઉપરાંતનો વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂની હેરફેરમાં સામેલ બે બુટલેગરો તેમજ એક ખેપિયા સહીત ત્રણ ઇસમો સામે પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ થયો છે..
પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારિયા તાલુકાના ઝાબ ગામના વચલા વચલા ફળિયામાં ગીતાબેન રમેશભાઈ પટેલ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો વેપલો કરતી હોવાની બાતમીના આધારે દેવગઢબારિયા પોલીસે દરોડો પાડતા મહિલા બુટલેગર ગીતાબેન પટેલ સહિત ઘરે કોઈ હાજર ન મળતા પોલીસે મકાનની તલાસી લેતા તલાસી દરમિયાન જુદા જુદા માર્કાની ભારતીય બનાવટના વિદેશી દારૂની 262 બોટલ મળી કુલ 28,944 રૂપિયાનો મુદ્દામાલ મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી મહિલા બુટલેગર ગીતાબેન રમેશભાઈ પટેલ વિરુદ્ધ પ્રોહીબિશન અંગેનો ગુનો દાખલ કર્યો છે.
પ્રોહિનો બીજો બનાવ દેવગઢબારિયા તાલુકાના સિમળઘાસી ટેકરી ફળિયા ખાતે બનવા પામ્યું છે.જેમાં ટેકરી ફળિયાનો બુટલેગર નરવતભાઈ શંકરભાઈ બારીયા વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની જાણ સાગટાળા પોલીસને મળતા સાગટાળા પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા દરોડા દરમિયાન ઉપરોક્ત મકાનમાં કોઈ હાજર ન મળતા પોલીસે મકાન સહિત આજુબાજુમાં તલાસી લેતા બુટલેગર નરવતભાઈ શંકરભાઈ બારીયાના ઘરની પાછળ ખેતરમાં મકાઈના ઉભા પાકમાં મકાઈની રાડની આડમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટ નો વિદેશી દારૂની 320 બોટલો મળી કુલ 34,552 રૂપિયાનો મુદ્દામાલ મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી બુટલેગર નરવતભાઈ શંકરભાઈ બારીયા તેમજ કોઈક વાહનમાં વિદેશી દારૂ લાવનાર છોટાઉદેપુર તાલુકાના મીઠીબોર ગામનો વિનોદ ભુંદર રાઠવા વિરુદ્ધ પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કર્યો છે.
આમ દેવગઢ બારીયા પોલીસે બાતમીના આધારે બે જુદાજુદા સ્થળે દરોડો પાડી 63,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી પ્રોહીબિશનની પ્રવૃત્તિમાં સંકળાયેલા એક મહિલા સહિત ત્રણ ઈસમો સામે ગુનો દાખલ કર્યો છે.