સ્માર્ટ સિટી દાહોદનો પાણીનો મુદ્દો ગાંધીનગર દરબારમાં પહોંચ્યો, સોમવારે પાણી પુરવઠા મંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે…

Editor Dahod Live
7 Min Read

વસાવે રાજેશ દાહોદ 

સ્માર્ટ સિટી દાહોદનો પાણીનો મુદ્દો ગાંધીનગર દરબારમાં પહોંચ્યો, સોમવારે પાણી પુરવઠા મંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે…

કડાણા જળાશય આધારિત પાણીની યોજનામાં સમસ્યા, જરૂરિયાત અને વહીવટને લઈ પાણી પુરવઠા બોર્ડ તેમજ નગરપાલિકાના સત્તાધિસો તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

પાટાડુંગરી જળાશયની કેનાલમાં જંગલી વનસ્પતિના સામ્રાજ્યથી પાણી પુરવઠો ખોરવાયો: પાલિકા તંત્રે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી..

દાહોદમાં ૨૦ MLD પાણીનો વપરાશ પરંતું,પાણી સપ્લાય નિયમિત રીતે ન મળતા અ વ્યવસ્થા સર્જાતી હોવાનું કારણ

દાહોદ તા.૦૮

દાહોદ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતી કડાણા જળાશય આધારિત યોજના જ્યારથી અમલમાં આવી છે ત્યારથી જ વિવાદોમાં ધેરાયેલી છે. જેમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા નક્કી કરેલા ધારાધોરણ મુજબ કડાણા જળાશય આધારિત પાણીની પાઇપલાઇન મારફતે ૧૨ MLD પાણી સપ્લાય આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે. પરંતું પાણી સપ્લાય મુદ્દે અવારનવાર ,પંપીંગ સ્ટેશનની મોટરોમાં યાંત્રિક ખામી સર્જાતા અથવા વિજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે પાણી સપ્લાયની ચેન અટકી જતા દાહોદવાસીઓ છેલ્લા કેટલાય સમયથી જળ સંકટનો સામનો કરવા મજબૂર બન્યા છે. આમ પણ દાહોદ વાસીઓને બે થી ત્રણ દિવસના અંતરે પાણી સપ્લાય આપવામાં આવે છે પરંતુ પાણી સપ્લાય આપવાના દિવસે જ આતરે દિવસે યાંત્રિક ખામી સર્જાતા એક એક અઠવાડિયા સુધી દાહોદ શહેરમાં પાણી સપ્લાય ખોરવાઈ જવાના કારણે ઘેરો જળ સંકટ ઉભો થવામાં પામ્યો છે.જેના પગલે ખૂબ જ વિરોધ વંટોળ ઊભો થતા આખરે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ આ મામલે હસ્તક્ષેપ કરી પાણી પુરવઠા મંત્રીને લેખિતમાં રજૂઆત કરતા આ મામલો ગાંધીનગરના દરબારમાં પહોંચ્યો હતો. જોકે આ પહેલાં દાહોદ નગરપાલિકાના પ્રમુખ રીનાબેન પંચાલે આ મામલે થોડાક દીવસ પહેલાં ઉચ્ચસ્તરે રજૂઆત કરી હતી. જેમાં કડાણા જળાશય આધારિત પાણીની યોજનામાં કામ કરનાર એજન્સીની કામગીરી સંતોષકારક ન લાગતા આ એજન્સી બદલવા માટે, તેમજ આ પાણીની પાઇપલાઇનમાં ભાણાસીમલ,આફવા તેમજ કુંડાં પમ્પિંગ સ્ટેશન પર લગાવવામાં આવેલી મશીનોનો સતત વપરાશ થતા મશીનો જૂની થઈ જવા પામી છે તેમાં તેની મરામત પણ અવારનવાર આવતી હોવાથી પાણી પુરવઠો ખોરવાઈ જતો હોય છે. તેમજ આ પાણીની પાઇપલાઇનમાં અવારનવાર વીજળી દૂર થઈ જવાથી પણ સમસ્યા ઊભી થતા તેના નિવારણ માટે જનરેટર સેટ તેમજ કેપેસિટીના સ્ટેબિલાઇઝર વ્યવસ્થા અંગે, આ ત્રણેય પંપિંગ સ્ટેશનો પર અવિરત કામ કરી શકે તે હેતુથી લાઈટની અનિયમિતતા ઠારવવા MGVCL એક્સપ્રેસ ફીડર લાઈનની વ્યવસ્થા અંગેની માંગણી સાથે રજૂઆત પણ કરવામાં આવી હતી. તો બીજી તરફ આ મામલે પાણી પુરવઠા બોર્ડ દ્વારા દાહોદ નગરપાલિકા તેમજ એજન્સી સામે આંગળી ચીંધતા આખરે દાહોદમાં પ્રતિદિન ઘેરી બની રહેલી સમસ્યાના કાયમી નિકાલ માટે પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રીની અધ્યક્ષતામાં તારીખ ૧૦/૦૭/૨૦૨૩ સોમવારના રોજ એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી છે જેમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, કારોબારી ચેરમેન, લખનભાઇ રાજગોર, પક્ષના નેતા રાજેશભાઈ સેહતાઈ , નગરપાલિકા ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા, તેમજ કડાણા જળાશય તથા પાટાડુંગરી જળાશયના સંબંધિત નાયબ કાર્યપાલક, કાર્યપાલક ઇજનેર, પાણી પુરવઠાના સંબંધિત મુખ્ય એન્જિનિયર, અધિક્ષક એન્જિનિયર ,કાર્યપાલક એન્જિનિયર, તેમજ મધ્ય ગુજરાત વીજ કંપનીના મુખ્ય એન્જિનિયર સહિતના આલા અધિકારીઓને ગાંધીનગર નું તેડું મોકલવામાં આવ્યું છે. આ તમામ ઉપરોક્ત અધિકારીઓ તેમજ પદાઅધિકારીઓ સોમવારે યોજાવા જઈ રહેલી પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રીની અધ્યક્ષતાની બેઠકમાં દાહોદમાં કડાણા જળાશય તેમજ પાટાડુંગરી જળાશયમાં પડતી મુશ્કેલીઓનો કાયમી નિકાલ કરી દાહોદ વાસીઓને ઘેરા જળ સંકટની સમસ્યાથી કાયમી ઉકેલ લાવી નિયમિત રીતે પાણી મળી રહે તે માટે યોગ્ય નિર્ણય લેવાશે .

