*દાહોદ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં માર્ગમાં અવરોધરૂપ દબાણો ઉપર વહીવટી તંત્રના સરકારી બુલડોઝરો ફરી વળ્યાં…*મેગા ડિમોલીશનની કામગીરી યથાવત:કાચા પાકા દબાણો પણ બુલડોઝર ચાલતા લઘુમતી પરિવારો ઘર વિહોણા બન્યા..*

Editor Dahod Live
5 Min Read

*મેગા ડિમોલીશનની કામગીરી યથાવત:કાચા પાકા દબાણો પણ બુલડોઝર ચાલતા લઘુમતી પરિવારો ઘર વિહોણા બન્યા..*

*દાહોદ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં માર્ગમાં અવરોધરૂપ દબાણો ઉપર વહીવટી તંત્રના સરકારી બુલડોઝરો ફરી વળ્યાં…*

 *માર્ગમાં અવરોધ રૂપ દબાણો ઉપર બુલડોઝર ચાલતા દુકાનદારો તેમજ મકાન માલિકો ચૌધાર આંસુએ રડતા જોવા મળ્યા.*

દાહોદ તા.15

દાહોદ શહેરમાં આજે પણ વહીવટી તંત્ર દ્વારા જુદા-જુદા વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા વહેલી સવારથી શરૂ થયેલી ડિમોલીશનની કામગીરી મોડી સાંજ સુધી ચાલી હતી. જેમાં કાચા પાકા મકાનો તેમજ દુકાનો પર સરકારી બુલડોઝર ચાલતા જમીન દોસ્ત થઈ જવા પામ્યા હતા. જોકે આ કામગીરી દરમિયાન કેટલાક ચકમકના દ્રશ્યો સર્જાયા હતા. જયારે કેટલાક નાના પરિવારો વિસ્થાપિત થઇ જવા પામ્યા હતા. તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ હટાવ કામગીરી દરમિયાન દબાણકર્તાઓ તેમના દુકાન અને મકાનનો સમાન ઉતાવળે કાઢતા જોવા મળ્યા હતા.તો બીજી તરફ પોતાની જીવનભરની પુંજી છીનવાઈ જતા કેટલાક વિસ્થાપિતો ચૌધાર આંસુએ રડતા જોવા મળ્યા હતા. અને પોતાનું સર સમાન રોડ પર મૂકી દીધા હતા. ત્યારે હવે પોતાના પરિવારજનોને લઇ ક્યાં આશરો લેશે તે પણ સવાલ ઉભો થવા પામ્યો છે..

*લઘુમતી વિસ્તારમાં કાચા પાકા દબાણો પર સરકારી બુલડોઝર ચાલ્યું: મોટાભાગના પરિવારો ઘરવિહોણા થતા ચૌધાર આંસુએ રડતા જોવા મળ્યા.*

 

 વહીવટી તંત્ર દ્વારા વહેલી સવારે શહેરના બિરસા મુંડા સર્કલ પર આવેલી નગીના મસ્જિદ ખાતે જેસીબી ની ફોજ ઊભી કરી દીધી હતી અને રસ્તામાં અવરોધ રૂપ કાચા પાકા મકાનોને તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં નગીના મસ્જિદ વાળી લાઈનમાં સંખ્યાબંધ દુકાનો તેમજ તેમની પાછળ આવેલા કાચા પાકા મકાનોનો ખુરદો બોલાવવામાં આવ્યો હતો.જેના પગલે આ વિસ્તારમાં વસતા મોટી સંખ્યામાં લઘુમતી પરિવાર બેઘર થવા પામ્યા હતા.તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં અત્રે વસતા નાના અને મધ્યમ પરિવારો પોતાનું સામાન રોડ પર મૂકી પોતાની જીવનભરની પુંજીને બરબાદ થતા અશ્રુ ભરી નજરે જોઈ રહ્યા હતા.તેમની સાથે સાથે અહીંયાના કેટલાક પરિવારો ચૌધાર આંસુએ પણ રડતા જોવા મળ્યા હતા. આજરોજ આ વિસ્તારમાં હાથ ધરવામાં આવેલી ડિમોલીશન કામગીરીમાં વિસ્થાપિત થયેલા પરિવારો ભાટવાડા સરકારી કન્યા આશ્રમમાં આશરો લેવા મજબૂર બન્યા છે.

