રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદ ખાતે એક દિવસીય ગ્રંથાલય સેમિનાર યોજાયો.*
દાહોદ તા. ૨૯
દાહોદના બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન ખાતે રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગ્રંથાલય ખાતુ તથા બિરસા આદિવાસી સાર્વજનિક પુસ્તકાલય, દાહોદના સંયુક્ત ઉપક્રમે આજરોજ એક દિવસીય ગ્રંથાલય સેમિનાર યોજાયો હતો. દાહોદ ભવનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વી.એમ.પારગી ( IPS, નિવૃત્ત ADGP) એ અધ્યક્ષ સ્થાન શોભાવ્યું હતુ. મુખ્ય મહેમાનો અને તજજ્ઞ વક્તાઓ તરીકે ગુજરાત રાજ્યના ગ્રંથાલય નિયામકશ્રી ડૉ. પંકજભાઈ ગોસ્વામી, સેક્શન ઓફીસરશ્રી અમિતભાઈ સંગાડા, વડોદરા વિભાગના મદદનીશ ગ્રંથાલય નિયામક શ્રીમતિ વી.એલ.ભમાત ઉપસ્થિત રહ્યા હતા.
ભવનના મંત્રી શ્રી સી.આર. સંગાડાએ સ્વાગત કર્યું હતું. દીપ પ્રાગટય બાદ દક્ષાબેન શેઠ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સૌ વક્તાઓએ જીવનમાં અને કારકિર્દી ઘડતરમાં પુસ્તકો અને ગ્રંથાલયની ઉપયોગીતા સમજાવી હતી. તથા વિદ્યાર્થીઓ અને યુવાઓને વધુમાં વધુ સમય પુસ્તકાલયમાં ગાળવા માટે આહવાન કર્યુ હતુ અને દાહોદ લાઈબ્રેરીના પુસ્તકો માટે દોઢ લાખ રૂપિયા સરકારી સહાય આપવાની જાહેરાત કરી હતી.
આ સેમિનારમાં ભવનના કન્વિનર શ્રી એફ.બી. વહોનીયા, GST આસિસ્ટન્ટ કમિશ્નર કુંજલતાબેન પરમાર, નિવૃત્ત મામલતદાર શ્રી રૂપેશભાઇ ગરોડ, ભગિની સમાજ દાહોદના સંચાલક શ્રીમતિ હેમાબેન શેઠ, શિક્ષણ જગતના આગેવાન શ્રી ગોપાલભાઈ ધાનકા, ભવનના ટ્રસ્ટીઓ, મેનેજમેન્ટ ટીમના સભ્યો, જિલ્લાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આભાર દર્શન શ્રી સુરેશભાઈ મેડાએ કર્યુ હતુ.