રાજેશ વસાવે :- દાહોદ
- *સંગીત ક્ષેત્રે જાણીતા દાહોદના બે યુવા કલાકાર બંધુઓએ મુંબઈ ખાતે કાર્યરત સંગીત અકાદમી સાથે જોડાઈ પોતાની કળામાં નામ રોશન કર્યું*
મૂળ દાહોદના મુંબઈ સ્થિત કલાકાર ભૂપેન્દ્ર રાય, જાણીતા ગાયક શંકર મહાદેવનના હસ્તે સન્માનિત થયા*
પિતા અને ત્રણેય સંતાનો મળી એક જ પરિવારના ચાર લોકો સંગીત વિશારદ થયા હોય તેવી વિરલ સિદ્ધિ દાહોદના રાય પરિવારે પ્રાપ્ત કરી છે
દાહોદ, તા.18
હાલ મુંબઈ સ્થિત મૂળ દાહોદના બે કલાકાર બંધુઓએ મુંબઈ ખાતે સંગીતના ક્ષેત્રે તજજ્ઞ તરીકે પોતાની કળા દર્શાવી દાહોદનું નામ રોશન કર્યું છે અને તે પૈકી એક ભાઈને તાજેતરમાં તા.6 ઓગસ્ટે સુપ્રસિદ્ધ બોલીવુડ ગાયક કલાકાર શંકર મહાદેવનના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા છે.
અદ્દભુત કક્ષાના પ્રદર્શન થકી વર્ષોવર્ષથી દાહોદભરમાં તબલાવાદક તરીકે જાણીતા લખનલાલ રાયના હાલ મુંબઈ સ્થિત શશીકાંત રાય અને ભૂપેન્દ્ર રાય નામે બંને દીકરાઓએ સંગીતના અલગ અલગ ક્ષેત્રે દાહોદનું નામ રોશન કર્યું છે.
આરંભથી જ પોતાના પિતાની સાથે રહી બંને ભાઈઓ અભ્યાસની સાથેસાથે અનુક્રમે તબલા અને ગાયકીમાં પારંગતતા મેળવતા ગયા. બાદમાં તેઓએ આગળ વધતાં એ ક્ષેત્રે વિશારદની સિદ્ધિ પ્રાપ્ત કરી. જે પૈકી મોટાભાઈ શશીકાંત રાયે હાર્મોનિયમમાં સંગીત વિશારદની સિદ્ધિ મેળવી અને બાદમાં તેઓ સિતાર અને તબલા બંને વિદ્યાઓમાં પારંગત એવા ખૂબ જાણીતા ભારતીય કલાકાર નયન ઘોષની ‘સંગીત મહાભારતી અકાદમી’માં સંગીત પ્રોફેસર તરીકે કાર્યરત છે. તો નાનાભાઈ ભૂપેન્દ્ર રાયે, પોતાના દાહોદ ખાતેના વસવાટ દરમ્યાન વોકલમાં જિલ્લા અને રાજ્ય કક્ષાની અનેક સ્પર્ધાઓમાં અગ્રીમ ક્રમ મેળવ્યા બાદ જયપુર ખાતે પોતાના ગમતા ક્ષેત્રે વધુ નિપુણતા મેળવી હતી. અને ત્યારપછી તેઓએ મુંબઈ યુનિવર્સિટીમાંથી ગાયકીની માસ્ટર ઈન પર્ફોર્મિંગ આર્ટ્સની (MA)ડિગ્રી મેળવી છે અને હાલમાં તેઓ ભારતના જાણીતા ગાયક શંકર મહાદેવનની ‘શંકર મહાદેવન અકાદમી’માં સંગીત પ્રોફેસર તરીકે કાર્યરત છે.
ઉલ્લેખનીય છે કે આ યુવા કલાકાર બંધુઓ શશીકાંત રાય અને ભૂપેન્દ્ર રાયના પિતા લખનલાલ રાયે પણ આશરે બે દાયકા પૂર્વે તબલાવાદનમાં વિશારદ કરેલું છે. તો લખનલાલની દિકરી સંગીતા રાયે પણ વોકલમાં વિશારદની સિદ્ધિ મેળવી છે. આમ એક જ પરિવારના ચાર- ચાર વ્યકિતઓ સંગીત ક્ષેત્રે વિશારદ થયા હોય તેવું વિરલ દ્રષ્ટાંત દાહોદ ખાતે નોંધાયું છે.