ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂની રેલમછેલ કરવા અવનવા કીમિયા અજમાવતા બુટલેગરો…
દેવગઢબારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા પરથી પીપલોદ પોલીસે એમ્બ્યુલન્સના ચોરખાનામાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
દાહોદ તા.11
દેવગઢ બારીયા તાલુકાના ભથવાડા ટોલનાકા પરથી પીપલોદ પોલીસે એમ્બ્યુલન્સના ચોર ખાનામાં સંતાડીને લઈ જતા વિદેશી દારૂના જથ્થા સાથે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના બુટલેગરની ધરપકડ કરી છે.ત્યારે વિદેશી દારૂનો વેપલો કરતા વિદેશી દારૂની હેરફેર કરવા માટે બુટલેગરો દ્વારા અવનવા કીમિયા અજમાવતા હોવાનું પણ સામે આવ્યું છે..
ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી અમલમાં છે.પરંતુ ગુજરાત મધ્યપ્રદેશ જેવા સરહદી વિસ્તારોમાંથી વિદેશી દારૂની હેરફેર કરવા માટે તગડો નફો રડી લેવા માટે બુટલેગરો સક્રિય થયા છે.તો દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની બદીને ડામવા માટે પોલીસ પણ સક્રિય બની અવારનવાર વિદેશી દારૂને ઝડપી પાડતી હશે પરંતુ હાલ લગ્નસરાની સિઝનમાં તગડો નફો રળી લેવા માટે સક્રિય બનેલા બુટલેગરો વિદેશી દારૂની હેરફેર માટે અવનવા કીમિયા અજમાવતા હોય તેવું દેખાઈ રહ્યું છે.જેમાં તાજેતરમાં દેવગઢબારિયા પોલીસે બાતમીના આધારે ભથવાડા ટોલનાકા પરથી ઈ-ગુજકોપની મદદથી એમ્બ્યુલન્સના ચોર ખાનામાંથી વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડયાનું જાણવા મળેલ છે. જેમાં રાજસ્થાનના છોટાઉદેપુર જિલ્લાના ગોગુંડા મોડવા ગામના વિક્રમભાઈ લક્ષ્મણસિંહ દેવડા પોતાના કબજા હેઠળની Gj-10-W-7227 નંબરની એમ્બ્યુલન્સમાં કેબીનની પાછળ ચોરખાનામાં વિદેશી દારૂ સંતાડીને લાવતા હોવાની બાતમી પીપલોદ પોલીસ મથકના પી.એસ.આઇ જી.બી પરમારને મળતા તેઓ પોલીસ જવાનો સાથે ભથવાડા ટોલનાકા પર વોચમાં ગોઠવાઈ ગયા હતા. અને બાતમીમાં દર્શાવેલ ગાડી આવતા પોલીસે આ એમ્બ્યુલન્સ ને ચારે બાજથી કોર્ડન કરી ચાલક વિક્રમસીંગ લક્ષ્મણસિંહ દેવડાની અટકાયત કરી એમ્બ્યુલન્સની તલાસી લેતા કેબીનના ચોરખાનામાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 285 બોટલો મળી 1,18,310 રૂપિયાની વિદેશી દારૂ મળી આવતા પોલીસે ટેમ્પો ટ્રાવેલર એમ્બ્યુલન્સ ગાડીના ચાલક વિક્રમ દેવડાની ધરપકડ કરી વિદેશી દારૂનો મુદ્દામાલ તેમજ ચાર લાખ રૂપિયા કિમંતની એમ્બ્યુલન્સ તેમજ 3000 રૂપિયા કિંમતનો એક મોબાઇલ ફોન મળી રૂપિયા 5,21,310 રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી પકડાયેલા એમ્બ્યુલન્સના ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.