દાહોદ જિલ્લામાં બે જુદા-જુદા સ્થળેથી આઠ બાળકો ગુમ થતા પોલીસે તમામ બાળકોને ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યા..

Editor Dahod Live
5 Min Read

દાહોદ જિલ્લામાં બે જુદા-જુદા સ્થળેથી આઠ બાળકો ગુમ થતા પોલીસે તમામ બાળકોને ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યા..

લીમખેડા એકલવ્ય મોડેલ સ્કૂલના બાળકોને શિસ્ત અંગે ઠપકો આપતા પાંચ બાળકો તેમજ દેવગઢ બારીયાના સિંગોર ગામના એક જ પરિવારની ત્રણ બાળકીઓ ગુમ થતા પોલીસ તંત્ર દોડતું થયું.

દાહોદ જિલ્લામાં પ્રથમ વખત દાહોદ પોલીસે ગુમ થયેલા બાળકોને શોધી કાઢવા ડ્રોન કેમેરાની મદદ લીધી..

પોલીસ અધિક્ષકની આગેવાનીમાં 5 ટીમો કામે લાગી હતી..

પાંચમાંથી ત્રણ બાળકો લીમખેડા તેમજ બે બાળકો દાહોદમાંથી મળ્યા: ત્રણેય બાળકીઓ પાવાગઢની તળેટીમાંથી મળી આવતા હાશકારો..

 

લીમખેડા તા.25

 

 દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએથી આઠ જેટલા બાળકો મિસિંગ થયા હોવાની જાણ પોલીસને થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.જોકે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના નિર્દેશનમાં પાંચ જેટલી જુદી જુદી ટીમોએ ગણતરીના કલાકોમાં આઠેય બાળકોને સુરક્ષિત રીતે શોધી કાઢતા પોલીસ તેમજ ગુમ થયેલી બાળકીના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

 પ્રાપ્ત માહિતી અનુસાર લીમખેડા એકલવ્ય મોડેલ સ્કૂલમાં ધોરણ નવ અને ધોરણ 10 માં અભ્યાસ કરતા (૧) વિકાસભાઇ કમલેશભાઇ ભુરીયા રહે.સાહડા તા.ગરબાડા જી.દાહોદ (૨) અંકુરભાઇ ભરતભાઇ સપનીયા સુવર રહે. રોઝમ તા.જી.દાહોદ (૩) આકાશભાઇ જુવાનસિંગભાઇ સુવર રહે.છાસીયા તા.ઝાલોદ જી.દાહોદ (૪) રવિન્દ્રકુમાર કિશનભાઇ બારીયા રહે.ડુંગર તા. ઝાલોદ જી.દાહોદ (૫) ગોવિંદકુમાર ઇશ્વરભાઇ પારગી રહે.કરોડીયા તા ફતેપરા જી.દાહોદ વિદ્યાર્થીઓને મોડેલ સ્કૂલના શિક્ષક દ્વારા શિસ્ત માટે ઠપકો આપતા ઉપરોક્ત પાંચેય બાળકો કોઈને કીધા વગર એકલવ્ય મોડેલ સ્કૂલમાંથી ક્યાંક જતા રહેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ઉપરોક્ત બનાવની જાણ શાળા સંચાલકોને થતા તેઓમાં પણ દોડધામ મચી જવા પામી હતી.જે બાદ ઉપરોક્ત બનાવની જાણ લીમખેડા પોલીસને કરવામાં આવતા સમગ્ર પોલીસ તંત્રમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો હતો તાજેતરમાં બાળકોને અપહરણ કરી ભીખ મંગાવતી ગેંગ દાહોદ જિલ્લામાંથી ઝડપાઈ હતી તેમજ અગાઉ પણ દાહોદ જિલ્લામાંથી કેટલાક બાળકો મિસિંગ હોવાથી એકલવ્ય મોડેલ સ્કૂલના બાળકો કોઈ ખોટા હાથમાં ન જતા રહે અથવા ખોટી જગ્યાએ ન જતા રહે અથવા એટલા દૂર ન જતા જેમને શોધવામાં પોલીસને તકલીફ પડે આ તમામ બાબતોને પોલીસે ગંભીરતા સાથે લીધી હતી. અને જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં એલસીબી એસઓજી સહિતની કુલ પાંચ ટીમો આ ગુમ થયેલા બાળકોને શોધી કાઢવાની કવાયતમાં જોડાઈ હતી. એટલું જ નહીં આ મામલાને પોલીસે એટલી ગંભીરતાથી લીધી હતી. કે આ બાળકો ઝડપથી મળી જાય તે માટે પોલીસે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ડ્રોન કેમરા મારફતે આ બાળકોની શોધખોળમાં જોતરાયા હતા. આખરે પોલીસની મહેનત સફળ ગઈ અને ગુમ થયેલા પાંચેય બાળકોમાંથી ત્રણ બાળકો લીમખેડા બજારમાંથી તેમજ બે બાળકો દાહોદ બસ સ્ટેશનમાંથી હેમખેમ મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. અને ઉપરોક્ત પાંચેય બાળકોનો કબજો લઈ બાળકોના વાલી વારસાની સામે એકલવ્ય મોડેલ સ્કૂલમાં સોંપવામાં આવ્યા હતા.

