એક મહિના બાદ પુનઃ કમોસમી માવઠાથી ખેડૂતોને નુક્સાનીના ઓથાર હેઠળ ચિંતાના વાદળો છવાયા
દાહોદમાં 1 ઇંચ વરસાદ ખાબકતાં તાપમાન ત્રણ ડિગ્રી ગગડયુંઃ પતંગ બજારને વ્યાપક નુકસાન
5 તાલુકામાં ભારે વરસાદ , 4 તાલુકામાં હળવું ઝાપટું કે છાંટા જ પડ્યા..
સૂસવાટા મારતા પવને ઘઉ – મકાઇ આડા પાડી દીધા..
દાહોદ તા.11
દાહોદ જિલ્લામાં મંગળવારની રાત્રેના વાગ્યાના 11અરસામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ રાતથી માંડીને બુધવારની પરોઢના 10 વાગ્યા સુધીના 8 જ કલાકમાં દાહોદ જિલ્લો પુનઃ એક વખત કમોસમી માવઠાથી ધ્રુજી ઉઠ્યો હતો.ગાજવીજ સાથે થયેલા માવઠા અને સૂસવાટા ભર્યા પવનોએ જિલ્લાના 5 તાલુકામાં પુનઃ એક વખત નુકસાન કર્યુ હતું. જેમાં ખેતરોમાં ઘઉં અને મકાઇનો પાક આડો પડી જતાં ખેડુતો ઠંડી નહીં પણ પાક નુકસાનીના ભયથી ધ્રુજી ઉઠ્યા છે. જયારે અચાનક આવેલા વરસાદથી પતંગ બજારમાં પણ દોડાદોડ થઇ ગઇ હતી. જોકે તે પહેલા જ વરસાદે દોરા સુતનારા અને પતંગના વેપારીઓને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.પતંગ અને દોરાનો જથ્થો પલળી જતાં લોકોને નુકસાન થયુ હતું.દાહોદ સહિત તાલુકામાં રાત્રે 11 વાગ્યાના અરસામાં ત્રણ મિમી વરસાદ વરસ્યા બાદ પરોઢે 6થીમાંડીને 10
વાગ્યા સુધી 22 મિમી વરસાદ વરસી ગયો હતો. તો આઠ જ કલાકમાં એક ઇંચ વરસાદ પડી જતાં અહીં પણ એમપીએમસીમાં અનાજ પલડવા સાથે ખાસ કરીને પતંગ-દોરીનો વેપાર કરવા લગાવેલા તંબુ પલડતાં વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડયુ હતું. દાહોદ સાથે દેવગઢ બારિયા, ગરબાડા, ધાનપુર અને લીમખેડામાં પણ 3થી માંડીને 9 મિમી સુધી વરસાદ નોંધાયો હતો. જ્યારે સંજેલી, ઝાલોદ, સિંગવડ અને ફતેપુરા તાલુકામાં ક્યાંક એકાદ ઝાપટુ તો ક્યાંક છાંટા નોંધાયા હતાં. બુધવારે પણ આખો દિવસ તડકા છાયડાની રમત જોવા મળી હતી. પરંતુ સ્વચ્છ આકાશને કારણે વરસાદ આવે તેવા ઓછા અણસાર જણાયા હતાં.ડિસે.માં તા. 2 અને 4 કમોસમી માવઠાએ લોકોને ચિંતાતુર કર્યા હતાં ત્યારે હવે 38 દિવસ બાદ ફરીથી કમોસમી માવઠુ આફત રૂપ સાબિત થયુ હતું. માવઠાને કારણે હવે ઠંડીની તિવ્રતા પણ વધે તેમ જોવાઈ રહ્યુ છે.
દાહોદમાં દિવસના તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો
દાહોદમાં મંગળવારે દિવસનું તાપમાન 25 ડિગ્રી નોંધાયુ હતું. ત્યારે બુધવાર રાતથી વાતાવરણ બદલાયા બાદ કમોસમી માવઠાથી દિવસના તાપમાનમાં ઘટાડો થયો હતો. બુધવારનું દિવસનું તાપમાન 22 ડિગ્રી નોંધાયુ હતું. એક જ દિવસમાં વાતાવરણમાં 3 ડિગ્રીનો તફાવત જોવા મળ્યો હતો. બીજી તરફ મંગળવારની રાત્રે વરસાદથી ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી પહોંચ્યો હતો જ્યારે બુધવારની રાત્રે આ પારો 15 કે 16 ડિગ્રી રહેશે
જિલ્લામાં કયાં કેટલો વરસાદ નોંધાયો.
દાહોદ 25 મિમી બારિયા 9 મિમી ગરબાડા ૩ મિમી ધાનપુર 7 મિમી લીમખેડા 3 મિમી.