રાજેશ વસાવે :- દાહોદ
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
મતદાન જાગૃત્તિ અર્થે દાહોદમાં ‘રન ફોર વોટ’ થકી મતદાન જાગૃત્તિનો સંદેશો પ્રસરાવ્યો
જિલ્લાના તમામ મતદારોને ૭ મી મે ના રોજ અચૂક મતદાન કરવાનો અનુરોધ કરતા દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડે
દાહોદ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડે દ્વારા લીલી ઝંડી બતાવી રેલીનું પ્રસ્થાન કરાયું
દાહોદ તા. ૫
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ ને ધ્યાને રાખી દાહોદ જિલ્લામાં વધુ મતદાન થાય તે હેતુથી TIP (Turnout implementation Plan) હેઠળ વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ કાર્યરત છે. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે દાહોદ જિલ્લામાં લોકોમાં મતદાન જાગૃત્તિ આવે તે હેતુથી દાહોદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેથી ‘રન ફોર વોટ’ નું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેએ જણાવ્યુ હતું કે, આગામી તા.૦૭ મે, ૨૦૨૪ ના રોજ દાહોદ જિલ્લાના તમામ મતદારોએ લોકશાહીને મજબૂત બનાવવા વધુમાં વધુ સંખ્યામાં પોતાનો અમૂલ્ય મત આપી ફાળો આપવો એમ કહેતા તેમણે ઉપસ્થિત તમામ રનવીરોને સંબોધતાં ઉમેર્યું હતું કે, ઈલેક્શન કમિશનનો સો ટકા મતદાન કરવા માટેનો મેસેજ તમામ મતદારો સુધી પહોંચે તેમજ તેઓ મતદાન માટે પ્રેરિત થાય તે માટેનું આ કાર્ય છે.
દાહોદમાં આવેલ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેએ લીલી ઝંડી બતાવી આ ‘ રન ફોર વોટ ‘ કાર્યક્રમનું પ્રસ્થાન કરાવ્યું હતું. દેશના વિકાસ માટે મતદાન, આપકા મતદાન-લોકતંત્રની જાન, મતદાન એ મહાદાન તેમજ યુવાશક્તિના છે ત્રણ કામ – શિક્ષણ, સેવા અને મતદાન જેવા મતદાન જાગૃતિને લગતા પોસ્ટર્સ સાથે નીકળેલી આ રન ફોર વોટ સીટી ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન થઇ યાદગાર ચોક, ભગીની સમાજ, એમ. વાય. હાઈસ્કૂલ તેમજ વિશ્રામ ગૃહ થઈને ફરીથી સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આવીને સંપન્ન થઇ હતી.
” રન ફોર વોટ ” કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પોલીસ અધિક્ષકશ્રી ડો.રાજદીપસિંહ ઝાલા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીસુશ્રી હેતલ વસૈયા, મદદનીશ ચૂંટણી અધિકારીસુશ્રી નિલાંજસા રાજપૂત, મામલતદાર શ્રી મનોજ મિશ્રા, મામલતદાર શ્રી વાળા, સહિત સંકલનના અધિકારી શ્રીઓ ,નાયબ મામલતદાર શ્રીઓ નગરજનો અને બાળકોએ ‘ રન ફોર વોટ ‘ ના કાર્યક્રમમાં જોડાઇ નાગરિકોને અચૂક મતદાનનો સંદેશ પૂરો પાડ્યો હતો.
૦૦૦