 જ્યારે બીજા બનાવમાં દેવગઢ બારિયા તાલુકાના સિંગોર ખેડા ફળિયાની એક જ પરિવારની ત્રણ બાળકીઓ વર્ષાબેન પ્રવીણભાઈ બારીયા 17 વર્ષ, રોશનીબેન નસીમભાઈ બારીયા 12 વર્ષ, તેમજ નિમિષાબેન આશિષભાઈ બારીયા 15 વર્ષ સહિત ત્રણ બાળકીઓ ઘરેથી ઓચિંતી ગુમ થઈ જતા પરિવારજનોમાં રીતસરની દોડધામ મચી જવા પામી હતી. અને બાળકીના માતા પિતાએ દેવગઢ બારીયા પોલીસને જાણ કરતા આ મામલો પણ જિલ્લા પોલીસ અધિક્ષકના સામે આવ્યો હતો જેમાં એક સાથે ત્રણ બાળકીઓ એ પણ નાની ઉંમરની કેવી રીતે ગુમ થઈ શકે અને કોણ લઈ ગયું હશે. આ તમામ સવાલોના જવાબ શોધવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શનમાં પાંચ જેટલી જુદી જુદી ટીમોએ મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં આ બાળકીઓ કોના સંપર્કમાં હતી ક્યાં જઈ શકે છે આ તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ હાથ ધરતા આખરે પોલીસને એક કડી મળી જે પોલીસ માટે સારા સમાચાર લઈને આવી હતી. ગુમ થયેલી ત્રણેય બાળકીઓમાંથી વર્ષાબેન પ્રવીણભાઈ બારીયા ધાર્મિક પ્રવૃત્તિ વાળી હોવાથી કોઈ નજીકના ગામમાં દર્શનાર્થે જઈ શકે છે. તે અંગે અણસાર આવતા પોલીસે નજીકના પાવાગઢ ખાતે ગુમ થયેલી બાળકીઓ ના ફોટા સાથે મેગા ઓપરેશન હાથ ધરી બાળકીઓની શોધખોળ હાથ ધરતા આ ત્રણે બાળકીઓ પાવાગઢની તળેટીના ગ્રામ્ય વિસ્તારમાંથી મળી આવતા પોલીસે ત્રણેય બાળકીઓનો કબજો લઈ દેવગઢબારિયા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા જ્યાં જરૂરી કાગળિયા કરી ત્રણેય બાળકીઓને તેમના પરિવારજનોને સુપ્રરત કરવામાં આવી હતી.

 આમ, જિલ્લા પોલીસવડા ડો.રાજદીપસિંહ ઝાલાની દીર્ઘદ્રષ્ટાં તેમજ દાહોદ પોલીસની પાસે ટીમોની મહેનતના પરિણામ બે જુદા-જુદા સ્થળે ગુમ થયેલા આઠેય બાળકોને સુરક્ષિત રીતે શોધી કાઢવામાં સફળતા સાંપડી હતી.

Share This Article