બાબુ સોલંકી: સુખસર
સુખસરના વાગ્ધારા સંસ્થા દ્વારા ગુજરાત,રાજસ્થાન તથા મધ્યપ્રદેશના 1168 ગામોમાં વિશ્વભૂમિ દિવસ કાર્યક્રમનું આયોજન કરાયું
છેલ્લા 13 વર્ષથી વાગ્ધારા સંસ્થા દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા અને ભૂમિને બચાવવા વિવિધ પ્રકારના પ્રયાસો કરવામાં આવે છે
સુખસર,તા.5

5 ડિસેમ્બર 2025 ના રોજ વાગ્ધારા સંસ્થા દ્વારા ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના લગભગ 1168 ગામોમાં વિશ્વભૂમિ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં ગુજરાતના દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ડુંગરાનાપાણી,માધવા,નાનીઢઢેલી, મકવાણાના વરુણા,ઘાણીખુટ,નાના બોરીદા,પાટડીયા તેમજ અન્ય ગામોમાં વાગ્ધારા સંસ્થા દ્વારા વિશ્ર્વ ભૂમિ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમમાં વાગ્ધારા સંસ્થા દ્વારા સંસ્થાના સામુદાયિક સહજ કર્તાઓ દ્વારા તેમજ સ્વરાજ સંગઠનોના સદસ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે,વાગ્ધારા સંસ્થા વર્ષ 2012 થી આ કાર્યક્રમ નુ આયોજન કરે છે.દરેક ગામની અંદર ઉપસ્થિત તમામ ભાઈ-બહેનોને પ્રાકૃતિક ખેતી કરવા માટે અને ભૂમિને બચાવવા માટે વિવિધ પ્રકારના પ્રયાસોની વિષય વિસ્તાર પૂર્વક જાણકારી આપવામાં આવે છે.જેમ કે ભૂમિ સમતલીકરણ , પાળાબંધી,પાળાબંધી ઉપર વૃક્ષારોપણ,પાણી બચાવવાના પ્રયાસો, જમીનનો કટાવ અને રોકવાના પ્રયાસો અને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓનો ઉપયોગ ન કરવા માટે વિસ્તારપૂર્વક જાણકારી આપવામાં આવે છે.ભૂમિને બચાવવા માટે આપણે બધા ભેગા થઈને સામુહિક રૂપે આવા કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ.સંસ્થાના પ્રતિનિધિ ગીરીશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે,દિન પ્રતિદિન આપણે બજારો તરફ પ્રયાણ કરીએ છીએ.અને સરકારી ખાતરો જેવા કે યુરીયા,ડી.એ.પી,જંતુનાશક દવાઓનો ભરપૂર ઉપયોગ કરવા લાગ્યા છીએ.જેથી કરીને મનુષ્ય ,પશુ, પક્ષી, વનસ્પતિ ઉપર જીવલેણ હુમલા થવા લાગ્યો છે.અને બીમારીઓનું પ્રમાણ વધતું જાય છે.આપણી આવકનો મોટાભાગનો હિસ્સો સ્વાસ્થ્ય માટે ખર્ચ કરવામાં આવે છે.જેથી કરીને દરેક ભાઈ-બહેનો અને ખેડૂતોએ વૃક્ષારોપણ અને ધરતીને જીવતી રાખવા માટે ગાય ભેંસના છાણમાંથી બનાવવામાં આવતું જીવામૃત, સૂકાજીવામૃત,વર્મીકમ્પોસ્ટ,અગ્નિયસત્ર ,બ્રહ્માસ્ત્ર,નિમાસ્ત્ર જેવા પ્રાકૃતિક ખાતરોનો ઉપયોગ કરીને જમીનને બચાવી શકાય.ભૂમિ આપણને પ્રકૃતિ દ્વારા મળેલી અણમોલ ભેટ છે. તેને જાળવણી કરવી તે આપણું કર્તવ્ય છે. દિવસે દિવસે વધતા જતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનાઔ કારણે આજે આપણે આપણી ભૂમિને મારી રહ્યા છીએ.દિન પ્રતિદિન વધતી જતી બીમારીઓનો ભોગ આપણે બની રહ્યા છીએ. ત્યારે આવો સૌ સાથે મળીને પ્રતિજ્ઞા કરીએ કે હવેથી રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરી પ્રાકૃતિક ખેતીનો આરંભ કરીએ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મકવાણાના વરુણા પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો તેમજ સુમિત્રાબેન ગરાસીયા,છગનભાઈ ડામોર ,યોગેશભાઈ પારગી,સુરેખાબેન પારગી,ગીરીશભાઈ પટેલ,રમેશભાઈ મકવાણા,મડ્યાભાઈ મકવાણા, લલીતાબેન મકવાણા તેમજ પ્રત્યેક ગામના જન પ્રતિનિધિઓએ મહત્વનો ભાગ ભજવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તમામનો વાગ્ધારા સંસ્થાના પ્રતિનિધિ ગીરીશભાઈ પટેલ દ્વારા સહકાર આપવા બદલ તમામનો આભાર માન્યો હતો.