બાબુ સોલંકી:- સુખસર
*સુખસર-ફતેપુરા તાલુકામાં સરકારી ચોપડે નોંધાયેલ કાયદેસરના ખ્રિસ્તીઓને જ નાતાલ પર્વની ઉજવણી માટે મંજૂરી આપવા મામલતદારને આવેદનપત્ર અપાયું*
*આદિવાસી વિસ્તારમાં ભોળા આદિવાસીઓને લોભ, લાલચ, સામ-દામ,દંડ અને ભેદની નીતિ અપનાવી ખ્રિસ્તીકરણ કરાતું હોવાનો આક્ષેપ કરાયો*
સુખસર,તા.23

સુખસર તથા ફતેપુરા તાલુકામાં વસવાટ કરતા અને નકલી ખ્રિસ્તી ધર્મ પાળતા લોકોને આગામી સમયમાં નાતાલની ઉજવણી માટે મંજૂરી નહીં આપવા માટે કટ્ટર હિન્દુવાદી લોકોએ આવેદનપત્ર આપ્યું હોવાનું જાણવા મળે છે.જેમાં કેટલાક લોકો સાચા ખ્રિસ્તીઓ ન હોવા છતાં હિન્દુમાંથી ખ્રિસ્તી બની બંને ધર્મના લાભો મેળવતા હોય તેવા નકલી ધાર્મિક લોકોને નાતાલ પર્વની ઉજવણી માટે મંજૂરી આપતા પહેલા તેઓની ખરાઈ કરી સાચા ખ્રિસ્તી લોકો હોય તેઓને જ મંજૂરી આપવામાં આવે તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ આજરોજ સુખસર તથા ફતેપુરા તાલુકાના હિન્દુત્વમાં માનતા લોકોએ ફતેપુરા તથા સુખસર તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું છે કે,હિન્દુ આદિવાસી લોકો પૂર્વજોથી આદિ-અનાદિકાળથી સાંસ્કૃતિક પરંપરા અને રીતરિવાજો મુજબ ધર્મનું રક્ષણ કરતા આવ્યા છે. જેને ભારત દેશના સંવિધાન અનુચ્છેદ 13-3(ક) મુજબ સંરક્ષણ આપવામાં આવેલ છે.પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી હિન્દુ આદિવાસી વિસ્તારોમાં અલગ- અલગ ગામોમાં ખ્રિસ્તી ધર્મના લોકો હિન્દુ લોકોને ધર્માન્તરણ કરાવવા માટે મોટી-મોટી સભાઓ,પ્રાર્થનાઓ,શાંતિ મહોત્સવ,સાકર પ્રાર્થના,બહેનોનું સેમિનાર,આત્મિક જાગૃતિ સભાઓ, યુવાનોનું સેમિનાર જેવા કાર્યક્રમો કરી ધર્મ પરિવર્તન કરાવવા માટે લલચાવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.અને જણાવવામાં આવ્યું છે કે,ડિસેમ્બર માસમાં આદિવાસી વિસ્તારમાં નાતાલ પર્વ ઉજવતા હોય છે.ત્યારે આ પર્વ દરમ્યાન ધર્માંતરણ માટે કાર્યરત કેટલાક લોકો આદિવાસીઓની મૂળ સંસ્કૃતિ,મૂળ પરંપરાથી અલગ કરી આદિવાસીઓને નષ્ટ કરવાનું મોટું ષડયત્ર ચલાવી રહ્યા છે.જોકે હિન્દુ ધર્મના લોકો કોઈપણ ધર્મ પ્રત્યે ભેદભાવ રાખતા નથી.અને તમામ ધર્મોનું માન-સન્માન કરતા હોય છે. પરંતુ હાલમાં આવી રહેલ નાતાલ પર્વની ઉજવણી માટે સરકારી રીતે ચોપડામાં નોંધાયેલ કાયદેસર રીતે ખ્રિસ્તી ધર્મ પાળતા હોય અને સાચા ખ્રિસ્તી ધર્મના લોકો હોય તેવા લોકોને જ નાતાલ પર્વની ઉજવણી માટે મંજૂરી આપવા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે.
વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આદિવાસી વિસ્તારમાં ભલા ભોળા આદિવાસીઓને ખ્રિસ્તી અનુયાયીઓ દ્વારા લોભ,લાલચ,સામ-દામ,દંડ,ભેદ ની નીતિનો ઉપયોગ કરી આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મમાં ધર્માંંતરણ કરાવવાનો ખ્રિસ્તી પાદરીઓ દ્વારા ખુલ્લેઆમ ગેરકાયદેસર પ્રવૃતિઓ કરવામાં આવી રહેલ છે.ત્યારે નાતાલ પર્વની ઉજવણી માટે મંજૂરી લેવા આવનાર કાયદેસરના ખ્રિસ્તી હોય તેવા લોકોના પ્રમાણપત્ર તપાસી મંજૂરી આપવા માટે જણાવવામાં આવ્યું છે.વધુમાં જણાવ્યું છે કે,નાતાલના કાર્યક્રમોની પરવાનગીઓ ગેરકાયદેસર હોય તેમજ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ (2021 માં થયેલ સુધારા મુજબ) કલમ 2 (ક) (ખ) (ગ) (ધ) તથા કલમ 4 (બ) તથા (ગ) તેમ જ આ કલમ 7 મુજબ ગુનો બનતો હોય છે.તેમજ આ ગુનો બિન પાત્ર થતો હોય જેથી નકલી ખ્રિસ્તી લોકોને નાતાલ પર્વની ઉજવણી માટે પરવાનગી નહીં આપવા જણાવ્યું છે.જ્યારે કેટલાક ખ્રિસ્તી લોકો આદિવાસી સમાજના લાભો લઈ રહ્યા હોય તેવા લાભોથી પણ દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.જોકે ધર્માંતરણ કરેલા મોટાભાગના લોકોના સરકારી ચોપડે હિન્દુ હોવાનું જોવા મળે છે.ત્યારે ધર્મ પરિવર્તન કરેલ લોકોએ ખ્રિસ્તી હોવા અંગે ની સરકાર સમક્ષ સ્પષ્ટતા કરવી પણ જરૂરી છે.
આમ લોભ,લાલચમાં આવી હિન્દુ આદિવાસી લોકોનું ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ થતુ અટકાવવામાં આવે તેવી માંગ સાથે દાહોદ જિલ્લા કલેકટર,દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક,મામલતદાર ફતેપુરા, મામલતદાર સુખસર,સુખસર પોલીસ સ્ટેશન,સી.પી.આઈ સહિત ડેપ્યુટી સી. એમ.હર્ષ સંઘવી,ગૃહ મંત્રાલય ગુજરાત રાજ્ય ગાંધીનગરને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.