રાજેશ વસાવે :- દાહોદ
*ગરીબ કલ્યાણ મેળા – ૨૦૨૪ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
*કોઈ લાભાર્થી વંચિત રહી ન જાય તેની ખાસ તકેદારી રાખવી-જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે*
દાહોદ તા. ૩૧
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને ગરીબ કલ્યાણ મેળાના પૂર્વ આયોજન અંતર્ગત જિલ્લાના સંબંધિત તમામ અધિકારીશ્રીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી બેઠક યોજવામાં આવી હતી.
કોઈપણ લાભાર્થી લાભથી વંચિત રહી ન જાય તેની તકેદારી રાખવા સૂચના આપતાં કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ કહ્યું હતું કે, તમામ વિભાગોએ પોતાના તરફથી કરવામાં આવતી કામગીરીને વહેલી તકે પૂર્ણ કરી પાત્રતા ધરાવતા લોકોનો સર્વે કરી આવનાર ગરીબ કલ્યાણ મેળામાં પાત્રતા ધરાવતા તમામ લોકોને લાભ મળી રહે તેની ઝડપથી જોગવાઈ કરવી.
સરકારશ્રી દ્વારા આપવામાં આવતી દિવ્યાંગ સહાય યોજના, બસ પાસ યોજના, વિધવા સહાય, વાજપાઇ બેંકેબલ યોજના, માનવ કલ્યાણ યોજના, સ્માર્ટ ફોન યોજના, પી. એમ. સ્વનિધિ યોજના, આવાસ યોજના, ગ્રુપ નર્સરી, આયુષ્યમાન કાર્ડ, મહિલા ઉત્કર્ષ યોજના જેવી તમામ યોજનાઓ લોકોને મળી રહે તે માટે લાભાર્થીઓની યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી.
આ સાથે કલેકટરશ્રીએ વરસાદના કારણે લોકોને થયેલા નુકસાન અંગે પણ તમામ અધિકારીશ્રીઓને નુકસાનીને ધ્યાને લઇને જે કઈ ચુકવણું કરવાનું થતું હોય તે વહેલામાં વહેલી તકે થઇ જાય અને તાત્કાલિક અને યુદ્ધના ધોરણે કામગીરી કરવા ઉપરાંત રોડ – રસ્તા પેચવર્કની પણ કામગીરી ઝડપથી થાય એ માટે તકેદારી રાખવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી બી. એમ. પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મીતેશ વસાવા,નાયબ કલેકટર શ્રી ગૌતમ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલીંદ દવે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાઠવા, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ,નગરપાલિકા ચીફઓફિસર શ્રીઓ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પ્રથિક દવે,નાયબ પશુપાલન નિયામક શ્રી કમલેશ ગોસાઇ,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય ટીલાવત,જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસ.એલ.દામા,જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આરત બારિયા,સહિત મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ ઉપરાંત તમામ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