*
આજના જમાનામાં યુવાનોમાં ફાસ્ટફૂડનું વ્યાપક ચલણ વધ્યું છે એનાથી યુવાનો આરોગ્ય સંબંધિત વિવિધ રોગોના શિકાર બની રહ્યા છે.આરોગ્ય સંબંધી વધતી સમસ્યાઓને ધ્યાને લઇ વિશ્વમા જનજાગૃતિ લાવવા વિશ્વ આરોગ્ય સંસ્થાએ આંતરરાષ્ટ્રીય બરછટ અનાજ વર્ષ જાહેર કર્યું છે.ત્યારે આદિવાસી સમાજના સામાજિક યુવા કાર્યકર્તા લિનય પટેલ દ્વારા યુવાનોમાં એક નવો ચીલો ચાતરતા ભવ્ય આદિવાસી સંસ્કૃતિ અને આરોગ્યપ્રદ આદિવાસી ખોરાકને ઉજાગર કરવા નવી ફૂડવાનની વાલોડ તાલુકાના બુહારી ગામે શરૂઆત કરી હતી.જેમાં ઉદ્ઘાટક તરીકે સમસ્ત આદિવાસી સમાજના ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે ડો.પ્રદીપભાઈ ગરાસિયા અને અતિથિ વિશેષ તરીકે ડો.નિરવ પટેલ,લાલસીંગ ગામિત,ભુપેન્દ્ર ચૌધરી,રાજુ પટેલ,કુંજન ઢોડિયા,નરેન ચૌધરી,પ્રકાશ ચૌધરી,પ્રતિક ચૌધરી,મનીષ શેઠ,બંટી ઢોડિયા,જયદીપ રાઠોડ,દલપત પટેલ,કીર્તિ પટેલ,મિન્ટેશ પટેલ,ભાવિક પટેલ,મુકેશ પટેલ, ચંદ્રકાન્ત પટેલ,કાર્તિક પટેલ,મયુર ચૌધરી સહિત આદિવાસી સમાજના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.ફૂડવાનના માલિક લિનય પટેલ દ્વારા મહેમાનોને નાગલીના લોટનું ખીચું,ઢોકળા,શિરો સહિતની ચટાકેદાર વાનગીઓ જમાડીને મહેમાનોને આરોગ્યપ્રદ સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ ચખાડ્યો હતો.ડો.પ્રદીપભાઈ ગરાસિયાએ મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યું હતું કે આજના યુવાનો પોતાની યુવાની ખોટા મોજશોખના રવાડે વેડફે છે ત્યારે આ યુવાન લિનયે નોકરીની શોધમાં સમય બગાડવા કરવા કરતા ખુબ નાની ઉંમરે ધંધા રોજગાર તરફ ધ્યાન આપી આત્મનિર્ભર ભારતનો ભાગ બની સમાજને એક નવી રાહ ચીંધી છે અને લિનયની પહેલ પરથી સમાજના અન્ય યુવાનો પણ ધંધા રોજગારના ક્ષેત્રમાં આગળ આવી આર્થિક રીતે પગભર બની સમાજની પ્રગતિમા ભાગીદાર બને એ આજના સમયની માંગ છે