Saturday, 12/07/2025
Dark Mode

ચોમાસામાં વીજળી પડવાથી થતા નુકશાનથી બચવાના અચૂક ઉપાયો

June 25, 2022
        1276
ચોમાસામાં વીજળી પડવાથી થતા નુકશાનથી બચવાના અચૂક ઉપાયો

ચોમાસામાં વીજળી પડવાથી થતા નુકશાનથી બચવાના અચૂક ઉપાયો

 

હાલમાં વર્ષાઋતુ-૨૦૨૨ની શરૂઆતમાં જ સમગ્ર રાજ્યમાં વીજળી પડવાને કારણે માનવ–પશુઓ મૃત્યુના બનાવ બન્યાં છે ત્યારે કુદરત સર્જિત આફત સામે લડી શકવાનું તો માનવનું ગજુ નથી. પરંતે તેની સામેની અગમચેતી કે સાવધાની નુકશાની અને માનવખુવારી અટકાવી શકાય છે. 

આવી જ એક કુદરતી આફત છે. આકાશીય વીજળી….. માત્ર એક જ સેકંડમાં કરોડો વોલ્ટના ઝટકાથી તે અનેક ખુવારી કરી શકે છે ત્યારે તેનાથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય તે જાણવું આપણાં સૌ માટે અગત્યનું બની રહેશે.તેની ગંભીરતા પારખીને આથી જાહેર જનતાએ આકાશીય વિજળીથી બચવાં માટે આ મુજબના પગલાં ભરવાં જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. 

જ્યારે ઘરની અંદર હોવ ત્યારે : વીજળીથી ચાલતા ઉપકરણોથી દૂર રહેવું, તારથી ચાલતાં ફોનનો ઉપયોગ ન કરવો, બારી-બારણા અને છતથી દૂર રહેવું, વીજળીના વાહક બને તેવી કોઇપણ ચીજવસ્તુથી દૂર રહેવું, ધાતુથી બનેલા પાઈપ, નળ, ફુવારો, વોશબેસીન વગેરેના સંપર્કથી દૂર રહેવું જોઇએ. 

આકાશીય વીજળી સમયે જો ઘરની બહાર હોવ તો, ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષે છે, જેથી તેનો આશરો લેવાનું ટાળવું તથા પશુઓને ઊંચા વૃક્ષો નીચે બાંધવાનું ટાળવું, આસપાસ ઊંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશરો લેવાનું ટાળવું, ટોળામાં રહેવાને બદલે છૂટાછવાયા વિખરાઈ જવું.

 

મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય, આથી મજબૂત છતવાળા મકાનમાં આશ્રય મેળવવો, મુસાફરી કરતાં હોવ તો વાહનમાં જ રહો, મજબૂત છતવાળા વાહનમાં રહો. પાણી વીજળીને આકર્ષે છે તેથી પુલ, તળાવો અને જળાશયોથી દૂર રહી, પાણીમાં હોવ તો બહાર આવી જાવ.ધાતુની વસ્તુઓ જેવી કે બાઈક, ઈલેક્ટ્રીક કે ટલીફોનના થાંભલા, તારની વાંક, મશીનરી વગેરેથી દૂર રહો.

 

વિજળી પડવાની શકયતા જણાય ત્યારે: તમારા માથાના વાળ ઉભા થઈ જાય, ચામડીમાં ઝણઝણાટ થાય ત્યારે તાત્કાલિક નીચા નમીને કાન ઢાંકી દેવાં કારણ કે તમારી આસપાસ વીજળી ત્રાટકવા ઉપર છે તેમ સમજવું અને જમીન પર સૂવું નહીં અથવા તો જમીન પર હાથ ટેકવવા નહીં.

વિજળી/ઈલેકટ્રીકથી શોક લાગ્યા પછી આ બાબતો તુરત કરવી. લાકડાં જેવી અવાહક વસ્તુ વડે શોક લાગનાર વ્યકિતને વીજપ્રવાહથી દૂર ખસેડી દેવાં, મેઈન સ્વીચ બંધ કરીને વીજપ્રવાહ બંધ કરી દેવો. કરંટ લાગનાર વ્યકિત દાઝી ગયેલ હોય તો ઠંડુ પાણી રેડવું, કરંટ લાગનાર વ્યક્તિના શ્વાસોશ્વાસ તપાસી સીધા ડોક્ટરને જાણ કરવી, દાઝેલા ભાગ ઉપર ચોંટી ગયેલ કપડાંને ઉખાળવું નહી.

આકાશીય વીજળીનો ઝટકો લાગે ત્યારે વીજળીનો આંચકો લાગેલ વ્યક્તિને જરૂર જણાય તો સી.પી.આર. એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઈએ. તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી જોઇએ. 

આકાશી વિજળી થતી હોય તે દરમ્યાન રાખવાની સાવચેતીઓ : વીજળીની સલામતી માર્ગદર્શિકાનો ૩૦-૩૦ નો નિયમ છે. વીજળી જોયાં પછી ૩૦ ની ગણતરી શરૂ કરવી, જો તમે ૩૦ની પહોંચતા પહેલાં ગાજવીજ સાભળશો, તો ઘરની અંદર જાઓ. ગર્જનાના છેલ્લાં તાળા પછી ઓછામાં ઓછા ૩૦ મિનિટ પ્રવૃત્તિઓ સ્થગિત કરો, ઈલેક્ટ્રીક વીજ ઉપકરણોને નુકસાન ન થાય તે માટે હમેશા કામની સ્થિતિમાં અર્થીગ રાખો, વણવપરાતા પ્લગ પ્લાસ્ટીક કવરથી ઢાંકી દેવાં જોઇએ.

ઈલેકટ્રીકના ઉપકરણો પાણીની લાઇનો તથા ભેજથી દૂર રાખવાં. વિજળીના વાહકો વડે ઘરને આકાશી વિજળીથી સુરક્ષિત બનાવવું. તંત્રની સૂચના મુજબ સુરક્ષિત સ્થળે જતાં રહેવું. શોર્ટ સર્કિટથી વીજ પ્રવાહ આપોઆપ બંધ થઈ જાય તેવી સ્વીચ વાપરવી. ઘરમાં દરેકને મેઈન સ્વીચની જાણ હોવી જોઈએ. ઈલેક્ટ્રીક કામના જાણકાર પાસે જ ઈલેકટ્રીક કામ કરાવવું જોઇએ. ઈલેકટ્રીક કામ કરતી વખતે વિજળીના અવાહક વસ્તુ ઉપર ઉભા રહેવું જોઇએ.

ભયાનક આકાશી વિજળી થતી હોય ત્યારે સુરક્ષિત મકાનમાં જતાં રહેવું. ભયાનક વિજળીના સંજોગોમાં ઝાડ નીચે ઉભા ન રહેવું. તમામ ઈલેક્ટ્રીક ઉપકરણોના પ્લગ કાઢી લેવાં. ફીશીંગ રોડ કે છત્રી પકડી રાખવી નહી. ઈલેકટ્રીક થાંભલા/ટેલીફોન થાંભલાને અડકવું નહી.

હવામાન વિભાગ, ભારત સરકાર દ્વારા ડેવલપ કરવામાં આવેલ વીજળી એલર્ટ અંગેની દામીની એપ વધુમાં વધુ લોકો દ્વારા ડાઉનલોડ કરવા રાહત નિયામક, મહેસૂલ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.  

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!