
પોલીસની નાઈટ પેટ્રોલિંગ તેમજ પોલીસના નેત્રમ કેમેરાનું છેદ ઉડાડી તસ્કરોએ દાહોદના પોશ ગણાતા ગોવિંદ નગર વિસ્તારના છ થી સાત મકાનોના તાળા તોડ્યા: પોલીસ સ્તબ્ધ.!!
તસ્કરોએ નિશાન બનાવેલા તમામ મકાનો બંધ હતા.
પોલીસ કરતાં તસ્કરોના બાદમીદારોનું નેટવર્ક પાવરફુલ: મકાન માલિક સાંજે મકાનને તાળું મારીને ગયા અને રાતે તસ્કરોએ હાથ ફેરો કર્યો..
મકાન માલિક મકાન બંધ કરીને બહારગામ ગયા છે તસ્કરો સુધી માહિતી કેવી રીતે પહોંચી.?
દાહોદ તા.29
દાહોદ શહેરના પોશ વિસ્તાર ગણાતા ગોવિંદ નગરની જુદી જુદી સોસાયટીઓમાં માત્ર એક જ રાતમાં તસ્કરોએ સાત જેટલા બંધ મકાનોને ટાર્ગેટ બનાવી નકુચા સાથે તાળા તોડી સાત મકાનોમાં સાગમટે ખાતર પાડી દાહોદ શહેર પોલીસની રહી સહી આબરૂના લીરેલીરા ઉડાડી પોલીસને પડકાર ફેંકતા શહેર ભરમા આશ્ચર્યની સાથે સાથે ભારે ચકચાર મચી જવા પામી છે. દાહોદ શહેરમાં પોલીસ તંત્ર દ્વારા લગાડવામાં આવેલા નેત્રંગ કેમેરા, સ્માર્ટ સિટી અંતર્ગત લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરા તથા જુદા જુદા વિસ્તારોમાં લગાડવામાં આવેલા ખાનગી સીસીટીવી કેમેરા વચ્ચે દાહોદ શહેરના ગોવિંદ નગર વિસ્તારમાં આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા ગાંગરડી વાળા જય ભાઈ હરીશભાઈ સોની તથા મનોજકુમાર રસિકલાલ શેઠ એમ બંનેના મકાનને તથા ચેતના સોસાયટીમાં રહેતા પુનાનશું ભાઈ અનિલભાઈ શાહ આંબાવાડીમાં આવેલ અશોક એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે 302 નંબરના ફ્લેટમાં રહેતા રેખાબેન શરદભાઈ શેઠ ભાગ્યોદય સોસાયટીમાં પાસ પાસે રહેતા જવાહરભાઈ શાહ તથા અવધભાઈ દેસાઈ એમ છ જણાના બંધ મકાન સહિત કુલ જેટલા બંધ મકાનોને ગત રાતે તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. અને સાતે મકાનોના તાળા તોડવા તસ્કરોએ પોતાનો કસબ અજમાવી નકુચા સાથે તાળા તોડી તસ્કરો ઉપરોક્ત સાતે મકાનોમાં પ્રવેશી સાગમટે હાથ ફેરો કરી બિન્દાસ રીતે પોતાના કામને બેખોફ અંજામ આપી ફરાર થઈ જઈ પોલીસની કામગીરી સામે અનેક વેધક સવાલો ખડા કરી ગયા છે. આ સાથે મકાનોમાંથી તસ્કરો કેટલી મતાનો હાથ ફેરો કરી ગયા છે તે હજી જાણવા મળ્યું નથી . દાહોદના ગોવિંદ નગરની અલગ અલગ સોસાયટીમાં એક જ રાતમાં સાત જેટલા બંધ મકાનોના તુટતા દાહોદમાં પોલીસ વ્યસ્ત, તસ્કરો મસ્ત, અને જનતા ત્રસ્ત, જેવી સ્થિતિ ઊભી થવા પામી છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી ઉપરોક્ત ઘટના સંબંધે એક પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
