ધાનપુર તાલુકાના ખજૂરીમાં પરણિત યુવતી જોડે થયેલ અમાનવીય વ્યવહારને પગલે વહીવટી તંત્ર એક્શનમાં:દાહોદ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ મહિલા સુરક્ષા સમિતિઓની રચના કરાઇ

Editor Dahod Live
2 Min Read

દાહોદ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ મહિલા સુરક્ષા સમિતિઓની રચના કરાઇ

દરેક ગામમાં રચાયેલી મહિલા સુરક્ષા સમિતિ મહિલા અધિકારો અંગે જાગૃતિ ફેલાવવા અભિયાન ચલાવવા કલેક્ટરશ્રીનો આદેશ

દાહોદ, તા. ૧૫ :

ધાનપુરના ખજૂરી ગામે એક પરિણીતા સાથે બનેલા અમાનવીય બનાવને કેન્દ્રસ્થ રાખીને ભવિષ્યમાં આવા બનાવો નિવારી શકાય એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ્ય કક્ષાએ મહિલા સુરક્ષા સમિતિ બનાવાના આદેશો જારી કરવામાં આવ્યા છે. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જિલ્લાના તમામ મામતલદારોએ આ આ આદેશનું તત્કાલ અમલીકરણ કરી ગરબાડા, ધાનપુર અને દાહોદ તાલુકાના આંતરરાજ્ય સરહદ ઉપર આવેલા ગામોમાં મુલાકાત લઇ મહિલાઓને તેમના અધિકારો વિશે જાગૃત કરવા અને પ્રજાજનોમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ દૂર કરવા માટે અભિયાન ચલાવવા જણાવ્યું છે.

 

 

કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ એક આદેશથી જિલ્લાના તમામ મામલતદારશ્રીઓને તાત્કાલિક ગ્રામ્ય કક્ષાએ મહિલા સુરક્ષા સમિતિની રચના કરવા જણાવ્યું છે અને સમિતિની રચના કર્યા બાદ તુરત બે દિવસમાં મામલતદારશ્રીએ તેમના કાર્યક્ષેત્રના તમામ ગામોની મુલાકાત લઇ તેનો રિપોર્ટ આપવાનો રહેશે. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ ધાનપુરના ખજૂરી ખાતે નારીગૌરવ હનનની બનેલી ઘૃણાસ્પદ ઘટના બાદ ગામે ગામ મહિલાઓના હકો અને સુરક્ષા બાબતે જાગૃતિ આવે એ માટે કાર્યક્રમો યોજી એક ઝુંબેશરૂપે લોકોમાં અવેરનેસ લાવવા અભિયાન ચલાવવા જણાવ્યું છે.

આ ઉપરાંત તમામ મામલતદારશ્રીઓને મહિલાઓ અત્યાચારનો ભોગ ન બને એ માટે મહિલા સુરક્ષા સમિતિ સક્રીયતાથી કામ કરે એ બાબત સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. આ સમિતિ ગ્રામ્યકક્ષાની છે અને મામલતદારશ્રીઓ દ્વારા તેમા પોલીસકર્મી સહિતના સભ્યો નિમવામાં આવ્યા છે. 

મામલતદારશ્રી દ્વારા તેમના કાર્યક્ષેત્રના દરેક ગામની બે દિવસમાં જ મુલાકાત લઇ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

Share This Article