રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના એમજી રોડ પર પાંચ માળની બિલ્ડિંગ પર ફસાયેલા અસ્થિર મગજના યુવકનું ફાયર અને પોલીસ દ્વારા રેસ્ક્યુ…
દાહોદ તા. ૨૮
દાહોદ શહેરના એમ.જી રોડ વિસ્તારમાં પાંચ માળની બિલ્ડીંગમાં અસ્થિર મગજનો વ્યક્તિ પાંચમા માળે ચઢ્યા બાદ બારી દ્વારા ઉતરતી વખતે ફસાઇ જતાં ચકચાર મચી ગયો હતો. જે બાદ પોલીસ અને ફાયર ની ટીમો દ્વારા ખૂબ જ કાળજીપૂર્વક દોરડા અને નિસરણી દ્વારા દિલ ધડક ઓપરેશન કરી આ અસ્થિર મગજના યુવકને હેમખેમ ઉતારી લેતા તો કોઈએ હાસકારો અનુભવ્યો હતો. દરમિયાન ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકટોળા ભેગા થઇ ગયા હતાં.જોકે અસ્થિર મગજનો આ યુવક મધ્યપ્રદેશનો વતની હોવાનું જાણવા મળ્યુ છે.
પ્રાપ્ત વિગત અનુસાર મધ્યપ્રદેશના શેડોલ ગામનો વતની મોતીલાલ નામક એક અસ્થિર મગજનો યુવક છેલ્લા છેલ્લા બે ત્રણ દિવસથી એમજી રોડ વિસ્તારમાં આટા ફેરા મારી રહ્યો હતો.ત્યારે આજરોજ ઉપરોક્ત મોતીલાલ હુસામી મહોલ્લામાં આવેલા ફકરી એપાર્ટમેન્ટ તક જોઇ ઉપર ચઢી ગયો હતો ત્યાંથી તે ઇબ્રાહીમ એપાર્ટમેન્ટ ઉપર આવ્યો હતો.જે બાદ પાંચ માળના આ એપાર્ટમેન્ટના પાંચમાં માળના ફ્લેટની બારી ઉપરથી નીચે ઉતરતા સમયે તે ફસાઈ ગયો હતો.આ ઘટનાની જાણ થતાં એપાર્ટમેન્ટના રહિશો સાથે વિસ્તારના લોકોમાં થતા લોકોના ટોળા ભેગા થયા હતા. અને ઘટનાની જાણ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર ઓફિસર દીપેશ જૈન તેમજ ફાયરના લાસ્કરોએ ઉપરોક્ત મોતીલાલનો રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.ઇબ્રાહીમ એપાર્ટમેન્ટના પાંચમે માળે ચઢીને તેનું ધ્યાન ભટકાવી દોરડુ બાંધીને ફાયરના એક કર્મચારીને નીચે ઉતારવામાં આવ્યો હતો.કર્મચારીએ સાથે લઇ જવાયેલું દોરડુ કુનેહ પૂર્વક મોતીલાલની કમરમાં બાંધી દેવામાં આવ્યુ હતું. ત્યાર બાદ ભારે જહેમતથી અસ્થિર મગજના મોતીલાલને ઉપર ખેંચી લેવામાં આવ્યો હતો.
આમ ફાયર વિભાગ અને પોલીસે પાંચમા માળે ફસાયેલા અસ્થિર મગજના યુવકને બચાવી લીધો હતો. જે બાદ ઘટના સંબંધે એ ડિવિઝન પોલીસે શેડોલ પોલીસનો સંપર્ક કરીને તેના લાગતા વળગતા પરિવારજનોની શોધખોળ આદરી હતી હાથ ધરી છે.