પોલીસ કરતાં તસ્કરોના બાદમીદારોનું નેટવર્ક પાવરફુલ:મકાન માલિક મકાન બંધ કરીને બહારગામ ગયા છે તસ્કરો સુધી માહિતી કેવી રીતે પહોંચી.? તપાસનો વિષય
દરેક બાબતમાં હંમેશા પોલીસના બાતમીદારો સૌથી આગળ હોય છે. પરંતુસાગ મટે ઘરફોડ ચોરીની આ ઘટનામાં પોલીસના બાતમીદારો કરતા તસ્કરોના બાતમીદારો બે ડગલા આગળ હોય તેવું જોવા મળ્યું છે. કારણ કે આંબાવાડી ખાતેના અશોક એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે 302 નંબરના ફ્લેટમાં રહેતા રેખાબેન શરદભાઈ શેઠ પોતાની મુંબઈ ખાતે રહેતી દીકરીની તબિયત સિરિયસ હોવાને કારણે તેઓ ગઈકાલે સાંજે જ ફ્લાઈટ થી મુંબઈ ગયા હતા. તો આ વાતની આટલી જલદી તસ્કરોને કેવી રીતે ખબર પડી જાય? આટલી જલદી માહિતી તસ્કરો સુધી પહોંચાડનાર કોણ? એ પણ એક તપાસનો વિષય છે.
પોલીસના નેત્રમ કેમેરા તેમજ રાત્રી રોનની કામગીરીની વચ્ચે તસ્કરો બિન્દાસ પણે ચોરીની ઘટનાને અંજામ આપતા પોલીસની સક્રિયતા અને વિશ્વસનીયતા સામે અનેક વેધક સવાલો..?
શહેરમાં પોલીસ તંત્ર દ્વારા જુદી જુદી જગ્યાએ નેત્રમ કેમેરા, સ્માર્ટ સિટી અંતર્ગત સીસીટીવી કેમેરા તથા જુદા જુદા વિસ્તારોમાં ઠેર ઠેર ખાનગી કેમેરા લગાડવામાં આવ્યા છે. અને વધુમાં રાત્રિના બાર વાગ્યા પછી નીકળતા લોકો તથા વાહનોને રાત્રિ રોનમાં ફરતી પોલીસ દ્વારા રોકવામાં આવે છે. અને માણસની ઓળખ તથા વાહનના કાગળિયા માંગવામાં આવે છે. કેમેરાની આટઆટલી ચાંપતી નજર અને રાત્રી રોનમાં ફરતી પોલીસની સખતાઈ હોવા છતાં તસ્કરોએ એક જ વિસ્તારમાં એક જ રાતમાં સાત જેટલા બંધ મકાનોના તાળા તોડી બિન્દાસ રીતે પોતાના કામને અંજામ આપી પલાયન થઈ જાય તે ખરેખર શું સૂચવે છે? દાહોદના ગોવિંદ નગર વિસ્તારમાં એક જ રાતમાં સાત જેટલા બંધ મકાનોના તાળા તૂટવાની આ ઘટનાએ પોલીસની સક્રિયતા અને વિશ્વસનીયતા સામે અનેક વેધક સવાલો ખડા કર્યા છે. નેત્રમ અને સ્માર્ટ સિટીના સીસીટીવી કેમેરાની સક્રિયતા માત્ર ને માત્ર વાહનોના મેમો બનાવવા પૂરતી જ સીમિત રહી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે અગાઉ પણ દાહોદ શહેરમાં થયેલ ઘરફોડ ચોરીઓ પૈકીની એક બે ઘરફોડમાં ચોરી કરતા તસ્કરો કેમેરામાં કેદ થઈ ગયા હોવા છતાં આજ દિન સુધી પોલીસ તેને પકડી શકી નથી. તો પછી આ કેમેરાઓ લગાવવાનો અર્થ શું?