દાહોદ ડેસ્ક તા.19
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અંતરીયાળ ગામ લીમડીમેંધરી ખાતે કલેક્ટર શ્રી વિજય ખરાડીની અધ્યક્ષતામાં રાત્રીસભા યોજાઇ
કલેક્ટરશ્રીએ ગ્રામજનોની રજુઆતોના તાત્કાલીક નિરાકરણ માટે અધિકારીઓને તાકીદ કરી
માતા અને બાળકના આરોગ્યની રક્ષા માટે બાળલગ્નની કુપ્રથા દૂર કરવી જરૂરી
– કલેક્ટરશ્રી વિજય ખરાડી
દાહોદ, તા.૧૯ : દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અંતરીયાળ ગામ લીમડીમેંધરી ખાતે કલેક્ટર શ્રી વિજય ખરાડીની અધ્યક્ષતામાં રાત્રીસભા યોજાઇ હતી. ગ્રામજનોએ મોટી સંખ્યામાં રાત્રીસભામાં ભાગ લઇ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી. કલેક્ટરશ્રીએ ગ્રામજનોની રજુઆતોના તાત્કાલીક નિરાકરણ માટે અધિકારીઓને તાકીદ કરી હતી.
આ પ્રસંગે કલેક્ટર શ્રી વિજય ખરાડીએ ઉપસ્થિત ગ્રામજનોને સરકારી યોજનાઓ અને કામગીરી બાબતે માહિતી આપી હતી. તેમણે ગ્રામજનોને ૭/૧૨ ના ઉતારાની નકલ દર છ મહિને ચેક કરતા રહેવા જણાવ્યું હતુ. અધિકારીઓને પણ સેવાસેતુ કાર્યક્રમનો મહત્તમ લાભ ગ્રામજનોને પહોંચે તે રીતનું આયોજન કરવા સૂચન કર્યુ હતું. આ ઉપરાંત ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ કેવી રીતે લેવો તે વિગતે સમજાવ્યું હતું. ધાનપુર તાલુકામાં બાળમરણ-માતામરણ બાબતે સમાજમાં જાગ્રૃતિ લાવી તેનું પ્રમાણ ધટાડવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે માતા અને બાળકના આરોગ્યની રક્ષા માટે બાળલગ્નની કુપ્રથા દૂર કરવી જરૂરી છે.
દીપપ્રાગટય અને વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થનાગીત બાદ રાત્રીસભાની શરૂઆત કરવામાં આવી હતી. ગ્રામજનોએ રાત્રીસભામાં રેશનકાર્ડ મેળવવા બાબત, આંગણવાડીમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવા, નવા રસ્તાઓ બનાવવા, પાકું મકાન બનાવવા જેવા વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરી હતી. જિલ્લા કલેક્ટર શ્રી વિજય ખરાડીએ ઉપસ્થિત અધિકારીઓને આ બાબતે જરૂરી સૂચનો આપી પ્રશ્નોનું તાત્કાલીક નિરાકરણ લાવવા તાકીદ કરી હતી. આ પ્રસંગે કલેક્ટરશ્રીએ વિધવા પેન્શન યોજના અને વૃધ્ધ પેન્શન યોજનાના લાભાર્થીઓને મજુંરીપત્ર એનાયત કર્યા હતાં.
રાત્રીસભામાં પ્રાંત અધિકારી શ્રી ધાનપુર, પ્રાંત અધિકારી શ્રી લીમખેડા, ધાનપુરના તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, ગામના સંરપંચશ્રી અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