 
				
				મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પંડિત દીન દયાળ એનર્જી યુનિવર્સિટીનો નવમો પદવીદાન સમારોહ સંપન્ન
યુવા શક્તિએ મેળવેલા જ્ઞાન અને કૌશલ્ય થી સજ્જ થઈ સપના સાકાર કરવાના છે :મુખ્યમંત્રીશ્રી
સેક્ટરલ યુનિવર્સિટીઝ ની સ્થાપના દ્વારા ગુજરાતના યુવાનોને વિશ્વ સમકક્ષ જ્ઞાન ઘર આંગણે આપવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પના બીજ હવે વટવૃક્ષ બની ગયા છે.

શ્રી ભૂપેન્દ્ર પટેલ
૧પ૬૩ યુવા વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન ડીગ્રી, ૪૦ વિદ્યાર્થીઓને પી.એચ.ડી. ડીગ્રી અને ૧૦ર જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ એનાયત

મુખ્યમંત્રીશ્રી
• ઉર્જા ક્ષેત્ર સંલગ્ન વિવિધ પદવી મેળવનારા કુશળ યુવાનોની વિશેષ સામાજિક જવાબદારી
યુવાનોની શકિતને રાષ્ટ્ર નિર્માણમાં જોડવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં દેશમાં સ્ટાર્ટઅપ, રિસર્ચ અને ઇનોવેશન ક્ષેત્રે વિપુલ તકો નિર્માણ પામી છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે યુવા શકિતએ મેળવેલી શિક્ષા દિક્ષા થી સજ્જ થઈ પોતાની સામે આવનારા પડકારોને ઝીલી તેને તકમાં પલટાવીને પોતાના સપના સાકાર કરવાના છે.
મુખ્યમંત્રીશ્રી એ ઉમેર્યું કે યુવાનોની શકિતને રાષ્ટ્ર નિર્માણમાં જોડવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં દેશમાં સ્ટાર્ટઅપ, રિસર્ચ અને ઇનોવેશન ક્ષેત્રે વિપુલ તકો નિર્માણ પામી છે
મુખ્યમંત્રીશ્રીએ પંડિત દીન દયાળ એનર્જી યુનિવર્સિટીના નવમાં પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા ઉર્જા ક્ષેત્રે આવેલા બદલાવને સ્વીકારી નવા વિકલ્પો તૈયાર કરવાનું આહ્વાન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રીય મંત્રી શ્રી હરદિપસિંહ પૂરી, પી.ડી.ઇ.યુ ના પ્રેસિડેન્ટ શ્રી મૂકેશ અંબાણીની વીડિયો કોન્ફરન્સ ના માધ્યમથી ઉપસ્થિતીમાં યુનિવર્સિટીના આ નવમા પદવીદાન સમારોહમાં ૧૫૬૩ યુવાનોને ગ્રેજ્યુએશન, ૪૦ વિદ્યાર્થીઓને પી.એચ.ડી ડીગ્રી અને ૧૦૨ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ એનાયત કર્યા હતા

શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી,રાજ્યમંત્રીશ્રી કુબેર ભાઈ ડિંડોર સહિત યુનિવર્સિટીના ગર્વનીન્ગ કાઉન્સીલના શ્રી પરિમલ નથવાણી અને અન્ય સભ્યો તથા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ડૉ. હસમુખ અઢિયા અને યુનિવર્સિટીના પ્રાધ્યાપકો, ડીગ્રી પ્રાપ્ત વિદ્યાર્થીઓના પરિવાર જનો તેમજ રાજ્ય સરકારના સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો આ પદવીદાન સમારોહમાં જોડાયા હતા
મુખ્યમંત્રીશ્રીએ આ તકે કહ્યું કે, વિવિધ સેક્ટરલ યુનિવર્સિટીઝની રાજ્યમાં શરૂઆત કરાવીને ગુજરાતના યુવાનોને વિશ્વ સમકક્ષ જ્ઞાન અવસરો ઘર આંગણે આપવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પના બીજ આજે વટવૃક્ષ બની ગયા છે તેનું ઉત્તમ ઉદાહરણ આ પંડિત દીનદયાળ યુનિવર્સિટી છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે એ વર્ષે યુવા મિત્રો ઉર્જા ક્ષેત્રને સંલગ્ન વિવિધ પદવી મેળવી રહ્યા છે
આવા કુશળ યુવાનોની સામાજિક જવાબદારી પણ વિશેષ છે.
આ સંદર્ભમાં તેમણે યુવા વિદ્યાર્થીઓએ પેટ્રોલિયમ, ઊર્જા, કલાયમેટ ચેન્જ જેવા વિષયોમાં મેળવેલા જ્ઞાન કૌશલ્યનો સમાજના હિત માટે ઉપયોગ કરવાની આવશ્યકતા સમજાવી હતી

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, યુવાનો પાસે માતૃભૂમિનું હિત- રાષ્ટ્રહિત હૈયે રાખી કર્તવ્યરત રહેવાના અગણિત અવસર ઉપલબ્ધ છે, આજના યુવાનો પાસે ભારતની આવતી કાલ ઘડવાની સુવર્ણતક રહેલી છે તેમ પણ તેમણે ડીગ્રી પ્રાપ્ત કરી રહેલા યુવાઓને ઉજ્જવળ કારકીર્દીની શુભેચ્છાઓ પાઠવતા ઉમેર્યું હતું.
 
										 
                         
                         
                         
                        