
રાજેશ વસાવે :- દાહોદ
સિંગવડની તોરણી પ્રા.શાળા કેસ:આરોપી આચાર્ય ગોવિંદ નટ પોલીસ જાપ્તા હેઠળ કોર્ટમાં હાજર કરાયો.
તોરણી શાળા કેસનો ચુકાદો કોર્ટે મુલત્વી રાખ્યો,આચાર્યને પરત જેલમાં મોકલ્યો,
દાહોદ તા.16
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળામાં 19 સપ્ટેમ્બર, 2024ના રોજ શિક્ષણ જગતને શર્મશાર કરતી તેમજ ગુરુ શિષ્યની ગરિમાને લજાવનારી ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવી દીધો હતો. જેમાં શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા 6 વર્ષની માસૂમ બાળકી જે ધોરણ-1માં અભ્યાસ કરતી હતી,તેના પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેનું ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી. અત્યંત ચકચારી અને સંવેદનશીલ કેસમાં આ કેસમાં આજરોજ લીમખેડા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ચુકાદો આપવાનું ટાળ્યું છે.કોર્ટે આ કેસનો ચુકાદો આગામી 25 એપ્રિલ, 2025ના રોજ સંભળાવવાની શક્યતા દર્શાવી છે. આજે આરોપી ગોવિંદ નટને પોલીસ જાપ્તામાં કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, પરંતુ ચુકાદો ન આવતાં તેને પરત જેલમાં મોકલવામાં આવ્યો છે.ત્યારે ચુકાદા ને લઈ કોર્ટ પરિસરમાં એક પ્રકારની સ્તબ્ધતાનો માહોલ જોવા મળ્યો હતો.
સીંગવડની તોરણી પ્રાથમિક શાળામાં શાળાના આચાર્ય ગોવિંદ નટે છ વર્ષિય માસૂમ બાળકી પર ગાડીમાં દુષ્કર્મના પ્રયાસ કર્યા બાદ હત્યા કરી હોવાનું બનાવો સામે આવ્યું હતું. જેમાં પોલીસે આ કેસ બાબતે ગંભીરતા દાખવી હતી. અને ગણતરીના કલાકોમાં બાળકી જોડે દુષ્કર્મના પ્રયાસ તેમજ હત્યાના ગુનામાં શાળાના આચાર્યની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો. પોલીસે આ કેસમાં પીડિતાની ન્યાય મળે તેના પરિવારને ન્યાય મળે તેમજ ન્યાયતંત્ર પર ભરોસો કાયમ રહે તે માટે પોલીસે સંવેદનશીલતા દાખવી માત્ર 12 દિવસના રેકોર્ડ ટૂંકા ગાળામાં આચાર્ય ગોવીંદ નટ સામે 1700 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી. તેમજ આ કેસમાં ઝડપથી ચુકાદો આવે તે માટે રોજ ટ્રાયલ ચલાવવા તૈયારીઓ દર્શાવી હતી. આ કેસમાં પોલીસે આરોપીને કોઈપણ પ્રકારનું લાભ ન મળે તે માટે જૂજ કહી શકાય તેવા 65 જેટલા વિવિધ ટેસ્ટ તેમજ તેના રિપોર્ટો ચાર્જશીટમાં સમાવેશ કર્યા હતા. સાથે સાથે 150 જેટલા સાક્ષીઓને પણ આ કેસની ચાર્જશીટમાં આવરી લીધા હતા. લીમખેડા સેશન્સ કોર્ટ છ મહિનાના ટૂંકા ગાળામાં જ ટ્રાયલ પૂર્ણ કરી આજરોજ ચુકાદો આપવાની તૈયારી બતાવી હતી જેને લઈને આરોપી આચાર્ય ગોવિંદ નટ ને પોલીસ જાપ્તા હેઠળ લીમખેડા શેસન્સ કૉર્ટમાં લાવવા આવ્યો હતો. પરંતુ લીમખેડા કોર્ટ આજે આ કેસનો ચુકાદો મુલતવી રાખ્યો હતો અને આ કેસમાં આગામી 25 એપ્રિલના રોજ સંભવિત ચુકાદો આપવાનું જણાવ્યું હતું. જેના પગલે આરોપી આચાર્ય ગોવિંદ નટ ને પરત જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો.