લીમખેડા તાલુકાના ચિલાકોટા ગામમાં શિકારની શોધમાં આવેલો દીપડો એક રહેણાંક મકાનમાં પુરાઈ ગયો હતો. દીપડો અચાનક ગામમાં ભરાઈ જતા ગામલોકોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે. દીપડો આવ્યાની જાણ ગ્રામજનો સહીત પંથકમાં વાયુવેગે પ્રસરી જતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ધસી આવ્યા હતા.
કોરોના મહામારી ના કારણે લોકડાઉનની પરિસ્થિતિની વચ્ચે માનવ જાત ઘરમાં પુરાવા મજબુર બન્યો છે. ત્યારે પશુ પંખીઓ સહીત વન્યજીવો મુક્તપણે વિચરણ કરી રહ્યા છે.ત્યારે અફાટ વિશાળ વનરાજીમાં ફેલાયેલા દાહોદ જિલ્લામાં જંગલમાં દીપડા, રીછ સહીતના જંગલી જાનવરો અવારનવાર વિચરણ કરતા માનવ વસાહતોમાં આવી ચડે છે. ત્યારે દાહોદ જિલ્લામાં દીપડાના હુમલાઓ સહીતના સંખ્યાબંધ બનાવો ભૂતકાળમાં બનવા પામ્યા છે. ત્યારે આજરોજ લીમખેડા તાલુકાના ચિલાકોટા ગામના મેડી ફાળિયાના રહેવાસી ભુરીયા રામસીંગભાઈ માનસિંગ ભાઈ ના મકાનમાં આજરોજ બપોરના સુમારે ખોરાકની શોધમાં દીપડો આવી જતા બુમાબુમની વચ્ચે નાસભાગ મચી જવા પામી હતી. જોકે ગભરાયેલો દીપડો બારીમાંથી મકાનમાં ઘુસવા જતા બારીમાં ફસાઈ ગયો હતો.ગભરાયેલા ગ્રામજનોએ આ બાબતે વનવિભાગને જાણ કરતા લીમખેડા રેન્જના એસીએફ ઋતુરાજ પુવાર સહીતના કાફલો ચિલાકોટા દોડી આવ્યો હતો. અને થોડીક વારની જહેમત બાદ દીપડો બારીમાંથી મુક્ત બની ઘરમાં પુરાઈ જતા વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.