*કડાણા જળાશય આધારિત પાણી પુરવઠા યોજનામાં વિવિધ ત્રુટીઓ સામે આવી…*

દાહોદ શહેરને દૈનિક 20 એમએલડી પાણીની જરૂરિયાત છે જેમાં 12 MLD પાણી કડાણા જળાશય આધારિત પાઇપલાઇનમાંથી મળે છે. જયારે 8 એમએલડી પાણી પાટાડુંગરી જળાશય માંથી મળે છે. જેમાં ટેકનિકલ વાત કરીએ તો કડાણા જળાશે આધારિત પાણીની પાઇપલાઇન મારફતે એક એમએલડી પાણી ભરવા માટે એક કલાકનો સમય લાગે છે. આમ 12 એમ.એલ.ડી પાણી ભરવા માટે ૧૦ થી ૧૨ કલાકનો સમય લાગે છે. દાહોદ નગરપાલિકા દ્વારા નિયત કરેલ સવારના છ વાગ્યા થી સાંજના પાંચ વાગ્યા સુધી ઝોન વાઇસ દાહોદના જુદા જુદા વિસ્તારોમાં પાણી સપ્લાય આપવા માટે નક્કી કરવામાં આવ્યું છે. જેમાં કડાણા જળાશય આધારિત યોજનામાંથી પાણી સપ્લાય બાબતે જો સાંજના સમયે પાણી સપ્લાય ચાલુ કરવામાં આવે તો વહેલી સવાર સુધી 12 MLD પાણી દાહોદ નજીક બનાવેલી સ્ટોરેજ ટાંકીમાં પહોંચી જતા નિયત કરેલ સિસ્ટમ પ્રમાણે દાહોદ વાસીઓને પાણી સપ્લાય આપી શકાય તેમ છે. પરંતુ કોઈ ખામી સર્જાય અથવા પાણી સપ્લાય ચાલુ કરવામાં મોડો થાય તેવા સંજોગોમાં પાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલી ચેન સિસ્ટમ ખોરવાઈ જાય છે જેના પગલે પાણીની સમસ્યા ઊભી થવા પામી છે. તો બીજી તરફ અવારનવાર લાઈટો જવાથી પાણી સપ્લાય અટકી જાય છે. તો બીજી તરફ ભાણાસીમલ, આફવા તેમજ કુંડા પંપિંગ સ્ટેશન પર લગાવવામાં આવેલી મોટર ઓફ પણ જૂની થતા અવારનવાર મોટરમાં યાંત્રિક ખામી સર્જાય છે. અને રીપેરીંગ સમયે સપ્લાયની ચેન તૂટી જતા પાણી પુરવઠો ખોરવાઈ જવાની ત્રુટી પણ સામે આવી છે.. જો આ તમામ બાબતો. યોગ્ય સિસ્ટમથી ચાલે તો મહદ અંશે પાણીની સમસ્યા દૂર થઈ જાય તેમ છે.

 

*પાટાડુંગરી જળાશયમાંથી આવતી મુખ્ય કેનાલમાં જંગલી વનસ્પતિનો ઘેરાવો થતા પાણી પુરવઠો ખોરવાતા પડતા ઉપર પાટુ સમાન ઘાટ સર્જાયો.*

 

દાહોદ શહેર એક તરફ કટાણા જળાશય આધારિત પાણીની પાઇપલાઇનમાં અવાર નવાર ખામી સર્જાતા જળ સંકટનો સામનો કરી રહ્યો છે. તેવા સમયે દાહોદવસીઓના માથે દશા બેઠી હોય તેમ પડતા ઉપર પાટુ સમાન ઘાટ સર્જાયો છે જેમાં દાહોદ શહેરને 8 એમએલડી પાણી પૂરું પાડતી પાટાડુંગરી જળાશયની મુખ્ય કેનાલમાં જંગલી વનસ્પતિનો ઘેરો થતાં પાણી સપ્લાય ખોરવાઈ જવા પામ્યો છે જેના પગલે પાણીની સમસ્યા વધુ વિકટ બનવા પામી છે. જોકે આ મામલે દાહોદ નગરપાલિકાના સત્તાધિસો તેમજ ચીફ ઓફિસર દ્વારા તાબડતોડ પાટાડુંગરી જળાશયની મુલાકાત લીધી હતી. અને યાંત્રિક મશીનો દ્વારા જંગલી વનસ્પતિને કાઢી પાણી પુરવઠો શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામ ચાલુ કરવામાં આવ્યું છે. આમ તો આ કામ પાણી પુરવઠા બોર્ડનું છે પરંતુ દાહોદ વાસીઓના હિતોને ધ્યાનમાં લઈ પાટાડુંગરીની મુખ્ય કેનાલમાં ઉગી નીકળેલી જંગલી વનસ્પતિના કાયમી નિકાલ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.

Share This Article