રાજેશ વસાવે :- દાહોદ
*શ્રી એસ. આર. ભાભોર આર્ટ્સ કોલેજ સિંગવડના NSS ના વિદ્યાર્થીઓએ પહાડ ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રીમતી મંજુલાબેન ચૌહાણના ખેતરની મુલાકાત લીધી*
વિદ્યાર્થીઓને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના આયામોના ડેમો આપી પ્રાકૃતિક ખેતી વિશે માહિતગાર કર્યા
દાહોદ તા. ૨૧ 

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની શ્રી એસ. આર. ભાભોર આર્ટસ કોલેજના NSS ના વિદ્યાર્થીઓ અને કોલેજના અધ્યાપકોએ સાત દિવસીય NSS કેમ્પના ભાગરૂપે પહાડ ગામના પ્રાકૃતિક ખેડૂત શ્રીમતી મંજુલાબેન ચૌહાણના ખેતરની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓને ખેતરમાં કરેલા શાકભાજી-ફળફળાદીના વૃક્ષો, સ્ટોબેરીની ખેતી, મશરૂમની ખેતી વિશે શરૂઆતથી લઈને છોડને રાખવામાં આવતી કાળજી વિશે મંજુલાબેન દ્વારા માહિતી આપવામાં આવી હતી.



આ દરમ્યાન ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના આયામો જેવા કે, જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદાન, વાપસા, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર સહિતના આયામોનો ડેમો આપી માહિતગાર કર્યા હતા. પ્રાકૃતિક ખેતી કરવાથી થતા ફાયદા જેવા કે, ખેતીની ફળદ્રુપતા, વરસાદી પાણી અને ભેજનો સંગ્રહ, નહીવત ખર્ચ સામે બમણી આવક સહિતની માહિતી આપી હતી. વિદ્યાર્થીઓને રાસાયણિક ખાતર અને દવા ખેતીમાં ન વાપરવું અને તેની જગ્યાએ ગાય આધારિત બનાવેલા જીવામૃત, ઘન જીવામૃત, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર વાપરવા માટે જણાવ્યું હતું.
000
