આફતરૂપી માવઠું..દાહોદ જિલ્લામાં છ સ્થળે વીજળી પડતા ચાર વ્યક્તિઓ તેમજ 8 અબોલ પશુઓના મોત.

Editor Dahod Live
2 Min Read

આફતરૂપી માવઠું..દાહોદ જિલ્લામાં છ સ્થળે વીજળી પડતા ચાર વ્યક્તિઓ તેમજ 8 અબોલ પશુઓના મોત.

દાહોદ જિલ્લામાં દેવગઢબારિયા,લીમખેડા, ઝાલોદ,દાહોદ તેમજ ધાનપુર વિસ્તારમાંથી વીજળી પડવાના બનાવો સામે આવ્યા…

દાહોદ તાં.27

દાહોદ જિલ્લામાં રવિવારે રજાના દિવસે રાજ્યના હવામાન વિભાગની આગાહી સાચી પડી હતી.પંથકમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીમાં એકંદરે ઘટાડો જોવા મળ્યો હતો તો બીજી તરફ બપોર બાદ આફતરૂપી બનીને આવેલો કમોસમી માવઠો કેટલાક કમનસીબ વ્યક્તિઓ તેમજ અબોલ પશુઓ માટે જીવલેણ સાબિત થયો હતો.જેમાં દાહોદ તાલુકાના ઉચવાણીયા ગામના રાજુભાઈ ભુરીયાનું આકાશી વીજળી પડતા મોત નીપજ્યું હતું જ્યારે આજ ગામમાં ત્રણ ભેસો પર વીજળી પડતા મોત નીપજ્યું હતું.તો બીજી તરફ ખરોદા ગામે ગામતળ ફળિયામાં નિનામા નવલસિંહ ભાઈ પુંજાભાઈ ના એક બળદ અને એક બકરા પર વીજળી પડતા બંને પશુઓના મોત નીપજ્યા હતા. તો દાહોદ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ચાકલીયા તળાવા નીનામાં ફળિયાના 55 વર્ષીય વીરસિંગ હીરાભાઈ નીનામા તેમજ દેવગઢબારિયા તાલુકાના વાંદરીયા હોળી ફળિયાના બારીયા બાબુભાઈ ગમાભાઈ પર આકાશી વીજળી પડતા તેઓનું મોત નીપજવા પામ્યું હતું.જયારે લીમખેડા તાલુકાના ઝેર જીતગઢ ગામે એક વ્યક્તિનું તેમજ દેવગઢબારિયા તાલુકાના ઉંચવાણ ગામે ત્રણ ભેંસો ઉપર આકાશી વીજળી પડતા મોતને ભેટ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

 આમ રાજ્યના હવામાન વિભાગના આગાહીના પગલે દાહોદ જિલ્લામાં પડેલા કમોસમી માવઠાના લીધે છ જુદી-જુદી જગ્યાએ પડેલી આકાશી વીજળીથી 4 વ્યક્તિઓ તેમજ 8 જેટલા અબોલ પશુઓના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.

 

Share This Article