*ચકલીયા રોડ તેમજ મંડાવ રોડ થી રળીયાતી રોડ સુધીના વિસ્તારોમાં સરકારી બુલડોઝરે સંખ્યાબંધ દબાણો જમીન દોસ્ત કર્યા..*

 

 શહેરના નગીના મસ્જિદવાળી લાઈનમાં દબાણ હટાવ કામગીરી હાથ ધરાયા બાદ વહીવટી તંત્ર જેસીબી અને અન્ય સંસાધનો લઈને શહેરના ચાકાલિયા રોડ વિસ્તારમાં આવેલા નગરપાલિકાના શોપિંગ સેન્ટરોની આગળના ભાગમાં માર્ગમાં અવરોધ રૂપ ઓટલાઓ તેમજ ઝુકાટો દૂર કર્યા હતા. ત્યારબાદ વહીવટી તંત્ર તમામ સરંજામ લઈ માંડવ ચોકડી ખાતે પહોંચ્યા હતા ત્યાંથી એ.પી.એમ.સી.ની સામેવાળી લાઈનમાં આવેલા સંખ્યાબંધ દુકાનો તેમજ મકાનો ના આગળના ઓટલાઓ તેમજ ઝૂકાટો તોડી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ રળીયાતી થી ઇન્દોર હાઇવે સુધીના માર્ગમાં આવતા પાકા દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે મોડી સાંજ સુધી ચાલી હતી.

 

 *નગીના મસ્જિદનો દબાણમાં આવતો ભાગ તોડવા માટે વહીવટી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરતા સામાન્ય ચકમકના દ્રશ્યો સર્જાયા: મુસ્લિમ અગ્રણીઓએ સ્વેચ્છાએ મસ્જિદનું દબાણ દૂર કરવાની કામગીરીમાં જોતરાયા*

 વહીવટી તંત્ર દ્વારા શહેરના ભાટવાડા સ્કૂલની સામેના ભાગે આવેલા દબાણ ઉપર સરકારી બુલડોઝર ચાલ્યું હતું. જેમાં માર્ગમાં અવરોધ રૂપ આવતી ત્રણ પીરવાળી દરગાહ સરકારી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી હતી. ત્યારબાદ નગીના મસ્જિદનો ભાગ પણ રોડના કામ અર્થે લેવામાં આવતો હોવાથી તંત્ર દ્વારા તેને પણ તોડી પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી.તે સમયે મુસ્લિમ અગ્રણીઓ દ્વારા તંત્રના અધિકારીઓ સામે ઉગ્ર રજૂઆતો કરી હતી અને તેઓએ જણાવ્યું હતું કે આ વકફ બોર્ડની જગ્યા છે ખાનગી મિલકત છે. તેવી બાબતોને લઇ સામાન્ય ચકમકના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારબાદ તંત્ર દ્વારા આ મિલકત અંગે દસ્તાવેજો રજૂ કરવા થોડોક સમય આપવામાં આવ્યો હતો. પરંતુ તેમાં કેટલીક વિસંગતતાઓ સામે આવી હોવાનું કહેવાતા તંત્ર દ્વારા પુનઃમસ્જિદનો દબાણનો ભાગ તોડી પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી તે સમયે મસ્જિદના જવાબદારો તેમજ મુસ્લિમ અગ્રણીઓ દ્વારા તંત્રના અધિકારીઓને રજૂઆત કરી હતી કે આ મુસ્લિમ સમાજનું ઈબાદતનું ઘર છે. જેની સાથે મુસ્લિમ સમાજની આસ્થા જોડાયેલી છે.આ ધાર્મિક સ્થળ પર સરકારી બુલડોઝર ચાલશે તો આસ્થામાં અવરોધ ઉભો થશે જેથી અમે તોડીને આપીશું તો તે શહીદ તરીકે ગણાશે. અને તમામ મુસ્લિમ બિરાદરોની આસ્થાને ઠેસ પહોંચશે. જેથી અમો આ મસ્જિદનું દબાણ વાળો ભાગ સ્વેચ્છાએ દૂર કરવા સંમત છીએ તેમ જણાવતા વહીવટી તંત્ર દ્વારા તેઓને આ દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવા મંજૂરી આપતા મુસ્લિમ સમાજના બિરાદરો મસ્જિદના દબાણમાં આવતી દુકાનો સ્વેચ્છાએ તોડવાની શરૂઆત કરી હતી.

Share This Article