બહુચર્ચિત વીજ ચોરી કૌભાંડમાં આખરે વિજિલન્સ ઇજનેરે નોંધાવી ફરિયાદ..

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

બહુચર્ચિત વીજ ચોરી કૌભાંડમાં આખરે વિજિલન્સ ઇજનેરે નોંધાવી ફરિયાદ..

દાહોદમાં MGVCL ને 14.67 કરોડનો આર્થિક નુકશાન,MGVCL- ખાનગી એજન્સીની સંડોવણીનો ભાંડાફોડ.!

Mgvcl દ્વારા જપ્ત કરેલા 1659 મીટરોમાંથી 926 મીટરોમાં રેઝિસ્ટર લગાવી છેડછાડનો ખુલાસો..

દાહોદ તા.૨૧

દાહોદ જિલ્લામાં થોડા સમય પહેલા વીજચોરીનો મોટું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં એમજીવીસીએલના કર્મચારીઓ તેમજ સ્માર્ટ મીટર લગાવનાર કંપનીના માણસોની મિલીભગતથી એમજીવીસીએલને રૂપિયા 14.76 કરોડનું આર્થિક નુકસાન થયું છે. ઉપરોક્ત પ્રકરણમાં વીજમીટરોની સીલ તોડી રોજીસ્ટર લગાવી છેડછાડ કરી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર પ્રકરણમાં વીજ વપરાશની સામે ગ્રાહકોના બિલ ઓછા આવતા એમજીવીસીએલ ચોકી ગયું હતું. અને એક ખાનગી બાતમી બાદ એમજીવીસીએલ દ્વારા તપાસ કરતાં આ પ્રકારની ગેરરીતી સામે આવી હતી. ત્યારબાદ સમગ્ર જિલ્લામાં અલગ અલગ ટીમો બનાવી રેડ કરવામાં આવતા આ સમગ્ર કૌભાંડ સામે આવતા હવે એમજીવીસીએલ વિજીલન્સ વિભાગના વિશેષ મુખ્ય ઇજનેર તરીકે ફરજ બજાવતા વેચાતભાઈ નાથાભાઈ રાઠવા દ્વારા આ મામલે સત્તાવાર ફરીયાદ નોંધાવવા પામી છે.

 

દાહોદ જિલ્લા સહિત દાહોદ શહેર, દાહોદ ગ્રામ્ય, ઝાલોદ, લીમડી, લીમખેડા તથા દેવગઢ બારીયા વિસ્તારોમાં વિજ મીટરોમાં ચેડાં કરી વિજ વપરાશ ઓછો દર્શાવવામાં આવતો હોવાની બાતમીના આધારે તા. 18/08/2025 થી 18/11/2025 દરમિયાન વિશાળ સ્તરે રેઇડ હાથ ધરવામાં આવી હતી.આ કાર્યવાહી દરમિયાન એમજીવીસીએલની અલગ અલગ ટીમો દ્વારા 33,799 વિજ મીટરોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી 1,609 વિજ મીટરોના સીલ તૂટેલા હોવાનું સામે આવતા શંકાસ્પદ મીટરોને સીલબંધ કરી MGVCL દાહોદ ડિવિઝનની લેબોરેટરીમાં તાંત્રિક ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં લેબ રિપોર્ટ મુજબ 888 વિજ મીટરોમાં વિજ અવરોધક વસ્તુ એટલે કે રેઝિસ્ટર લગાવી વિજ ચોરી કરવામાં આવતી હોવાનું સ્પષ્ટ થયું છે. GERC દ્વારા નક્કી કરાયેલા ALHAF ફોર્મ્યુલા મુજબ ગણતરી કરતાં અંદાજે ₹10.71 કરોડની વિજ ચોરી થવાની હકીકત બહાર આવી છે. આ ઉપરાંત, સ્માર્ટ મીટર બદલવાની પ્રક્રિયા દરમિયાન પણ ગંભીર અનિયમિતતા સામે આવી છે. જેમાં ઇન્ટેલી સ્માર્ટ એજન્સી દ્વારા 81 વિજ મીટરો બદલી નાખવામાં આવ્યા હતા, જેમાંથી 50 મીટરોની તપાસ કરાતા 38 મીટરોમાં પણ રેઝિસ્ટર લગાવી વિજ ચોરી કરાયાનું બહાર આવ્યું છે. આ મામલે અંદાજે ₹4.048 કરોડનું નુકસાન થયાનું નોંધાયું છે. આ રીતે કુલ મળીને ₹14.76 કરોડનું આર્થિક નુકસાન MGVCLને થયું હોવાનું સામે આવ્યું છે. વિજ મીટરના સીલ તોડવા તથા તેમાં ચેડાં કરવું ગુનાહિત કૃત્ય હોવા છતાં વિજ કંપની સાથે સંકળાયેલા કેટલાક ઇસમો તથા એજન્સીના અધિકારી-કર્મચારીઓએ ગુનાહિત કાવતરું રચી છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાનું ફરીયાદમાં ઉલ્લેખ કરાયો છે. આ સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318(4) તથા 61(2)(એ) હેઠળ કાયદેસર તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હવે આ ગંભીર કૌભાંડમાં તપાસ એજન્સીઓ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે.

Share This Article