
ગૌરવ પટેલ :- લીમખેડા
લીમખેડા તાલુકાના ટીંબા ગામની પરણીતાએ સાસરિયાંઓના ત્રાસથી બે બાળકો સાથે ઉમરીયા ડેમમાં મોતની છલાંગ લગાવી..
બંને બાળકીના મૃતદેહ મળ્યા:પરણીતાના મૃતદેહની શોધખોળ માટે એનડીઆરએફની મદદ લેવાઈ
સાસરીયાઓના ત્રાસથી વાજ આવેલ પરણિતાએ વહાલ સોયા બે સંતાનો સાથે ડેમમાં ઝંપલાવતા ત્રણેયના મોત..
સ્થાનીક તરવૈયાઓએ બંન્ને માસુમ બાળાઓના મૃતદેહ ડેમમાંથી બહાર કાઢ્યાં:વડોદરાની એન.ડી.આર.એફ.ની ટીમ દોડી આવી..
દાહોદ તા.૨૦
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ ઉમરીયા ડેમમાં એક માતાએ પોતાના સાસરીયાઓના ત્રાસથી વાજ આવી પોતાના બે સંતોનો સાથે ડેમમાં ઝંપલાવતા ત્રણેયના મોત નિપજયાનું જ્યારે હાલ બંન્ને બાળકોના મૃતદેહ મળી આવ્યા છે પરંતુ હાલ સુધી માટેની કોઈ ભાળ મળી નથી ત્યારે ફાયર ફાઇટરની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓ દ્વારા માતાની શોધખોળ આદરી છે ત્યારે એનડીઆરએસ ની ટીમને પણ બોલાવવામાં આવી હોવાનું કહેવાય છે. ઘટનાને પગલે ગ્રામજનોમાં ગ્રામજનોમાં ચકચાર મચી જવા પામી હતી ત્યારે ઘટના સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા.
લીમખેડા તાલુકાના ટીંબા ગામે રહેતાં જયાબેન કલ્પેશભાઈ બારીયા (આશરે ઉ.વ.૩૦) ને તેના સાસરી પક્ષના ત્રાસથી અને અવાર નવાર થતાં પારિવારીક ઝઘડા, તકરારના કારણે પરણિતા જયાબેન કંટાળી ગયાં હતાં ત્યારે આજરોજ સાસરીયાઓના ત્રાસથી વાજ આવેલ જયાબેને પોતાની બે પુત્રીઓ પ્રજ્ઞાબેન (ઉ.વ. ૪ અને મેઘનાબેન (ઉ.વ.૨) ની સાથે લઈ લીમખેડા તાલુકામાં આવેલ ઉમરીયા ડેમ ખાતે આવ્યાં હતાં અને બંન્ને પુત્રીઓની સાથે જયાબેને ડેમમાં ઝંપલાવી દીધું હતું. ઘટનાની જાણ સ્થાનીક લોકોને થતાં સ્થાનીક લોકો ઘટના સ્થળે દોડી ગયાં હતાં જ્યાં સ્થાનીક તરવૈયાઓની મદદથી ઉપરોક્ત પરણિતા અને તેમની બંન્ને પુત્રીઓની શોધખોળ હાથ ધરતાં બંન્ને પુત્રીઓને મૃત હાલતમાં સ્થાનીક તરવૈયાઓ દ્વારા ડેમના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં પરંતુ ઉપરોક્ત પરણિતાનો ડેમમાં કોઈ પત્તો ન લાગતાં સ્થાનીકો દ્વારા પરણિતાના પરિવારજનોને જાણ કરતાં પરિવારજનો પણ ડેમ ખાતે દોડી આવ્યાં હતાં જ્યાં સ્થાનીક પોલીસને આ મામલાની જાણ કરવામાં આવતાં સ્થાનીક પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પોલીસ દ્વારા નજીકની ફાયર ફાઈટરની ટીમને પણ જાણ કરતાં ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાઈયર ફાઈટરની ટીમ દ્વારા ડેમમાં ભારે શોધખોળ બાદ પણ પરણિતાનો કોઈ પત્તો ન લાગતાં વડોદરાની એન.ડી.આર.એફ.ની ટીમને બોલાવવાની ફરજ પડી હતી. હાલ પરણિતાની શોધખોળ ચાલુ છે ત્યારે એક સાથે ત્રણના મોતને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાને પગલે ડેમ ખાતે લોકટોળા ઉમટી પડ્યાં હતાં ત્યારે સમગ્ર મામલે સ્થાનીક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આરંભ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
——-