રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક
ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર પર પીટોલ નજીક ડામર ભરેલું ટેન્કર પલટી મારતા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવેનો વાહન વ્યવહાર ખોરવાયો
બે થી ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ: સદભાગ્યે કોઇ જાનહાનિ નહીં, સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક જામને દૂર કરી વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં જોતરાઈ..
ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત: ટેન્કરમાંથી ગરમ-ગરમ ડામર રોડ પર પથરાતા વાહનચાલકો ધ્યાના ત્યાં ઊભા રહ્યા…
દાહોદ તા.06
ગુજરાત મધ્ય પ્રદેશ બોર્ડર પર પીટોલ નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર દાહોદ તરફથી જઈ રહેલો ડામર ભરેલો ટેન્કર પલ્ટી મારતા ટેન્કરનું ડામર રોડ ઉપર ઢોલાઈ જતા ઇન્દોર અમદાવાદ નો એક તરફનો વાહન વ્યવહાર ખોરવાયો હતો તેમજ લાંબો ટ્રાફિકજામ લાગતા ભર ઉનાળે વાહન ચાલકો ગરમીના લીધે સેકાઈ જતા ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો જયારે આ બનાવમાં સદ ભાગ્યે કોઈ જાનહાની ના બનવા પામી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર, ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ઉપર પીટોલ નજીક બાવડી ફાટા ગામે દાહોદ તરફથી જઈ રહેલો GJ-06-V.V-0080 નંબરનો ડામર ભરેલા ટેન્કરના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર પલ્ટી મારતા ટેન્કરમાં ભરેલો ડામર રોડ પર પથરાઈ ગયો હતો. ટેન્કર માંથી રોડ પર પથરાયેલો ડામર અત્યંત ગરમ હોવાથી વાહન ચાલકો જયાના ત્યાં રોકાઈ ગયા હતા.જેના પગલે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવેનો એક તરફનો વાહન વ્યવહાર પ્રભાવિત થતા બે થી ત્રણ કિલોમીટર સુધીનો લાંબો ચક્કાજામ થતા વાહન ચાલકોની કતાર લાગી જવા પામી હતી. જેમાં ઉનાળાના આકરા સમયમાં ટ્રાફીક જામમાં ફસાયેલાં વાહન ચાલકો ગરમીના લીધે પરસેવે રેબઝેબ થતા ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.જોકે આ બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા સ્થાનિક પોલીસે ટાબડતોડ ઘટના સ્થળે પહોંચી ટ્રાફીક જામને હળવો કરી રાબેતા મુજબ કરવાની કામગીરીમાં જોતરાઈ ગયા હતા.
