નિર્ણય મોકૂફ રાખવાનો હુકમ: રાજ્યની તમામ 8 મોડેલ ડે સ્કૂલ બંધ કરવાનો સરકારનો નિર્ણય મોકૂફ રહ્યો

Editor Dahod Live
2 Min Read

નિર્ણય મોકૂફ રાખવાનો હુકમ: રાજ્યની તમામ 8 મોડેલ ડે સ્કૂલ બંધ કરવાનો સરકારનો નિર્ણય મોકૂફ રહ્યો

8 શાળાના ધો. 5થી 8ના વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવા સૂચના

દાહોદ તા.25

 

ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર કચેરી ગાંધીનગર દ્વારા રાજ્યની બનાસકાંઠા, દાહોદ, કચ્છ, પંચમહાલ, સાબરકાંઠા, વલસાડ સહિતના છ જિલ્લાઓમાં કાર્યરત આઠ જેટલી મોડેલ ડે સ્કૂલ બંધ કરવાનો પરિપત્ર તા.15/06/2021 ના રોજ સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીઓને પાઠવવામાં આવ્યો હતો.

જેના કારણે દાહોદ જિલ્લાની અગાસવાણી તથા વજેલાવ મોડેલ ડે સ્કૂલ ના 775 વિદ્યાર્થીઓ તથા ફરજ બજાવતા શિક્ષકો તથા અન્ય છ મોડેલ ડે સ્કૂલના સેંકડો વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોનું ભાવિ અંધકારમય બન્યું હતું.આ બાબતે દિવ્ય ભાસ્કર દ્વારા 17 મી જુનના રોજ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

જેથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત પ્રારંભિક શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર કચેરી ગાંધીનગર દ્વારા તાત્કાલીક અસરથી તા.23/06/2021ના રોજ આ તમામ આઠ મોડેલ ડે સ્કુલ બંધ કરવાના નિર્ણયની પુનઃવિચારણા બાદ તમામ આંઠેય મોડેલ ડે શાળાઓ બંધ કરવાનો નિર્ણય મોકૂફ રાખવાનો હુકમ ફરમાંવવામાં આવ્યો છે.

આ ઉપરાંત સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર કચેરી ગાંધીનગર દ્વારા આ આઠેય શાળાઓના ધોરણ 5થી 8ના શિક્ષકો દ્વારા તૈયાર કરાયેલા રચનાત્મક પરિણામ આધારે બાળકોનું 700 ગુણ માંથી વિષયવાર માર્કિંગના આધારે 60 ટકાથી ઉપર ધરાવતા બાળકોને આ શાળાઓમાં ધોરણ 6થી 9માં પ્રવેશ આપવાનો હુકમ પણ ફરમાંવવામાં આવ્યો છે. જેના કારણે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા ફરજ બજાવતા શિક્ષકોમાં ખુશાલી વ્યાપી જવા પામી છે.

Share This Article