જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ તા.૨૬
બેન્કમાં તેમજ રેલ્વેમાં નોકરી અપાવવાના બહાને દાહોદ શહેરમાં રહેતા એક વ્યક્તિને વિશ્વાસમાં લઈ તેની પાસેથી પ્રથમ બેન્કમાં નોકરી અપાવવાના બહાને રૂપીયા ૮ લાખ અને ત્યાર બાદ રેલ્વેમાં નોકરી અપાવવાના બહાને રૂપીયા ૨,૫૦,૦૦૦ મળી કુલ રૂા.૧૦,૫૦,૦૦૦ પડાવી લઈ બંન્ને નોકરી નહીં અપાવી છેતરપીંડી, વિશ્વાસઘાત કરતાં દાહોદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે.
દાહોદ જિલ્લામાં અવાર નવાર સરકારી નોકરી અપાવવાની લાલચે ઘણા ભેજાબાજાે દ્વારા ભોળાભાળા માણસોને વિશ્વાસમાં લઈ લાખ્ખો રૂપીયા પડાવી લઈ ફરાર થઈ જવાના બનાવો અવાર નવાર બનતાં રહે છે ત્યારે વધુ એક બનાવને પગલે પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. દાહોદ શહેરમાં સોનીવાડ વિસ્તારમાં રહેતા ૩૩ વર્ષીય અંકુરકુમાર નટવરલાલ ગુજરાતીને દાહોદ તાલુકાના દેલસર ગામે સરસ્વતી નગર – ૨માં રહેતા દિપેશકુમાર ઉર્ફે સોનુ ત્રિકમલાલ શર્મા દ્વારા અંકુરભાઈ પાસેથી તારીખ ૦૯.૦૮.૨૦૧૮ના રોજથી આજદિન સુધી પ્રથમ વખત એસ.બી.આઈ. બેન્કમાં ક્લાર્કની નોકરી અપાવવાની લાલચ આપી રૂપીયા ૮ લાખ પડાવી લીધા હતા અને આ બેન્કની નોકરી અપાવી પણ ન હતી ત્યાર બાદ રેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી ફરીવાર અંકુરભાઈ પાસેથી રૂા.૨,૫૦,૦૦૦ પડાવી લઈ નોકરી અપાવવાની લાલચ આપી હતી પરંતુ આજદિન સુધી બંન્ને નોકરીઓમાંથી એકપણ નોકરી નહીં મળતાં અને આખરે પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાના અહેસાસ સાથે ગતરોજ અંકુરકુમાર નટવરલાલ ગુજરાતી દ્વારા દિપેશકુમાર ઉર્ફે સોનુ ત્રિકમલાલ શર્મા ેવિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.