રાજેશ વસાવે :- દાહોદ
*પ્રધાનમંત્રી આવાસ યોજના – દાહોદ*
*હાવ કઇનું હગુવાલુંયે ઢીંગલાંની મદદ નત કરતું તઈ સરકારે હમુંને ઘોર બણાવા હારું કરીન પૈસા આલ્યા, પે’લાં તૂટેલા-ફૂટેલા થાપડાવાળા કાચા ઘોરમાં રેહતેલા-લાભાર્થીના પત્ની સુરેખાબેન ભાભોર*
*જુના ઘરમાં રોજ ડર લાગતો કે ક્યાંક ઘર પડી ના જાય પણ હવે અમે શાંતિથી વગર ટેંશને રહી શકીએ છીએ-લાભાર્થી*
દાહોદ તા. ૩૦
પ્રધાનમંત્રી આવાસ યોજના એ ભારત સરકાર દ્વારા ઘર વિહોણા ગરીબ લોકોને આવાસ પ્રદાન કરવા માટે આપવામાં આવતી યોજના છે. ગરીબ લોકોને વસવાટની મુશ્કેલીઓ દુર કરવા માટે મકાન વિહોણા હોય તેમજ કાચું મકાન ધરાવતા હોય તેવા લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે.
દાહોદ એક આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે. અહીં મોટેભાગે આદિવાસી લોકો ખેતી પર નિર્ભર તેમજ છૂટક નાની – મોટી મજૂરી કરીને પોતાના પરિવારનું ભરણ – પોષણ કરતાં હોય છે. તેઓ પોતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી મોટેભાગે કાચા, માટીના, નળીયા, વાંસ અને થાપડા વાળા ઘર બનાવી તેઓ રહેતા હોય છે.
અહીં વાત કરીએ છીએ, દાહોદ તાલુકાના ખરેડી ગામના રહેવાસી દિનેશભાઇ ભાભોરની. દિનેશભાઇ પોતાના ત્રણ બાળકો સાથે વર્ષોથી કાચા, માટીના, નળીયા અને થાપડા વાળા ઘરમાં રહેતા હતા. દિનેશભાઇ પોતે વાયરિંગનું કામ કરીને તેમજ ખેતીમાંથી જે કંઈ આવક મળતી એમાંથી પોતાના પરિવારનું ભરણ – પોષણ કરે છે.
દિનેશભાઈ ભાભોરના પત્ની સુરેખાબેન પોતાની વ્યથા જણાવતાં કહ્યું હતું કે, હાવ કઇનું હગુવાલુંયે ઢીંગલાંની મદદ નત કરતું તઈ સરકારે હમુંને ઘોર બણાવા હારું કરીન પૈસા આલ્યા, પે’લાં તૂટેલા-ફૂટેલા થાપડાવાળા ને ઘોરમાં રેહતેલા. વરહાદમાં હમારા ઘોરમાં ઘણું પાણી આવી જાતું. અગેળના દરવાજેથીયે જબ્બર પાણી આવી જાતું તારે ઘરમાં બદો સામાન પલળી જાતો. એકને હાસવવા જાઈ તઈ બીજું ભીગી જાય. સોકરાં હદી ઘણાં હેરાન થાતાં. બકરાં, ગાયોનેય હાચવવા ભારે પડી જાતાં. હાપ ને બીજા ઘણાં જનાવરાં ઘોરમાં આવી જાતાં.
સુરેખાબેનની આંખો અને એમના શબ્દોમાં એમની ભાવના સાફ નજરે પડતી હતી. તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના વિશેની જાણકારી તાલુકા પંચાયત સભ્ય દ્વારા મળી હતી. અમને તેમણે ફોર્મ ભરવામાં પણ દરેક પ્રકારની મદદ કરી હતી. ત્યારે અમને હપ્તા વડે સરકારે અમારું ઘર બનાવવા આર્થિક મદદ કરી. અમને જુના ઘરમાં માટીનું હોવાથી રોજ ડર લાગતો કે ક્યાંક ઘર પડી ના જાય પણ જ્યારથી પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અમને પાક્કું ઘર મળ્યું, હવે અમે શાંતિથી વગર ટેંશને રહી શકીએ છીએ. એ માટે સરકાર સાહેબનો આભાર માનીએ એટલો ઓછો છે.
૦૦૦