ખેતીની પદ્ધતિ અને જમીનની ફળદ્રુપતાને કારણે ખેડુતોને દર ચોમાસે માર વેઠવો પડે છે…
દાહોદ- પંચમહાલ મકાઇના ઉત્પાદનમાં રાજ્યમાં મોખરે પણ હેક્ટર દીઠ ઉત્પાદકતા ઓછી…
રાજ્યની 60 ટકા મકાઇ દાહોદ-પંચમહાલ પકવે છે : શિયાળામાં વધેલી ઉત્પાદકતા ચોમાસામાં ઓછી થઇ જાય છે :
રાજ્યમાં ઉત્પાદનમાં દાહોદનો 33 ટકા અને પંચમહાલનો 18.23 ટકાથી વધુ હિસ્સો :
રાજ્યમાં મકાઇ પકવવામાં પ્રથમ નંબરે દાહોદ જ્યારે બીજા નંબરે પંચમહાલ
દાહોદ તા.02

દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ખેતી લાયક વિસ્તારના મહત્તમ વિસ્તારમાં ચોમાસામાં મકાઇનું વાવેતર કરવામાં આવ્યુ છે. જેમાં દાહોદ જિલ્લામાં 215392 હેક્ટર ખેતી લાયક જમીનમાંથી 125436 હેક્ટરમાં જયારે પંચમહાલ જિલ્લામાં 185657 હેક્ટર ખેતી લાયક જમીનમાંથી 57067 હેક્ટરમાં મકાઇની વાવણી કરાઇ છે.મકાઇના ઉત્પાદનમાં દાહોદનો 33 ટકાથી વધુ અને પંચમહાલનો 18.23 ટકાતી વધુ હિસ્સો હોવાથી એટલે જ આખા રાજ્યમાં પાકતી મકાઇનુ આ બંને જિલ્લામાં 60 ટકા ઉત્પાદન થાય છે. આખા રાજ્યમાં મકાઇ પકવવામાં દાહોદ જિલ્લો પ્રથમ અને પંચમહાલ બીજા ક્રમે આવે છે. જોકે, ઉત્પાદન સૌથી વધુ હોવા છતાં અહીંના ખેડુતો દ્વારા ખેતીની પરંપરાગત પદ્ધતિ અને જમીનની ફળદ્રુપતાને કારણે આખા રાજ્યમાં સૌથી ઓછી ઉત્પાદકતા મળી રહે છે. બંને જિલ્લામાં ચોમાસામાં પ્રતિ હેક્ટરે 1970 કિલોનું જ સરેરાશ ઉત્પાદકતા મળી રહે છે. ત્યારે આ ઉત્પાદકતા શિયાળામાં વધીને 2873 કિલો થઇ જાય છે. આખા રાજ્યમાં 26 જિલ્લામાં મકાઇનું વાવેતર કરવામાં આવતુ નથી. દાહોદ,પંચમહાલ, છોટાઉદેપુર સહિતના આદિવાસી બાહુલ્ય ધરાવતા 9 જિલ્લામાં સૌથી વધુ મકાઇનો પાક કરવામાં આ છે.
*ખરીફ ઋુતુમાં ઓછી ઉત્પાદકતાના વૈજ્ઞાનિક કારણ :-પી.આર દવે,ખેતીવાડી અધિકારી,દાહોદ*
દાહોદ જિલ્લામાં ખેતીની પદ્ધતિ અને જમીનની ફળદ્રુપતા સહિતના વિવિધ કારણોને કારણે અન્ય જિલ્લાઓ કરતાં ઓછી ઉત્પાદકતા જોવા મળે છે.ખરીફ ઋુતુમાં ઓછી ઉત્પાદકતાના વૈજ્ઞાનિક કારણ પણ છે. જેમાં પ્રકાશ સંશ્લેશણ ઓછુ હોય ,સતત વરસાદને કારણે નિંદામણ કરવાનો સમય ના મળે, રોગ જીવાતનો પ્રશ્નો પણ ભાગ ભજવે છે. તેની સામે શિયાળામાં એટલું જ ખાતર એ જ વેરાયટી અને એજ મહેનત કરાતા દોઢુ ઉત્પાદન મળે છે. દાહોદ જિલ્લામાં ચોમાસામાં વાવેતર વિસ્તાર વધુ હોય છે.તે વાવેતર શિયાળામાં તે ચોથા ભાગનું થાઇ જાય છે અને ઉનાળામાં જૂજ વાવેતર થાય છે.
*અરાવલી અને ડાંગમાં સૌથી વધુ ઉત્પાદકતા…*
દાહોદ-પંચમહાલ જિલ્લો મકાઇના ઉત્પાદનમાં ભલે મોખરે હોય પરંતુ તેના ઉત્પાદકતા જોઇયે તેવી મળી શકતી નથી. રાજ્યમાં અરાવલી જિલ્લો એવો છે જ્યાં હેક્ટર દીઠ 2756 કિલો મકાઈ પાકે છે. ડાંગમાં 2515 કિલો હેક્ટરે ઉત્પાદન મળે છે. તાપી જિલ્લાના ખેડૂતો હેક્ટરે 3200 કિલો મકાઈ પકવે છે.બનાસકાંઠાના ખેડૂતો હેક્ટરે 2200 કિલો મકાઇ પકવે છે. જ્યારે દાહોદ- પંચમહાલમાં ચોમાસામાં પ્રતિ હેક્ટરે માત્ર 1970 કિલોની જ ઉત્પાદકતા મળે છે. જોકે, રવી સીઝનમાં આ ઉત્પાદકતા વધીને 2873 કિલો થઇ જાય છે.
*મકાઇનો કઇ વસ્તુમાં મહત્તમ ઉપયોગ થાય છે.*
આદિવાસી જિલ્લાઓમાં મકાઇ મુખ્ય ખોરાક છે. ઇથેનોલ ઉત્પાદન ઉપરાંત મકાઈની ભાખરી, પોપકોર્ન, કોર્ન ફ્લેક્સ સહિત અનેક ક્ષેત્રોમાં ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ થાય છે. પશુ, મરઘી અને ડુક્કરના ખોરાક તરીકે પણ મકાઇનો ઉપયોગ થતો હોવાથી તેની માગ વધુ રહે છે.
