
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા માતવા ગામે રહેતી એક પરણિતાનો મૃતદેહ ઘરમાં લટકેલી હાલતમાં મળી આવતા ચકચાર: પરિવારજનોના હત્યાના આક્ષેપો..
પરિવારજનો દ્વારા પરણિતાને તેના સાસરીયાઓ દ્વારા મારી નાંખી લટકાવી દેવામાં આવી હોવાના આક્ષેપો સાથે પરણિતાને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં.
ગરબાડા તા.૨૮
ગરબાડા તાલુકાના માતવા ગામે ઠાકોર ફળિયામાં રહેતાં પરણિતા સુનંદાબેન મુકેશભાઈ મોહનીયાની મૃતદેહ પોતાના સાસરીમાં આત્મહત્યા કરેલી હાલતમાં મળી આવ્યો હતો. આ અંગેની જાણ પરણિતાના પિયરજનોને થતાં પિયરજનો તમામ પરણિતાના સાસરી ખાતે પહોંચી ગયાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પરણિતાના મૃતદેહને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં જ્યાં તબીબોએ પરણિતાને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. પરણિતાના પિયરપક્ષના વ્યક્તિઓ આક્ષેપો કર્યા હતાં કે, પરણિતાના લગ્ન ત્રણ વર્ષ પહેલાં થયાં હતાં, પરણિતાના સાસરીયા પક્ષો દ્વારા અવારનવાર શારિરીક અને માનસીક ત્રાસ આપવામાં આવતો હતો, પરણિતાને કેટલીક વાર ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી પરંતુ પંચના સમાધાન બાદ પરણિતાને ફરીવાર સાસરી પક્ષમાં મુકી આવવામાં આવતાં હતાં. સાસરીયાઓ દ્વારા પરિણાતાને મારી નાંખી તેમનો મૃતદેહ લટકાવી દેવામાં આવ્યો હોવાના આક્ષેપો પણ પરણિતાના પિયરપક્ષના વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી રહ્યાં છે. આરોપીઓને સખતમાં સખત સજા કરવામાં આવે તેવી પરિવારજનોની માંગ છે ત્યારે સમગ્ર મામલો પોલીસ તપાસમાં બહાર આવે તેમ છે. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ હાથ ધરી છે અને પરણિતાના મૃતદેહને પીએમ માટે મોકલી દેવામાં આવ્યાં હતાં.