કોર્ટનો ઐતિહાસિક ચુકાદો :પીળી પરિવારને 12 વર્ષે મળ્યો ન્યાય
દાહોદના ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા 10 વર્ષિય આદિલ કેસમાં ગેમઝોન મેનેજર-માલિક દોષી !, પાંચ લાખનો વળતર ચૂકવવા આદેશ
દાહોદ તા.૦૫
દાહોદ શહેરમાં ૧૨ વર્ષ પહેલા શહેરના ગેમ ઝોનમાં એક ૧૦ વર્ષિય માસુમ બાળકને વીજ કરંટ લાગવાથી માસુમ બાળકનું મોત નીપજ્યાંના પ્રકરણમાં આ કેસ દાહોદની પ્રિન્સીપાલ સીનીયર સિવિલ જજ સાહેબની કોર્ટમાં આ કેસ ચાલી જતાં કોર્ટે ઐતિહાસીક ચુકાદો આપ્યો છે જેમાં ગેમ ઝોનના મેનેજર, માલિક અને વીમા કંપની વિરૂધ્ધ દાખલ થયેલા ગુન્હામાં કોર્ટે ત્રણેયને જવાબદાર ઠેરવી મૃતક બાળકના દંપતિને રૂપીયા ૫ લાખનું વળતર ચુકવવાનો આદેશ કરતાં લાંબા સમયથી ન્યાયની માંગણી કરનાર પરિવારજનોમાં કોર્ટેના હુકમથી સંતોષ જોવા મળ્યો હતો.
ગત તા. ૧૨.૦૮.૨૦૧૪ના રોજ દાહોદ શહેરના ગોધરા રોડ પર રહેતાં સલીમખાન અજીજખાન પઠાણ તેઓ પોતાના પરિવારજનો સાથે દાહોદ શહેરના સ્ટેશન રોડ પર આવેલ સીક્સ પોકેટ ગેમઝોનમાં ગયા હતાં ત્યારે ગેમ ઝોનમાં આવેલ ઈલેક્ટ્રીક ટોય ટ્રેનના પાટા પાસે સલીમભાઈનો ૧૦ વર્ષિય માસુમ પુત્ર આદિલ રમતો હતો ત્યારે સીક્સ પોકેટ ગેમઝોનમાં આવેલ પાટામાં કરન્ટ હતો જેના કારણે ૧૦ વર્ષિય માસુમ આદિલ રમતા રમતા ટોય ટ્રેનના પાટા ઉપર ચઢી ગયો હતો અને ટોય ટ્રેનના પાટામાં આવેલ ઈલેક્ટીરક કરન્ટના કારણે માસુમ આદિલનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. આ સંબંધે મૃતક માસુમ ૧૦ વર્ષિય આદિલના પિતા સલીમખાન પઠાણે ગેમઝોનના મેનેજર તથા માલીક વિરૂધ્ધ ફરિયાદ નોંધાંવી હતી. અને આદિલના મૃત્યુ બદલ વળતર મેળવવા માટેનો દાવો દાહોદની સીનીયર સીવીલ કોર્ટમાં ગેમઝોનના મેનેજર કીંચીતભાઈ બીપીનચન્દ્ર શાહ અને ગેમઝોનના માલીક નયનાબેન બીપીનચન્દ્ર શાહ તથા ગેમઝોનનો વિમો ઉતારનાર વિમા કંપની બજાજ એલાયન્સ જનરલ ઈન્સ્યોરેન્સ કંપની લી. વિરૂધ્ધ દાખલ કરેલ હતો. ૧૨ વર્ષથી ચાલતા આ કેસનો ગતરોજ ઐતિહાસિક ચુકાદો આવ્યો હતો અને લાંબા સમય બાદ મૃતક ૧૦ વર્ષિય આદિલના પરિવારજનોને ન્યાય મળ્યો હતો. જેમાં દાહોદની પ્રિન્સીપાલ સીનીયર સિવિલ જજ સાહેબની કોર્ટમાં સલીમખાન અજીજખાન પઠાણના જાવેદ મન્સુરી તથા અલતાફ મનસુરીની ધારદાર દલીલો અને જરૂરી પુરાવાઓને ધ્યાનમાં લઈ કોર્ટે ગેમઝોનના મેનેજર, માલિક અને વિમા કંપનીને ૧૦ વર્ષિય આદિલના મૃત્યુ બદલ બળતર ચુકવવા માટે જવાબદાર ઠેરવી મૃતક આદિલના માતા-પિતાને રૂપીયા ૫ લાખનું વળતર ૯ ટકા વ્યાજ સહિત ચુકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો.