દેવગઢ બારીઆના સીમલાઘસીમાં ઘરમાં અકસ્માતે આગ લાગી,ઘરવખરી, દાગીના સહિત દસ્તાવેજો બળીને ખાખ થયાં
તિજોરીમાં આગ લાગતા બાજુમાં ગેસ સિલિન્ડર ધડાકા સાથે બલાસ્ટ થતા આગ વધુ વિકરાળ બની:ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ ઓલવી..
દાહોદ તા.16
દેવગઢ બારિયા તાલુકાના સીમલાધસીમાં રાત્રે ઘરમાં અચાનક આગ લાગી હતી. પ્લાયવુડની તીજોરીમાં આગ પ્રસરતા બાજુમાં મુકેલા ગેસના બોટલમાં બ્લાસ્ટ થતાં ઘરવખરીનો સામાન, સોના ચાંદીના દાગીના દસ્તાવેજ અને રોકડ બળીને ખાખ થતાં નોંધપાત્ર નુકસાન થયું હતુ.
દેવગઢ બારિયા તાલુકાના સીમલાધસી ગામના બારીયા ફળીયામાં રહેતા ભારૂભાઇ સબુરભાઇ બારીયાએ તેમના ચાર ગાળાવાળા મકાનનો એક રૂમ તેમના ગામના સંજયકુમાર જયશંકર પંડ્યાને રહેવા માટે આપ્યો હતું. જે રૂમમાં ગતરોજ રાત્રીના બારેક વાગ્યાના અરસામાં આકસ્મિક આગ લાગી હતી. જેમાં રૂમમાં મુકેલી પ્લાયવુડની તીજોરીમાં આગ લાગતાં બાજુમાં મુકેલો ગેસના બોટલમાં બ્લાસ્ટ થયો હતો.જેના લીધે આગ વધુ વિકરાળ થતા સંજયભાઇનો ઘરવખરીનો પુરો સામાન તેમજ દસ્તાવેજ તેમજ ડોક્યુમેન્ટ તથા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ પણ બળીને ખાખ થઇ જતાં નુકસાન થયું હતું. આગ પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આગ વધુ ન પ્રસરે તે માટે મકાનનો ભાગ તોડી પાડી પાણીનો મારો કર્યો હતો. ઉપરાંત દેવગઢ બારિયા ફાયર ફાયટરને જાણ કરતાં તાત્કાલિક આવી જતાં ફાયર ફાયટરોના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.જોકે સદનસીબે આગની ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી. આ સંદર્ભે ભારૂભાઇ સબુરભાઇ બારીયાએ સાગટાળા પોલીસમાં જાણ કરતાં પોલીસે જાણવા જોગ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.