દાહોદમાં ડીમોલીશનની કામગીરી દરમિયાન 2008માં નિર્માણ પામેલા વાલ્મિકી સમાજના સામુહિક આવાસો પર બુલડોઝર ચાલ્યા...
ફતેપુરા તા.16
દાહોદના રળીયાતી ખાતે ડો.આંબેડકર સફાઈ કામદાર સામૂહિક આવાસ યોજના હેઠળ 2008માં કરોડો રૂપિયાના ખર્ચે 232 જેટલા આવાસો બનાવવામાં આવ્યા હતા જેમાં વાલ્મિકી સમાજના ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો માટે આ આવાસ નિર્માણ કરવામાં આવ્યા હતા. જેમાં સરકાર દ્વારા પ્રત્યેક લાભાર્થીના આવાસના બાંધકામ માટે નામજોગ 3.20 લાખ રકમ ફાળવવામાં આવી હતી. આ મામલે લાભાર્થીઓને કોઈ લાભ ન મળતા જે તે સમયે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના મેનેજિંગ ડાયરેક્ટર દ્વારા સંબંધિત વિભાગમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. આ આવાસોમાં કરોડો રૂપિયાના ખર્ચો કર્યા બાદ પણ કોઈપણ લાભાર્થીને આ આવાસ ફાળવવામાં ન આવતા આ આવાસો ખંડેર અવસ્થામાં રૂપાંતરિત થયા હતા. સાથે સાથે આ આવાસો નિર્જન સ્થળમાં ફેરવાતા અસામાજિક તત્વોનો અડ્ડો પણ બની જવા પામ્યા હતા. આજરોજ રળીયાતી થી ઇન્દોર હાઈવે સુધી વહીવટી તંત્ર દ્વારા ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં માર્ગમાં અવરોધ રૂપ આવતા દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો. જેમાં રોડમાં અવરોધ રૂપ આ વાલ્મિકી સમાજના કેટલાક મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો હતો. જે બાદ વહીવટી તંત્રને ધ્યાનમાં આ નિરજન સ્થળમાં ફેરવાયેલા આ વાલ્મિકી સમાજના આવાસો કોઈપણ ઉપયોગમાં આવી શકે નહીં તેઓ ધ્યાનમાં આવતા વહીવટી તંત્ર દ્વારા આ આવાસોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા. ત્યારે સંબંધિત વિભાગ દ્વારા ગરીબી રેખા હેઠળ આવતા વાલ્મિકી સમાજના સામુહિક આવાસો પુનઃ બાંધવામાં આવે અને દરેક લાભાર્થીને આવાસો ફાળવવામાં આવે તેવી માંગણી અને લાગણી હાલના સંજોગોમાં ઉઠવા પામી છે.
