
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના છાલોર ગામે કિશોરની થયેલ કથિત હત્યા સંબંધે નિયમોનુસાર કાર્યવાહી કરવા સી.આઇ.ડી ક્રાઇમ દ્વારા આદેશ.
છાલોર ગામે કૂવામાંથી ગામનાજ ૧૭ વર્ષીય કિશોરની ગળા તથા ગુપ્તાંગના ભાગે ઇજાના નિશાન સાથે શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી.
મૃતકના પિતાએ ફતેપુરા પોલીસ સ્ટેશનના જવાબદારો સહિત પી.એમ કરનાર તબીબ વિરુદ્ધ હત્યાના બનાવને અકસ્માત મોતમાં ખપાવવાની કોશિશ કરાતી હોવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
સુખસર,તા.૦૬
ફતેપુરા તાલુકામાં વર્ષોથી કુવાઓમાંથી તેમજ બિનવારસી શંકાસ્પદ હાલતમાં લાશો મળી આવવાના ડઝન બંધ કિસ્સાઓ પ્રકાશમાં આવેલા છે.તે પૈકી કેટલાક કિસ્સાઓમાં મરણ જનારની હત્યા કરી તેની લાશ ફેંકવામાં આવી હોવાનું પણ પી.એમ દરમ્યાન ખુલવા પામે છે.જ્યારે આવા શંકાસ્પદ કિસ્સાઓમાં સ્થાનિક પોલીસ દ્વારા થવી જોઈતી તપાસ નહી થતા સમયાંતરે ફતેપુરા તાલુકામાં કુવાઓ માંથી તેમજ બિનવારસી હાલતમાં લાશો મળી આવવાના તેમજ કેટલાક કિસ્સાઓમાં કમોતના બનાવની હકીકત ને સ્થાનિક પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પહેલા કહેવાતા સામાજિક આગેવાનોના માધ્યમથી તેના ઉપર પડદો પાડી દેવામાં આવતા શંકાસ્પદ મોતના કિસ્સાઓ વધતા જાય છે.જ્યારે કેટલાક કિસ્સાઓમાં સ્થાનિક લાગતા-વળગતા તંત્ર દ્વારા કેટલાક કિસ્સાઓમાં ઢાંકપિછોડો કરી કોઈકના મોત માટે સામેલ આરોપીઓને છાવરી પીડિત પરિવાર સાથે હળહળતો અન્યાય થતો હોવાની બાબતથી ફતેપુરા તાલુકો વંચિત નથી. ત્યારે કેટલાક જાગૃત લોકો સ્થાનિક જવાબદારોની બેદરકારી સામે કાયદાકીય જંગે ચડે તે પણ અયોગ્ય નથી. અને તેવો જ કિસ્સો ફતેપુરા તાલુકાના છાલોર ગામે બનવા પામેલ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના છાલોર ગામે રહેતા અરવિંદભાઈ વીરસીંગભાઇ તાવિયાડ નો પુત્ર રવિન્દ્રભાઈ તાવિયાડ ઉ.વ.૧૭ નો એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હતો.જે ગત ૮.મે-૨૦૨૧ ના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં ગામમાં ગયો હતો.જે મોડે સુધી પરત ઘરે નહીં આવતા તેની શોધખોળ કરવા છતાં તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો. ત્યારે બીજા દિવસે ગામના કૂવામાંથી તેની લાશ મળી આવી હતી.જો કે કૂવામાં માત્ર ત્રણેક ફૂટ જેટલું પાણી હતું છતાં પડવા-વાગવાના શરીરના અન્ય કોઈ પણ ભાગ ઉપર ઇજાના નિશાન જોવા મળ્યા ન હતા. પરંતુ ગળાના તથા ગુપ્તાંગના ભાગે ઇજાના નિશાન જણાઇ આવ્યા હતા.જેથી મૃતકના પરિવારજનોએ રવીન્દ્રની હત્યા થઇ હોવા બાબતે આક્ષેપ કરી તેનું પેનલ પી.એમ કરાવવાનો આગ્રહ કરતા પેનલ પી.એમ કરવામાં આવ્યું ન હતું.તેમજ કથિત હત્યાના બનાવ ના સ્થળે ફતેપુરા પી.એસ.આઇ પણ હાજર રહ્યા ન હતા.તેમજ બનાવના દિવસો વીતવા છતાં પોલીસ દ્વારા થવી જોઈતી તપાસ પણ કરવામાં આવી ન હતી.જેથી મૃતકના પિતાએ લાગતા-વળગતા તમામ ઉચ્ચ અધિકારીઓને આ હત્યામાં સંડોવાયેલા મનાતા સાત જેટલા લોકોના નામ સાથે રજૂઆત કરી તેની તપાસ ઉચ્ચ કક્ષાએથી કરવામાં આવે અને આ હત્યાનો ભેદ ઉકેલવામાં આવે તે બાબતે ૨૫.મે-૨૦૨૧ ના રોજ ધારદાર રજૂઆત કરવામાં આવી હતી.
ઉપરોક્ત બાબતે મૃતકના પિતા અરવિંદભાઈ તાવિયાડે કરેલી રજૂઆતના સંદર્ભે અધિક પોલીસ મહાનિદેશકની કચેરી,સી.આઇ.ડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી નાઓને અધિક પોલીસ મહાનિદેશક શ્રી મહિલા સેલ અને ક્રાઇમનાઓના આદેશથી ડિટેક્ટિવ પોલીસ ઇન્સ્પેક્ટર સી.આઇ.ડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા અરજદારની અરજીથી કરેલ રજૂઆતને ધ્યાને લઇ જણાવેલ મુદ્દાઓ અંગે કાયદેસર/નિયમોનુસાર કાર્યવાહી કરી યોગ્ય પગલા લેવા તેમજ આ સંબંધે બારોબાર અરજદારને જાણ કરવા આદેશ કરાયો હોવાનું જાણવા મળે છે.